Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સ્‍વરાજ મારો જન્‍મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ ઝંપીશઃ સૂત્ર આપનાર કોંગ્રેસના નેતા અને સ્‍વાતંત્ર્ય સેનાની બાળગંગાધર તિલકને રાજસ્‍થાનની શાળામાં આતંકના પિતામહ તરીકે ચિતરવામાં આવતા રોષ

જયપુરઃ સ્‍વરાજ મારો જન્‍મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ ઝંપીશ તેવું સૂત્ર આપનાર કોંગ્રેસના નેતા અને સ્‍વાતંત્ર્ય સેનાની બાળગંગાધર તિલકને રાજસ્‍થાનની શાળાઓમાં આતંકના પિતામહ તરીકે ગણવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. જો કે, ધોરણ-8 ના સામાજિક શિક્ષણના ભાગરૂપે ભણાવવામાં આવતા આ પાઠનું  પુસ્તક મુખ્ય અભ્યાસક્રમના ભાગરૂપે નથી. આ પાઠ સંદર્ભ પુસ્તકરૂપે છે.

આમ છતાં, ભાજપ સાશિત રાજ્યમાં જ બાળગંગાધરને 'આતંકના જનક' દર્શાવાતાં રાજ્ય સરકારની ચોતરફથી આ મામલે ટીકા થઇ રહી છે, તો વિપક્ષ કોંગ્રેસ સહીત કેટલાક શિક્ષક સંગઠનોએ આ મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી છે.

સોશ્યિલ મીડિયા ઉપર લોકોએ ધોરણ-8ના આ પુસ્તકના પાનાઓ વાયરલ કર્યા છે અને આ પાઠને પુસ્તકમાંથી હટાવી દેવાની માંગ કરી છે. આ પુસ્તકના પાના નંબર-267 ઉપર 18-19મી સદીના રાષ્ટ્રીય આંદોલન સાથે જોડાયેલી ઘટનાના શીર્ષક અંતર્ગત જે ચેપ્ટર લખાયું છે તેમાં બાળગંગાધર તિલકે રાષ્ટ્રીય આંદોલનમાં ઉગ્ર રસ્તાઓ અપનાવ્યા હતા તેવો ઉલ્લેખ છે. આ કારણે તેમને "આતંકના જન્મદાતા" તરીકે ઓળખવામાં આવતા હતા.

માત્ર એવું નથી કે આ પુસ્તક ભાજપના સાશનકાળમાં જ ભણાવવામાં આવી રહ્યું છે. છેલ્લા આઠ વર્ષથી સામાજિક વિજ્ઞાનના સંદર્ભ પુસ્તક રૂપે આ પુસ્તક ચાલી રહ્યું છે, જેનો મતલબ એ છે કે કોંગ્રેસ રાજમાં પણ તેમાં સુધારો કરવામાં નહોતો આવ્યો !

આ મામલો ગંભીર બનતા માધ્યમિક શિક્ષણ બોર્ડે પોતાની જવાબદારી માંથી છટકતા દોષનો ટોપલો ઉદેપુર એસઆઇઆરટી ઉપર ઠાલવ્યો છે અને જણાવ્યું છે કે આ પુસ્તક તેમના દ્વારા અપાયું છે. પુસ્તક અંગે વિવાદ થતા રાજસ્થાનના શિક્ષણમંત્રી વાસુદેવ દેવનાનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આ માત્ર સંદર્ભ પુસ્તિકા છે, જેને અત્યારના આતંકની પરિસ્થતિ સાથે કોઈ સંબંધ નથી."

(5:21 pm IST)