Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

હવે લગ્ન, રિસેપ્શન કે બર્થ ડે પાર્ટી માટે રેલવેના પ્લેટફોર્મ ભાડે મળશે

રેલવે પોતાના રેટ પર ભોજનની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવશે: ચાર ટકા વર-વધૂ જયમાલ સેસ આપવો પડશે: ચોરસ ફૂટના દરે ભાડું નક્કી થશે

નવી દિલ્હી: હવે લગ્ન કે સત્કાર સમારંભ અથવા બર્થ ડે પાર્ટી જેવા કાર્યક્રમો માટે રેલવે પ્લેટફોર્મ ભાડે મળશે રેલવેએ થોડા કલાકો માટે પ્લેટફોર્મ ભાડે આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ રેલવે પોતાના રેટ પર ભોજનની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવશે. લગ્ન કરવા પર ચાર ટકા વર-વધૂ જયમાલ સેસ આપવો પડશે. પ્લેટફોર્મ માટે ચોરસ ફૂટના દરે ભાડું નક્કી કર્યું છે

   રેલવે બોર્ડે ગઈ સાલ ઓગસ્ટમાં પ્લેટફોર્મને ભાડે આપવા માટે આદેશ જારી કર્યો હતો. રેલવેની યોજના જ્યારે ટ્રેન આવવાની ન હોય ત્યારે ખાલી પ્લેટફોર્મ ભાડે આપીને વધારાની આવક કરવાની છે. આ યોજનાનો પ્રચાર નહીં થવાથી અથવા તો નિયમો કડક હોવાના કારણે હજુ સુધી પ્લેટફોર્મને ભાડે લેવાને કોઈ પહોંચ્યું નથી.

    હવે રેલવે બોર્ડે લગ્ન, રિસેપ્શન, બર્થ ડે પાર્ટી જેવા કાર્યક્રમો માટે પ્લેટફોર્મને ભાડે આપવા માટે સુધારેલા આદેશ જારી કર્યા છે. આ આદેશ અનુસાર એક કલાક માટે પણ રેલવે પ્લેટફોર્મ ભાડે મળી શકશે. આમ તો તમામ પ્લેટફોર્મ ભાડે આપી શકાશે, પરંતુ મુખ્યત્વે એવાં સ્ટેશનોનાં પ્લેટફોર્મનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જ્યાં સતત ત્રણ કલાક સુધી કોઈ ટ્રેનની અવરજવર રહેતી નથી.

   આ પ્રકારના સમારોહ માટે ભોજનની વ્યવસ્થા પણ રેલવે તેના રેટ પર કરી આપશે. જોકે પ્લેટફોર્મ ભાડે રાખનાર બહારથી પણ ભોજન બનાવડાવી શકશે. લગ્ન જેવાં ફંકશન માટે મહત્તમ ચાર કલાક સુધી રેલવે પ્લેટફોર્મ ભાડે આપી શકાશે. કોમર્શિયલ કામકાજ માટે પ્લેટફોર્મનું ભાડું પહેલેથી જ નિર્ધારિત છે.

(1:10 pm IST)