Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

પોલીસ અધિકારીએ સીબીઆઇની ધમકીથી ખોટુ નિવેદન આપ્યુ'તુ

ગુજરાતના હાઇપ્રોફાઇલ નેતાને સાંકળતા સોહરાબુદીન બોગસ એન્કાઉન્ટર કેસમાં નવો વણાંકઃ ૮ર સાક્ષીમાંથી પપને હોસ્ટાઇલ જાહેર કરાયા છેઃ રાજસ્થાનના વધુ એક પોલીસ અધિકારીએ ફેરવી તોળ્યું:ગુજરાત અને રાજસ્થાન પોલીસની સાજીસ હોવાનું અગાઉ નિવેદન આપ્યુ'તુ

મુંબઇ, તા., ૧રઃ રાજસ્થાન પોલીસના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટે કોર્ટ સમક્ષ ધડાકો કરતા જણાવેલ કે સોહરાબુદીન શેખ અને તુલસીરામ પ્રજાપતીના બોગસ એન્કાઉન્ટરમાં તેમણે સીબીઆઇની ધમકીના કારણે આરોપીઓ વિરૂધ્ધ ર૦૧૧માં ખોટુ સ્ટેટમેન્ટ આપ્યું હતું. રાજસ્થાન પોલીસના આ બીજા અધિકારી છે કે જેને પ્રોસીકયુશન વિટનેસ તરીકે રજુ કરાયા હતા અને સીબીઆઇ દ્વારા ધમકાવાયા હતા.

સીબીઆઇએ આ મુદ્દે જણાવેલ કે, રપ ઓગષ્ટ-ર૦૧૧ના આ અધિકારીએ પોતાનું સ્ટેટમેન્ટ મેજીસ્ટ્રેટ સમક્ષ આપ્યું હતું. જેમાં તત્કાલીન એસપી દિનેશ એમ.એન. કે જે આરોપીઓ પૈકીના એક હતા. તેમના વિરૂધ્ધ સ્ટેટમેન્ટ આપ્યું હતું. પાછળથી ર૦૧૭માં તેમની સામેના આરોપો ફગાવાયા હતા. રાજસ્થાનના પોલીસ ઇન્સ્પેકટર અબ્દુલ રહેમાન અને ગુજરાતના પોલીસમેન આર.કે.પટેલ હાલમાં કોર્ટ ટ્રાયલનો સામનો કરી રહયા છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સંબંધીત અધિકારીનું નિવેદન ગુજરાત અને રાજસ્થાન પોલીસની સાજીસને  સમર્થન આપતું હતું. બંન્ને પોલીસે સાથે મળી પુર્વ યોજીત કાવતરાના ભાગરૂપે તુલસીરામ પ્રજાપતિને એન્કાઉન્ટરમાં મારી પાડયો હતો.

શુક્રવારે સાક્ષીએ કોર્ટને જણાવ્યું કે, મેં કદી સીબીઆઇને નિવેદન આપ્યંુ નથી. સીબીઆઇએ મને પાંચથી છ વખત ઉદયપુર-મુંબઇની જુદી-જુદી જગ્યાઓએ બોલાવ્યો હતો. મને સીબીઆઇ ઓફીસર્સ દ્વારા ધમકાવાયો હતો કે તમને કેસમાં સંડોવી દેવાશે! 'જયારે મને મુંબઇ બોલાવાયો ત્યારે સીબીઆઇના આઇપીએસ ઓફીસર કન્ડાસ્વામીએ મને ધમકાવીને કહયું હતું કે મારે તેમની મરજી મુજબનું નિવેદન આપવાનું છે મને કેસમાં સંડોવી દેવાની ધમકી આપી મેજીસ્ટ્રેટ સમક્ષ ખોટુ નિવેદન આપવા માટે પ્રેરવામાં આવ્યો હતો.'

સાક્ષીએ એમ પણ જણાવ્યું કે, તેને નવી મુંબઇની સીબીઆઇ ઓફીસ પાસે આવેલી મેજીસ્ટ્રેટ કોર્ટમાં લઇ જવાયો હતો. સીબીઆઇના અધિકારીઓ કોર્ટ હોલના પ્રવેશદ્વારે ઉભા હતા તેમણે મને દબાણ કર્યુ હતું કે જો તેમની મરજી મુજબનું નિવેદન ન આપ્યું તો કોર્ટમાંથી બહાર આવતા જ તેમની ધરપકડ કરી લેવાશે.

સાક્ષીને હોસ્ટાઇલ જાહેર કરાયા છે. ૮ર સાક્ષીઓમાંથી પપ સાક્ષીઓએ પોતાના નિવેદનો અત્યાર સુધીમાં ફેરવી તોળ્યા છે.

 

(1:50 pm IST)