Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

મંત્રીની અજીબ સલાહ

સવારે ૧૦ વાગે કરો યજ્ઞ, નહીં આવે કોરોનાની ત્રીજી લહેર

ઇન્દોર,તા.૧૨: કોરોના મહામારીને અટકાવવા માટે દેશના બધા રાજયોની સરકારો સારા સ્વાસ્થ્ય સુવિધાને વધારવામાં લાગી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત અન્ય દ્યણા રાજયોના સીએમ દિવસ-રાત મહામારી પર નિયંત્રણ મેળવવા માટે કામે લાગેલા છે. આ બધા વચ્ચે દ્યણા નેતા બીમારી પર અજીબો ગરીબ સલાહ આપીને વિચિત્ર સ્થિતિ ઉભી કરી રહ્યા છે. યૂપીના એક નેતાએ હાલમાં જ ગૌમૂત્રથી કોરોના ઠીક કરવાની અજીબ સલાહ આપી હતી. આ પછી હવે મધ્ય પ્રદેશમાં પોતાના ચર્ચિત નિવેદન માટે પ્રખ્યાત મંત્રી ઉષા ઠાકુરે સલાહ આપી છે કે કોરોનાના ત્રીજી લહેર રોકવા માટે બધા લોકોએ સવારે ૧૦ વાગે યજ્ઞ કરવો જોઈએ.

મધ્ય પ્રદેશના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરનું માનવું છે કે દેશમાં કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર રોકવા માટે લોકોએ યજ્ઞ કરવો જોઈએ. ભારતની સનાતન અને પૌરાણિક પરંપરા ગણાવતા તેમણે યજ્ઞ કરવાનો સમય પણ નિર્ધારિત કરી દીધો છે.

મંત્રીએ કહ્યું હતું કે યજ્ઞ કરવાથી કોરોનાની ત્રીજી લહેર ભારતને અડી પણ શકશે નહીં. મીડિયા સાથે વાતચીત દરમિયાન મંત્રીએ કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર રોકવા માટે સરકાર બધી તૈયારીઓ કરી રહી છે. બધા પ્રયત્નથી આપણે આ મહામારીને નિયંત્રિત કરી લઇશું. બધા લોકો પર્યાવરણને શુદ્ઘ કરવા માટે યજ્ઞ કરે અને બે-બે આહુતિ આપે. હાલ ૧૦, ૧૧, ૧૨ અને ૧૩ તારીખે સવારે ૧૦ વાગે યજ્ઞ કરો. યજ્ઞ ચિકિત્સા છે, આ કર્મકાંડ અને અંધવિશ્વાસ નથી પણ પર્યાવરણને શુદ્ઘ કરવા માટે ચિકિત્સા છે.

આ પહેલા પણ મંત્રી ઉષા ઠાકુરે અજીબ નિવેદન કર્યું હતું. માસ્ક ના પહેરવા પર મીડિયાએ સવાલ કર્યો તો મંત્રીએ કહ્યું હતું કે તે રોજ યોગ કરે છે, રોજ પ્રાણાયામ કરે છે અને સપ્તશતીના પાઠ કરે છે. જેથી તેમને કોરોના થશે નહીં.

(10:21 am IST)