Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ઉત્તર ભારતમાં આજે ફરીથી પવન સાથે વરસાદ પડી શકે

રાજસ્થાનમાં બે દિવસ ધૂળભરી આંધી ચાલશેઃ ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ તેમજ ઝારખંડ સહિતના વિવિધ વિસ્તારોમાં પવનની સાથે વરસાદ પડશે

નવી દિલ્હી, તા.૧૨: ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલપ્રદેશ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આવતીકાલે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે. વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ તરફથી આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. આઈએમડીએ કહ્યું છે કે આગામી બે દિવસ દરમ્યાન રાજસ્થાનમાં જુદા જુદા ભાગોમાં ધૂળ ભરેલી આંધી ચાલી શકે છે. આ પહાડી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. જ્યારે ઉત્તર ભારતના મેદાની ભાગોમાં વરસાદ થઈ શકે છે. આવતીકાલથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ સમસ્યા ઉભી થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મૂળભૂત રીતે દરિયામાં સર્જાયું છે. જેના પરિણામ સ્વરૂપે ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં એકાએક વરસાદ થઈ શકે છે. ગાજવીજ સાથે વરસાદ વેળા ૫૦ થી ૭૦ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. પૂર્વીય ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને ઝારખંડમાં જુદા જુદા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર, તેલંગાણા, ઉત્તરીય આંધ્રપ્રદેશ, દક્ષિણી આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડ્ડુચેરી, લક્ષદ્વીપ અને કેરળમાં પણ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહી બાદ તંત્ર દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે. અત્રે નોંધનિય છે કે હાલમાં જ વિનાશકારી તોફાન સાથે વરસાદ થયો હતો. જેમાં ભારે નુકસાન થયું હતું. સત્તાવાર રીતે ૧૩૦થી વધુ લોકોના મોત થઈ ગયા હતા અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં વધુ નુકસાન થયું હતું.

(7:09 pm IST)