Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

4G સર્વિસ હોવા છતાં મોબાઇલમાં નેટની સ્‍પીડ ધીમી હોય તો ટૂંક સમયમાં તેમાંથી છૂટકારો મળશે

નવી દિલ્‍હીઃ ટેલિકોમની 4G સર્વિસ લેવા છતાં મોબાઈલમાં સ્પીડ ધીમી હોય તો આ પરેશાનીમાંથી જલ્દી જ છૂટકારો મળશે. દૂરસંચાર વિભાગે આ સમસ્યાથી મુક્તિ અપાવવા માટે સ્પેક્ટ્રમ હાર્મોનાઈઝેશનને મંજૂરી આપી દીધી છે. હવે સર્વિસ પ્રોવાઈડર્સને ડેટા આપવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે, જેથી ઈંટરનેટ સ્પીડ અને ડાઉનલોડિંગ સ્પીડમાં વધારે થશે.

દૂરસંચાર વિભાગના મતે, હાર્મોનાઈઝેશનને લીલી ઝંડી બતાવવાથી સર્વિસ પ્રોવાઈડિંગ કંપનીઓ 4G સેવાની ગુણવત્તા અને સ્પીડને વધુ સારી બનાવી શકશે. હાર્મોનાઈઝેશન દ્વારા બધા જ સર્વિસ પ્રોવાઈડર્સ સ્પેક્ટ્રમને સુસંગતતાથી ચલાવી શકશે. હાલના સમયમાં હજુ પણ જુદા-જુદા માર્ગો અપનાવવા પડે છે. જેના કારણે કોઈપણ ક્ષેત્રમાં કોઈ કંપની સારું પ્રદર્શન કરે છે તો બીજી બાજુ આ જ કંપની સારી સેવાઓ નથી આપી શકતી.

હાર્મોનાઈઝેશનને મંજૂરી મળતાં આનો લાભ ફક્ત ગ્રાહકોને જ નહીં કંપનીઓને પણ મળશે. આ નિર્ણયથી 2,300 અને 2,500 મેગાહર્ટ્ઝ બેંડના સ્પેક્ટ્રમનું હાર્મોનાઈઝેશન થશે. દેશમાં ભારતી એરટેલ અને રિલાયંસ જિયો પાસે 2,300 મેગાહર્ટ્ઝના બેંડ છે. Jio પાસે 22 સર્કલમાં કુલ 600 મેગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમ છે જ્યારે ભારતી પાસે આટલા જ સર્કલમાં 570 મેગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમ છે. જ્યારે અન્ય કંપનીઓ પાસે આટલી મોટી સંખ્યામાં સ્પેક્ટ્રમ નથી. આ કંપનીઓએ હરાજીમાં સ્પેક્ટ્રમ ખરીદ્યા હતા એટલે જ બંને પોતાની 4G સેવાઓ પૂરી પાડે છે.

ટેલિકોમ એક્સપર્ટ અરુણ પ્રધાનના મતે, “વિભાગે ગ્રાહકો અને સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ બંનેની મુશ્કેલીઓ હલ કરી છે. આનો સીધો લાભ ખાસ કરીને ગ્રાહકોને ડાઉનલોડ અને અપલોડ સ્પીડમાં મળશે.ટ્રાઈના રિપોર્ટમાં સરેરાશ ડાઉનલોડ સ્પીડમાં રિલાયંસ જિયોએ બાજી મારી હતી.

સમયે જિયોના નેટવર્ક પર સૌથી વધારે ડાઉનલોડ સ્પીડ 21.3 mbps હતી, જ્યારે ભારતી એરટેલના નેટવર્ક પર સરેરાશ ડાઉનલોડ સ્પીડ 8.8 mbps રહી. મહત્વનું છે કે ટ્રાઈના રિપોર્ટમાં વોડાફોન અને આઈડિયા સેલ્યુલરની સરેરાશ ડાઉનલોડ સ્પીડ અનુક્રમે 7.2 mbps અને 6.8 mbps રહી. જ્યારે આ દરમિયાન 4G અપલોડ સ્પીડમાં આઈડિયા અવ્વલ રહ્યું.

(7:59 pm IST)