Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બારપોરા ગામમાં સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્‍ચે અથડામણઃ ભારે પથ્થરમારોઃ સીઆરપીઅેફના અેક જવાન શહીદ

જમ્‍મુ-કાશ્‍મીરઃ જમ્‍મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના બારપોરા ગામમાં સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્‍ચે અથડામણ થતા ભારે પથ્થરમારો થયો હતો. આ અથડામણમાં સીઆરપીઅેફના અેક જવાન શહીદ થયા છે. ભારે પથ્થરમારાનો લાભ ઉઠાવીને આતંકવાદીઓ સ્થળ ઉપરથી નાસીછૂટવામાં સફળ રહ્યા છે.

સુરક્ષાદળના આ ઓપરેશન દરમિયાન અથડામણ સ્થળ ઉપર જ આજુબાજુના વિસ્તારોમાં ભારે પથ્થરબાજી શરૂ થઇ હતી. જેને ધ્યાનમાં રાખીને સીઆરપીએફ અને એસઓજીની એક ટીમને મોકલવામાં આવી હતી. આ દરમિયાન આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં સીઆરપીએફનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને તાત્કાલિક સારવાર માટે પુલવામા જિલ્લા હોસ્પિટલમાં અને પછી શ્રીનગરના 92 બેઝ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. જોકે, ફરજ પર હાજર તબીબે જવાનને મૃત જાહેર કર્યો હતો.

અથડામણ સ્થળ ઉપર ઓપરેશન વચ્ચે મોડી રાત્રે પથ્થરબાજોની સંખ્યા વધી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેટ સેવાઓ ઉપર પ્રતિબંધ લગાવાયો હતો. ભારે પથ્થરમારા વચ્ચે આતંકવાદી મકાનમાંથી નાસીછૂટવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ સ્થળની આજુબાજુના વિસ્તારને સેનાએ સીલ કરી દીધો હતો. સેના, એસઓજી અને સીઆરપીએફના 250થી વધારે જવાનો દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથધરાયું હતું.

ઓપરેશન ઓલઆઉટ હેઠળ કાશ્મીર ઘાટીને આતંકવાદ મુક્ત કરવા માટે મિશન ઉપર નીકળેલી ભારતીય સેનાએ અત્યાર સુધી 67 આતંકવાદીઓનો સફાયો કર્યો છે. ગત વર્ષે સેનાએ 208 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં હિજ્બુલ મુઝાહિદ્દીનના ટોપ કમાન્ડર સદ્દામ પૈડર અને આતંકવાદીના પથ ઉપર આવનારા કશ્મીર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર મોહમ્મદ રફી ભટ સહિત પાંચ આતંકવાદીઓને ઠાર મરાયા હતા. આ અથડામણમાં પાંચ નાગરીકોના પણ મોત થયા હતા. જ્યારે ત્રણ સુરક્ષા કર્માચરીઓ પણ ઘાયલ થયા હતા.

(7:55 pm IST)