Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૧પ૦ થી રરર બેઠકો મળશે

રાહુલ ગાંધીએ વડાપ્રધાન બનવાનો દાવો હવામાં નથી કર્યોઃ કોંગ્રેસે આંતરિક સર્વે કરાવ્યો છેઃ ર૦૧૯ માં ભાજપ ૧૮૦ થી ર૦૦ બેઠકોમાં સમેટાશેઃ કોંગ્રેસ ગંભીરતાથી - રણનીતિપૂર્વક સક્રિયઃ સરકાર રચવા ઘટતી બેઠકો માટે જોડતોડ અંગે અત્યારથી જ ચિંતનઃ રાહુલ ગાંધી દેશભરમાં ઘુમશેઃ કોંગ્રેસનો જબ્બર વ્યૂહ સત્યાગ્રહનો અહેવાલ

નવી દિલ્હી તા. ૧ર :.. 'ર૦૧૯ માં હું વડાપ્રધાન બનવા તૈયાર' આ નિવેદન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવામાં નથી કર્યુ. કોંગ્રેસે આંતરિક સર્વે કર્યો છે, જેના આંકડા પ્રમાણે આ નિવેદન થયું છે.

'સત્યાગ્રહ' નામની ન્યૂઝ સાઇટના અહેવાલ પ્રમાણે રાહુલ-કોંગ્રેસ મોદી અને ભાજપથી ઘણા દૂર દેખાઇ રહ્યા છે. મોદીનો વિકલ્પ દેખાતો નથી. પરંતુ કોંગ્રેસના ભરોસાપાત્ર સૂત્રો જણાવે છે કે કેટલાક મહિના પૂર્વે રાહુલની ટીમે ફોર્મ્યુલા તૈયાર કરી છે.  આ ફોર્મ્યુલાના આધારે રાહુલે દાવો કર્યો છે.

રાહુલ ગાંધી અને તેની ટીમ જાણે છે કે, ર૭ર બેઠકો મળવાની નથી. કોંગ્રેસ દ્વારા થયેલા આંતરિક સર્વેના વિશ્લેષણ પ્રમાણે ર૦૧૯ માં ભાજપ ૧૮૦ થી ર૦૦ બેઠકોમાં સમેટાશે. રાહુલ ગાંધી પોતાના દમ પર ૧પ૦ થી રરર બેઠકો લાવી શકે તેમ છે. જાણકારો કહે છે કે, આ આકલનના આધારે રાહુલે ર૦૧૯ ની તૈયારી શરૂ કરી દીધી છે. રાહુલની ટીમે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સની ચૂંટણીમાં થયેલા પ્રયોગોમાંથી શીખવા જણાવ્યું હતું. આ ટીમ ગંભીરતાથી રણનીતિ ઘડી રહી છે. કોંગ્રેસે દરેક રાજયની લોકસભાની દરેક બેઠકો અંગે રણનીતિ ઘડી છે.

આ ઉપરાંત યુપીની ૮૦ બેઠકો પર ખુદને જીતવા કરતા ભાજપને હરાવવાની રણનીતિ કોંગ્રેસે ઘડી છે.

ટીમ રાહુલના આકલન પ્રમાણે ગુજરાતમાં ભાજપને આકરુ પડશે. કોંગ્રેસ ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં પૂરેપૂરી તાકાત લગાવી દેશે.

ટીમ રાહુલ સમજે છે કે, રાહુલ એકલા હાથે મોદીને રોકી શકે તેમ નથી, નવા સાથીદારોને શોધવાની કવાયત હાથ ધરી દેવાઇ છે. લોકસભાની ચૂંટણી પૂર્વે જ રાહુલ ગાંધી દેશભરમાં ઘુમી વળે તેવો વ્યુહ પણ ગોઠવાયો છે. અખિલેશ યાદવ, માયાવતીના ગઠબંધન અંગે પણ રાહુલ ગાંધી બાંધછોડ કરવા માટે મન બનાવી રહ્યા છે. (પ-ર૯)

(2:13 pm IST)