Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

પેટ્રોલ અને ડીઝલ વધુ મોંઘુ થશે : લોકો પર બોજ વધશે

ક્રુડ ઓઇલની કિંમત ૧૦૦ ડોલર પ્રતિ બેરલ થશે : ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત હાલમાં સર્વોચ્ચ ઉંચી સપાટી પર છે : ભાવ ઘટવાના બદલે વધવા તૈયારી

નવી દિલ્હી,તા. ૧૨ : ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત હાલમાં તેની સર્વોચ્ચ ઉંચી સપાટી પર છે. જો કે આ મુશ્કેલી આવનાર દિવસોમાં ઘટવાના બદલે વધી શકે છે. આનુ કારણ એ છે કે ક્રુડ ઓઇલની કિંમત આગામી વર્ષે ૧૦૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. બેંક ઓફ અમેરિકા કોર્પોરેશન ના કહેવા મુજબ વેનેઝુએલા અને ઇરાનમાં સપ્લાઇમાં ઘટાડો થવાના કારણે આ સમસ્યા ઉભી થઇ શકે છે. હાલમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઇલની કિંમત ૭૭ ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગઇ છે. બેંકનુ કહેવુ છે કે વર્ષ ૨૦૧૯ની બીજી ત્રિમાસિક અવધિ દરમિયાન સુધી આ આંકડો ૯૦ ડોલર  પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. આનુ કારણ વૈશ્વિક સ્તર પર ઉત્પાદનમાં કમીની સ્થિતી છે. બેંકના કહેવા મુજબ  ઓપેક દેશોની તરફથી ઉત્પાદનને મર્યાદિત કરવામાં આવી શકે છે. બ્લુમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અમેરિકા તરફથી ઇરાન પર મુકવામાં આવેલા પ્રતિબંધની અસર પણ દેખાઇ રહી છે. આ તમામ કારણોસર કિંમતોમાં વધારો થઇ શકે છે. બેંકના કહેવા મુજબ જો કિંમતોમાં ઉછાળો જારી રહેશે તો વર્ષ ૨૦૧૪ બાદ એટલે કે આશરે પાંચ વર્ષ બાદ ક્રુડ ઓઇલની કિંમતમાં વધારો થઇ  શકે છે. ક્રુડ ઓઇલની કિંમતો ૧૦૦ ડોલર પ્રતિ બેરલના સ્તરને પાર કરી શકે છે.

ભારતમાં  હાલમાં આંતરરાષ્ટ્રીય  ક્રુડ ઓઇલની કિંમત પહેલાથી જ ત્રણ વર્ષની ઉંચી સપાટી પર છે. આના માટે કેટલાક કારણો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ  તરફથી ઇરાન પર ફરી એકવાર પ્રતિંધ મુકવામાં આવ્યા બાદ સ્થિતી જટિલ બની ગઇ છે. ઇરાને પહેલાથી જ સપ્લાયની કમીના કારણે સંઘર્ષ કરી રહેલા ક્રુડ માર્કેટને ફટકો આપ્યો છે. બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચના રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યુ છે કે આગામી ૧૮ મહિના પર નજર રાખવામાં આવનાર છે.

(12:34 pm IST)