Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ખાનગી બેન્કોને સરકારી કામ કરવા માટે RBIની મંજૂરી

કરવેરાની ચુકવણી તથા અન્ય પેમેન્ટ ખાનગી બેન્કો મારફત પણ કરી શકાશે

મુંબઈ, તા.૧૨: ખાનગી ક્ષેત્રની સધ્ધર બેન્કો કેન્દ્ર તેમ જ રાજય સરકારોનું કામકાજ કરી શકશે. રિઝર્વ બેન્કે આ માટે નિયમોમાં જરૂરી ફેરફાર કર્યા છે.

સુધારેલા નિયમો અનુસાર ખાનગીક્ષેત્રની શેડયુલ્ડ બેન્કો જે રિઝર્વ બેન્કના પ્રોમ્પ્ટ કરેકિટવ એકશન (પીએસી) હેઠળ ન મુકાઈ હોય તેઓ રિઝર્વ બેન્ક સાથે કરાર કરીને સરકારી કામકાજ કરી શકશે.

'ખાનગી ક્ષેત્રની જે શેડયુલ્ડ બેન્કો રિઝર્વ બેન્ક સાથે સરકારી કામકાજ કરવાના કરાર ધરાવતી ન હોય તેમને રિઝર્વ બેન્ક સાથે કરાર કર્યા પછી રિઝર્વ બેન્કના એજન્ટ નીમી શકાશે.'

'અહીં એવી શરત' છે કે અરજી કરતી વખતે કે કરાર પર સહી સિક્કા કરતી વખતે સંબંધિત બેન્ક રિઝર્વ બેન્કના પ્રોમ્પ્ટ કરેકિટવ એકશન (પીએસી) અથવા મોરેટોરિયમ હેઠળ ન હોવી જોઈએ,' એમ રિઝર્વ બેન્કે એક યાદીમાં જણાવ્યું છે.

સપ્ટેમ્બર ૨૦૧૨માં ખાનગી ક્ષેત્રની બેન્કોને સરકારી કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જે આ વર્ષે ફેબ્રુઆરીમાં નાણા મંત્રાલયે ઉઠાવી લીધો હતો.

આ પ્રતિબંધ ઉઠાવી લેવાતાં ખાનગી ક્ષેત્રની શેડયુલ્ડ બેન્કોને સરકારી કામકાજ કરવા રિઝર્વ બેન્કના એજન્ટ નીમવા માટે નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો.

જે ખાનગી બેન્કો અત્યારે આવું કામકાજ કરતી હોય તેમણે રિઝર્વ બેન્ક સાથે નવેસરથી કરાર કરવાની જરૂર નથી એમ રિઝર્વ બેન્કની યાદી જણાવે છે.

યાદી ઉમેરે છે કે જે બેન્કને કોઈ પણ પ્રકારનું સરકારી કામકાજ કરવાની પરવાનગી મળી જાય તેણે ચુકવણીનો પ્રકાર (રોકડ કે ઇ-પેમેન્ટ) અને કામકાજના વિસ્તાર વિશે રિઝર્વ બેન્કની અલગ પરવાનગી લેવાની જરૂર નથી. આ બાબતોનો નિર્ણય કેન્દ્ર સરકારવતી સીજીએ અને રાજય સરકારવતી તેનું નાણાખાતું રિઝર્વ બેન્કની જાણ સાથે લેશે.

નાણામંત્રાલયના કહેવા મુજબ દેશનો આર્થિક વિકાસ, સરકારના સમાજલક્ષી કાર્યક્રમો તથા ગ્રાહકોને વધુ સુવિધા આપવામાં હવે ખાનગી ક્ષેત્ર પણ સમાનપણે ભાગ લઈ શકશે.

આ પગલું સામાન્ય નાગરિકોના હિતમાં છે. અત્યાર સુધી સરકાર સાથેના બેન્કિંગ વ્યવહારો માત્ર સરકારી બેન્ક મારફત જ થઈ શકતા હતા. હવે કરવેરાની ચુકવણી તથા અન્ય પેમેન્ટ ખાનગી ક્ષેત્ર મારફત પણ કરી શકાશે. આનાથી ગ્રાહકોને વધુ સુવિધા મળશે, હરીફાઈ વધશે અને ગ્રાહકોની સેવાનું સ્તર પણ ઊંચું આવશે.

બેન્કિંગ ઉદ્યોગના આગેવાનોએ આ પગલાને આવકાર આપ્યો છે. કોટક મહિન્દ્રા બેન્કના મેનેજિંગ ડિરેકટર ઉદય કોટકે કહ્યું કે આ પ્રગતિશીલ સુધારાનું હું સ્વાગત કરું છું.

(10:17 am IST)