Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

રેલવેની તત્કાલ ટિકિટો બારોબાર ઇશ્યુ કરવાનું કૌભાંડ ઝડપાયું

બોગસ સોફટવેર, જુદા જુદા પર્સનલ આઇડી દ્વારા ચાલતુ હતું: ૨.૧૨ લાખની મત્તા જપ્ત કરાઇ

રાજકોટ તા. ૧૨ : અમદાવાદમાં રેલવેની તત્કાલ ટિકિટ જુદાજુદા પર્સનલ આઇડી અને વિવિધ સોફટવેરની મદદથી ઇશ્યું કરીને લાખો રૂપિયાની કમાણી કરી લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં અમદાવાદ ડિવિઝનના વરિષ્ઠ મંડલ સુરક્ષા આયુકતે ગઇકાલે ગુરૂવારે ગોતા ચોકડી પાસે કિષ્ણા કોમ્પલેક્ષમાં દુકાન નં.૧૧માં દરોડો પાડીને તત્કાલ કવોટાની ૧૩૫ ટિકિટો સાથે ૨.૧૨ લાખની મતા જપ્ત કરી હતી. આ કેસમાં આરોપી અભય સંતોષકુમાર જૈનની ધરપકડ કરીને રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મલિશીયલ, કાઉન્ટર અને રેડ મીર્ચી જેવા સોફટવેરની મદદથી તત્કાલ ટિકિટો ઇશ્યુ કરીને એજન્ટો રેલવે તંત્રને આર્થિક નુકશાન પહોંચાડીને મુસાફરો પાસેથી બમણા ભાવ વસુલીને મસમોટી કમાણી કરી લેતા હોય છે. જયારે સામાન્ય માણસને તો ટિકિટ જ મળતી હોતી નથી. તેમના હકની ટિકિટ એજન્ટો સોફટવેરની મદદથી કાઉન્ટર ખૂલ્લાની એક મિનિટમાં જ બારોબાર ઉપાડીને વેચી મારતા હોય છે. સામાન્ય માણસ વેઇટીંગમાં જ રહી જાય છે. જયારે એજન્ટો કન્ફર્મ ટિકિટો મેળવી લેતા હોય છે.

બાતમીની આધારે અમદાવાદ રેલવે પોલીસે ગોતા માંથી આવા જ એક કૌભાંડને ઝડપી પાડયું છે. જે અંગે અમદાવાદા વિભાગના ઇન્સ્પેકટર એસ.ડી.યાદવના જણાવ્યા મુજબ પશ્યિમ રેલવેનો આ પ્રકારનો પ્રથમ કેસ છે. જેમાં ૬ પર્સનલ આઇડીની મદદથી ટિકિટો બુક કરાતી હતી. સીપીયું, મોબાઇલ, લેપટોપ સહિતની મતા જપ્ત કરાઇ છે.

નોંધપાત્ર છેકે રેલવેમાં બોગસ સોફટવેરોની મદદથી તત્કાલ ટિકિટો ઇશ્યું કરી દેવાય છે. રોજ સવારે ૧૦ કલાકે કાઉન્ટર બારી ખૂલે તેની એક મિનિટમાં જ ટિકિટો ઇશ્યુ થઇ જતી હોય છે. ૨૪ કલાક પહેલાજ આ સોફટવેરની મદદથી ટિકિટ માટે અરજી કરી દેવાતી હોય છે. એજન્ટો સોફટવેર કંપનીને મહિને પાંચેક હજાર રૂ. ભાડુ ચૂકવતા હોય છે.(૨૧.૩)

એજન્ટો સોફટવેર કંપનીને મહિને પાંચેક હજાર રૂ. ભાડુ ચુકવતા હોય છે

એજન્ટો સોફટવેર કંપનીને દર મહિને ૫ હજાર રૂપિયા જેટલું ભાડુ ચૂકવતા હોય છે. જયારે એજન્ટો આ સોફટવેરની મદદથી તત્કાલ ટિકિટો મેળવીને એક ટિકિટ પર ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયાની કમાણી કરી લેતા હોય છે.

સોફટવેર એટલું પાવર ફૂલ હોય છે કે તેમાં ઓટીપી નંબર સુધ્ધા જનરેટ થતો હોતો નથી. આમ આ બુક કરાયેલી ટિકિટો પર અન્ય વ્યકિત જ મુસાફરી કરતો હોય છે. જે બાબતે ટિકિટ ચેકર આંખઆડા કાન કરતા હોય છે. આ બદી રોકવા માટે જે લોગ ઇન આડી પરથી ટિકિટો બુક કરાતી હોય છે તેની ચકાસણી કરવી જોઇએ, જે બેંન્ક ખાતામાંથી પૈસા કપાયા હોય તે ખાતાઓની પણ ચકાસણી કરવી જોઇએ. આ કૌભાંડમાં એજન્ટોની સાથે ટીસી, વિજીલન્સ, અને આરપીએફના કેટલાક લોકોની મીલીભગત પણ હોવાની ફરિયાદો ઉઠી છે.

(11:33 am IST)