Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કોરોના મહામારીના કારણે

PM મોદીનો G7 સંમેલનમાં ભાગ લેવા માટેનો બ્રિટન પ્રવાસ રદ

નવી દિલ્હી, તા.૧૨: કોરોનાની પરિસ્થિતિના કારણે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનો ભારત પ્રવાસ રદ્દ થયા બાદ વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ આગામી મહિને જી-૭ સંમેલનમાં ભાગ લેવા માટે બ્રિટન જવાનો પોતાનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરી મંગળવારે કહ્યું-'યૂકેના પ્રધાનમંત્રી બોરિસ જોનસન તરફથી જી-૭ સંમેલનમાં હાજરી આપવા માટે પીએમ મોદીને આપેલા આમંત્રણની પ્રશંસા કરીએ છીએ. પરંતુ કોવિડ-૧૯ની હાલની સ્થિતિને જોતા તે નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી જી-૭ સંમેલનમાં વ્યકિતગત રીતે હાજર રહેશે નહીં.'

કોર્નવોલમાં બોરિસ જોનસનની અધ્યક્ષતામાં આ વર્ષે આયોજીત થવા જઈ રહેલા જી-૭ સંમેલનમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એવુ કહેવામાં આવી રહ્યું હતું કે કવાડ નેતાઓ જેમ કે- અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન, જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા અને પીએમ મોદી વચ્ચે જી-૭ સંમેલનથી ઇતર કોર્નવોલમાં વ્યકિતગત રીતે બેઠક યોજાશે.

આ પહેલા ચારેય નેતાઓ વચ્ચે ૧૨ માર્ચે વર્ચ્યુઅલ બેઠક થઈ હતી, જે કવાડ દેશોના નેતાઓ વચ્ચે પ્રથમ બેઠક હતી. જી-૭માં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યૂનાઇટેડ સ્ટેટ્સ સામેલ છે.

(10:16 am IST)