Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ઇઝરાયલ પર હમાસનો સૌથી મોટો હુમલો : છોડ્યા ૧૩૦ રોકેટ : ભારતીય મહિલાનું મોત

પેલેસ્ટાઇન અને ઇઝરાઇલ વચ્ચેનું આરપારનું યુધ્ધ ફરી જોવા મળી રહ્યુ છે

તેલ અવીવ,તા. ૧૨: જેરૂસલેમની અલ-અકસા મસ્જિદમાં સોમવારે પેલેસ્ટીનીઓ અને ઇઝરાઇલી સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણએ હવે હિંસક રૂપ ધારણ કર્યું છે. તે એક ઘટના પછી પેલેસ્ટાઇન અને ઇઝરાઇલ વચ્ચેનું આરપારનું યુદ્ઘ ફરી જોવા મળી રહ્યું છે. બંને તરફથી રોકેટ ચલાવવામાં આવી રહ્યા છે અને ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે હમાસ રોકેટ હુમલામાં એક ભારતીય મહિલાનું મોત નીપજયું છે. મહિલાનું નામ સૌમ્યા સંતોષ હોવાનું કહેવાઈ રહ્યું છે, જે છેલ્લા સાત વર્ષથી ઇઝરાઇલમાં રહેતી હતી.

ઇઝરાયલી વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે હમાસે રહેણાંક વિસ્તારમાં આશરે ૧૩૦ રોકેટ ચલાવ્યાં છે અને જેરૂસલેમમાં ભારે હિંસા ભડકી છે. આવા જ એક હુમલામાં ભારતીય મહિલા સૌમ્યા સંતોષનું પણ મોત નિપજયું હતું. ભારતના ઇઝરાઇલી રાજદૂત ડો.રોન મલકા વતી ટ્વીટ કરીને આ માહિતી આપી છે અને તેમણે પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી છે. ટ્વિટમાં લખ્યું છે કે ઇઝરાઇલ વતી હું સૌમ્યા સંતોષના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરું છું. તેનું હમાસના આતંકી હુમલામાં મોત નિપજયું હતું. તે જાણીને અમને દુખ થઇ રહ્યું છે કે આ ઘાતકી આતંકવાદી હુમલામાં ૯ વર્ષના બાળકે તેની માતા ગુમાવી દીધી છે.

એવું કહેવામાં આવ્યું છે કે હુમલા સમયે સૌમ્યા ૮૦ વર્ષની વૃદ્ઘ મહિલા સાથે ઘરે હતી. તે મહિલાની કેરટેકર હતી અને લાંબા સમયથી તેની સંભાળ રાખતી હતી. પરંતુ તેનું ઘર હમાસ રોકેટ એટેકમાં બચી શકયું નહીં અને સૌમ્યાએ પોતાનો જીવ ગુમાવ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૮૦ વર્ષીય વૃદ્ઘ મહિલા આ હુમલામાં બચી ગઈ છે અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ઇઝરાઇલ ડિફેન્સ ફોર્સ દ્વારા આ ઘટનાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં આકાશમાં ઘણા રોકેટ જોવા મળી રહ્યા છે. જે પ્રકારનું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે તેના કારણે આખું વિશ્વ ભયભીત ગયું છે અને યુદ્ઘ થવાની સંભાવના શરૂ થઈ રહી છે. હમાસના આ હુમલા બાદ ઇઝરાઇલ કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે તેવી માહિતી આવી રહી છે. સેના ગાઝા બોર્ડર પર ૫ હજાર સૈનિકોને તૈનાત કરવાની તૈયારી કરી રહી છે. તે જ સમયે, ફકત હવાઈ હુમલાઓ દ્વારા યોગ્ય જવાબ આપવાનું માનવામાં આવી રહ્યું છે.

ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જિામન નેતન્યાહુ તરફથી પણ આકરો પ્રતિસાદ આપવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે હમાસે તમામ સીમાઓને પાર કરી લીધી છે અને હવે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમના આ જ નિવેદન પછી, ગાઝા પટ્ટી પર ઇઝરાઇલ તરફથી પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. ઇઝરાઇલી સેનાએ દાવો કર્યો હતો કે આ હુમલા દ્વારા તેઓએ ઘણા આતંકવાદીઓને ઠાર કર્યા છે.

(10:18 am IST)