Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ભારતને હાઇસકારો થયો

ચીનની અબજો ડોલરની જળવિદ્યુત પરિયોજનાને નેપાળે ફગાવી દીધી

કાઠમાંડૂ તા. ૧૨ : નેપાળ સરકારે બુઢી ગન્ડકી નદી પર જળવિદ્યુત પરિયોજનાના નિર્માણ માટે ચીનનો સહયોગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આ પ્રોજેકટનો કોન્ટ્રાકટ વર્ષ ૨૦૧૬માં નેપાળના તત્કાલીન વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડના કાર્યકાળ દરમિયાન ચીનની કંપનીને આપવામાં આવ્યો હતો. જોકે નેપાળની વર્તમાન સરકારના નિર્ણયથી ભારતની ચિંતા નિશ્ચિતપણે સમાપ્ત થઈ છે.

ભારતને ચિંતા હતી કે જો ચીન આ પ્રોજેકટ શરુ કરશે તો નેપાળમાં તેનું રોકાણ ભારત કરતાં પણ વધી જશે.

નેપાળના પૂર્વ વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે કોઈ પણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર જ આ કોન્ટ્રાકટ ચીનની જેઝૂબા ગ્રુપ કંપનીને આપ્યો હતો. નેપાળના ઉર્જાપ્રધાન વર્ષામાન પુને તાજેતરમાં જાહેરાત કરતાં જણાવ્યું કે, નેપાળની વર્તમાન સરકાર હવે બુઢી ગન્ડકી જળવિદ્યુત પરિયોજનાના નિર્માણ માટે દુનિયાભરમાંથી કંપનીઓને નિમંત્રણ આપશે.

મહત્વનું છે કે, બુઢી ગન્ડકી જળવિદ્યુત પરિયોજના પ્રોજેકટથી ૧૨૦૦ મેગાવોટ વિજળીના ઉત્પાદન થવાનો અંદાજ વ્યકત કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેકટ પાછળ કુલ ૨.૭૩ અબજ ડોલરનો ખર્ચ થવાની ધારણા છે.

(12:30 pm IST)