Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

જનકપુરથી અયોધ્યા પહોંચેલી બસનું યોગી દ્વારા સ્વાગત થયું

શુક્રવારે બસને લીલીઝંડી આપવામાં આવી હતીઃ ભારત અને નેપાળ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને મોદીએ નવી જ દિશા આપી છે : યોગી આદિત્યનાથનો અભિપ્રાય

અયોધ્યા, તા.૧૨: રામ-જાનકી ડિપ્લોમસીના સહારે ભારત અને નેપાળના સંબંધોને ફરી મજબૂત કરવા અને તેને નવી ઉંચી સપાટી પર લઈ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે નેપાળથી જનકપુર-અયોધ્યા બસને લીલી ઝંડી આપી હતી. શનિવારના દિવસે આ બસ અયોધ્યા પહોંચી હતી. આ પ્રસંગે બસ યાત્રીઓના સ્વાગત કરવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે ભારત અને નેપાળના સાંસ્કૃતિક સંબંધોને મોદીએ એક નવી દિશા આપી દીધી છે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને મહત્વ આપવામાં આવી રહ્યું છે. બંને દેશો વચ્ચે હજારો વર્ષોથી સાંસ્કૃતિક અને સામાજિક સંબંધો રહેલા છે. આ એક ઐતિહાસિક ક્ષણ છે. મહારાજ દશરથ અને જનક વચ્ચે અતૂટ સંબંધો હતા. આ સાંસ્કૃતિક સંબંધ હવે રાજકીય સંબંધોથી મોટા થઈ ચુક્યા છે. તેમણે ઉમેર્યું હતું કે અયોધ્યા-જનકપુર અને કાઠમંડુના વારાણસી સાથેના સંબંધો પણ વર્ષો જૂના છે. અયોધ્યા અને જનકપુર વચ્ચે સીધી બસ સેવા શરૂ કરવા માટે તેઓ નેપાળ અને ભારતનો આભાર માને છે. બંને દેશોના વડાપ્રધાનનો પણ આભાર માને છે. અયોધ્યામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બસ યાત્રી આ ભવ્ય આયોજનને જોઈને ખુશખુશાલ થઈ ગયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેઓ પોતે ખૂબ જ વિશેષ મહેમાન હોવાનો અનુભવ કરી રહ્યા છે. નેપાળમાં ચીનની વધતી જતી દરમ્યાનગીરી વચ્ચે વડાપ્રધાન મોદીએ રામ-જાનકી ડેપ્લોમેસીના સહારે બંને દેશોના સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. જાનકીના પીયર એવા જનકપુરથી પોતાના નેપાળ પ્રવાસની શરૂઆત કરીને મોદીએ સદીઓ જૂના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાના સંકેત આપ્યા હતા. મોદી અને નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ જનકપુર-અયોધ્યા વચ્ચે સીધી બસ સેવાને લીલીઝંડી આપી હતી. જાનકી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના બાદ મોદી પારંપરીક રીતે પૂજામાં પણ જોડાયા હતા.

 

(7:08 pm IST)