Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કર્ણાટક ચૂંટણી : ૧૧૧ વર્ષના સ્વામી મતદાન માટે પહોંચ્યા

તુમકુર સિદ્ધગંગા મઠના બુથ પર મતદાન કર્યું: પ્રચાર વેળા અમિત શાહથી લઈને રાહુલ ગાંધી સુધીના તમામે સ્વામીની મુલાકાત કરી જીતવા આશિર્વાદ લીધા

બેંગલોર,તા. ૧૨: કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. પ્રજાની સાથે સાથે તમામ ટોપની હસ્તીઓએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકપ્રિય સિદ્ધ ગંગામઠના ૧૧૧ વર્ષીય સ્વામી શિવકુમારે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સ્વામી શિવકુમારે તુમકુર સિદ્ધગંગા મઠના બૂથમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અત્રે નોંધનિય છે કે કર્ણાટકની રાજનીતિમાં સિદ્ધગંગા મઠનું ખૂબ જ મહત્વ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓમાં ટોપ નેતા મઠમાં સ્વામી શિવકુમારને મળવા માટે પહોંચ્યા હતા. અમિત શાહ થી લઈને રાહુલ ગાંધી સુધી તમામ લોકો સ્વામીને મળવા માટે પહોંચ્યા હતા અને ચૂંટણી જીતા માટે તેમના આશિર્વાદ પણ લીધા હતા. હકીકતમાં સિદ્ધગંગા મઠના અનુયાઈ લોકો લિંગાયત સમુદાયમાંથી આવે છે. જે પ્રદેશના સૌથી વધારે વોટબેંક પૈકી એક છે. પ્રદેશમાં લિંગાયત સમુદાયની વસ્તી ૧૭ ટકાની આસપાસ છે. પ્રદેશની ૧૦૦થી વધારે સીટો પર લિંગાયત સમુદાયની ચાવીરૂપ ભૂમિકા રહે છે. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદીયુરપ્પા પણ લિંગાયત સમુદાયમાંથી આવે છે. આવી સ્થિતિમાં આ વખતની ચૂંટણી ભાજપ માટેપણ પડકારરૂપ બની રહે તેવી શક્યતા છે. સામાન્ય રીતે લિંગાયત સમુદાયના લોકો ભાજપનું સમર્થન કરે છે પરંતુ ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં આલોકો ભાજપથી નારાજ થઈગયા હતા. આ વખતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ લિંગાયત સમુદાયને અલગ લઘુમતી સમુદાયનો દરજ્જો આપવાનું વચન આપ્યું છે અને માસ્ટર સ્ટોક રમ્યો છે. હવે જોવાલાયક બાબત એ છે કે લિંગાયત સમુદાયના લોકો આ વખતે કોનું સમર્થન કરીને જીત અપાવે છે.

(7:10 pm IST)