Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ચાર માસની બાળકી પર રેપ બદલ દોષિતને મોતની સજા

ઈંદોર જિલ્લાની કોર્ટે મહિનામાં જ ચુકાદો આપ્યોઃ ૧૯ ફેબ્રુઆરીના દિવસે માસુમ બાળકીનું અપહરણ કરી લેવાયું હતું : રેપ બાદ હત્યા કરાઈ હતી : ઝડપથી ચુકાદો

ઈન્દોર, તા.૧૨: ઈન્દોર જિલ્લા કોર્ટે ચાર મહિનાની બાળકીની સાથે રેપ અને નિર્મમ હત્યાના મામલામાં શખ્સને મૃત્યુદંડની સજા ફટકારી છે. કોર્ટે આ બિભત્સ મામલાની સુનાવણી કરતી વેળા આ શખ્સને દોષિત ઠેરવ્યો હતો અને ફાંસીની સજા ફટકારી હતી. અલબત્ત આ બાબત સ્પષ્ટ થઈ નથી કે આ સજા પૉક્સો એક્ટમાં સુધારા વટહુકમ હેઠળ આપવામાં આવી છે કે કેમ. અત્રે નોંધનિય છે કે ગયા મહિને મધ્યપ્રદેશમાં રજવાડા ક્ષેત્રમાં ચાર મહિનાની બાળકીની સાથે બર્બરતાપૂર્વક રેપ કરવામાં આવ્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાની તપાસ કરનાર પોલીસ કર્મીઓ પણ હચમચી ઉઠ્યા હતા. આ બીભત્સ મામલા પર સમગ્ર મધ્યપ્રદેશમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. મામલાની સુનાવણી માટે વકીલ કોર્ટમાં આરોપી તરફથી રજુઆત કરવા પણ તૈયાર થયા ન હતા. ઈન્દોર બાર એસોસિએશને હવે બળાત્કારના કોઈપણ આરોપીનો કેસ ન લડવાનો નિર્ણય કર્યો છે જે ખૂબ જ દાખલારૂપ નિર્ણય છે. દોષિત વ્યક્તિ બાળકીનો સંબંધી હોવાની પણ માહિતી મળી હતી. ૧૯મી ફેબ્રુઆરીના દિવસે બાળકી પોતાના પરિવારની સાથે ઘરની બહાર સૂઈ રહી હતી ત્યારે તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. મામલાની તપાસ કરવા માટે સીસીટીવી ફૂટેજની મદદ પણ લેવામાં આવી છે. ઘટનાના સમયે પોલીસ પણ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. અત્રે નોંધનિય છે કે ૧૨ વર્ષથી ઓછી વયની બાળકીઓ પર રેપના મામલામાં કેન્દ્ર સરકાર તરફથી પોક્સો એક્ટમાં સુધારા કરીને વટહુકમ લાવવામાં આવ્યો હતો. આને રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ પણ મંજુરી આપી ચુક્યા છે. નવા વટહુકમ મુજબ ૧૨ વર્ષથી નીચેની વયના માસુમ બાળકો સાથે રેપ કરવાના મામલામાં દોષિતોને મૃત્યુદંડની સજા કરવામાં આવશે. જ્યારે ૧૬ વર્ષથી ઓછી વયની કિશોરી પર રેપના મામલામાં લઘુત્તમ ૧૦ વર્ષની સજાને વધારીને ૨૦ વર્ષ કરી દેવામાં આવી છે.

(7:09 pm IST)