Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કર્ણાટકમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ : ૧૫મીએ મતગણતરી કરાશેકર્ણાટકમાં ૬૫ થી ૬૮ ટકા વચ્ચે ઉંચુ મતદાન થતા તર્ક વિતર્કો

મતદાન પરિપૂર્ણ થતાની સાથે જ ૨૧૦ મહિલા ઉમેદવાર સહિતના ૨૬૫૫ ઉમેદવારના ભાવિ ઈવીએમમાં સીલ : કોની સરકાર બનશે તે અંગે સસ્પેન્સ

બેંગલોર,તા. ૧૨: અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા અને ભારે ઉત્સાહ વચ્ચે આજે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું હતું. આની સાથે જ ૨૧૦ મહિલા ઉમેદાર સહિત કુલ ૨૬૫૫ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા હતા.  કર્ણાટકમાં કોઈપણ અનિચ્છનિય બનાવ વગર ૬૫ થી ૬૮ ટકા વચ્ચે મતદાન થયું હતું. સાંજે પાંચ વાગે મતદાન પૂર્ણ થયા બાદ પણ કેટલીક જગ્યાઓએ મતદાન લોકો લાઈનમાં હોવાથી જારી રહ્યું હતું. દક્ષિણના આ મહત્વપૂર્ણ રાજ્યમાં ભાજપ અને મોદી મેજિક ચાલશે કે કેમ અથવા તો રાહુલ ગાંધી આ વખતે તેમના વિજય રથને રોકવામાં સફળ રહેશે કે કેમ ?  તે તમામ પ્રશ્નોના જવાબ આ ચૂંટણીથી મળનાર છે. ૧૫મી મેના દિવસે મતગણતરી હાથ ધરવામાં આવશે અને તેજ દિવસે પરિણામો જાહેર થઈ જશે. આજે અભૂતપૂર્વ ઉત્સાહના માહોલમાં મતદાનની સવારે શરૂઆત થઈ હતી અને  સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. અગાઉ આજે સવારે સઘન સુરક્ષા અને સાવચેતીના તમામ પગલા વચ્ચે મતદાનની શરૂઆત થયા બાદ કેટલાક મતદાન મથકો પર લાંબી લાઇન જોવા મળી હતી. જ્યારે કેટલીક જગ્યાએ સવારમાં ઓછુ મતદાન રહ્યુ હતુ. જોકે બપોરના ગાળામાં મતદાનમાં તેજી આવી હતી અને મતદાનની ટકાવારી સતત વધતી ગઈ હતી.  ઉંચામાં ઉંચા મતદાનની ખાતરી કરવા માટે ચૂંટણી પંચે પણ તમામ તૈયારી કરી હતી. આજે સવારે મતદાન કરતા પહેલા પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર યેદીયુરપ્પા મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તમામ ટોપ નેતાઓએ શરૂઆતમાં જ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.કર્ણાટકમાં તમામ ઉમેદવારોના ભાવિનો ફેસલો કરવા માટે ચાર કરોડ ૯૬ લાખ મતદારો પૈકી મોટી સંખ્યામાં મતદારો બહાર નિકળ્યા હતા. હાઇ વોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ ચૂંટણી માટે ઝંઝાવતી પ્રચાર કરવામાં આવ્યા બાદ હવે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાની રીતે ગણતરી કરવામાં આવી રહી છે. એકબાજુ ભાજપ પ્રમુખ અમિત શાહે દાવો કર્યો છે કે તે એકલા હાથ ૧૩૦ સીટ જીતી જશે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી પણ આશાવાદી છે. આ વખતે કર્ણાટક ચૂંટણીમાં ૩૯૧ અપરાધિક કેસ ધરાવતા ઉમેદવારોના ભાવિ પણ સીલ થઇ ગયા છે. ભાજપના ઉમેદવારોની સામે સૌથી વધારે કેસ છે.  ભાજપના ૨૨૪ ઉમેદવારો પૈકીના ૮૩ ઉમેદવારો અથવા તો ૩૭ ટકા ઉમેદવારો કેટલાક અપરાધિક કેસમાં સંડોવાયેલા રહ્યા છે. ભાજપ બાદ બીજા સ્થાન પર કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસે ૨૨૦ ઉમેદવારો પૈકી ૫૯ એવા નેતાઓને ટિકિટ આપી હતી. જેમની સામે અપરાધિક કેસ રહેલા છે. કોંગ્રેસના ૫૯ ઉમેદવારોની સામે અપરાધિક કેસ રહેલા છે. બીજી બાજુ જેડીએસના ૧૯૯ પૈકી ૪૧ સામે અપરાધિક કેસ નોંધાયેલા છે. કર્ણાટકમાં ૨૫૬૦ ઉમેદવારો પૈકી ૩૯૧ ઉમેદવારોની સામે અપરાધિક કેસ રહેલા છે.ગંભીર મામલાનો સામનો કરતા ઉમેદવારોની સંખ્યા વર્ષ ૨૦૧૩માં ૧૯૫ હતી જે આ વખતે ૨૫૪ થઇ ગઇ છે. ચાર ઉમેદવારોની સામે હત્યાના કેસ રહેલા છે. કર્ણાટકની ગરમી હાલ રહેલી છે.કોંગ્રેસના ૩૨ એટલે કે ૧૫ ટકા તથા જેડીએસના ૨૯ અથવા તો ૧૫ ટકા ઉમેદવારો ગંભીર અપરાધિક મામલાઓનો સામનો કરી રહ્યા છે. ગંભીર મામલાઓનો સામનો કરી રહેલા ઉમેદવારોની સંખ્યા પણ ૨૦૧૩માં ૧૯૫ હતી જે વધીને હવે ૨૫૪ થઇ ગઇ છે. ચાર ઉમેદવારની સામે હત્યાના કેસ રહેલા છે. ૨૫ ઉમેદવારની સામે હત્યાના પ્રયાસના કેસ રહેલા છે. ૨૩ ઉમેદવાર મહિલાઓની સામે અપરાધમાં ફસાયેલા છે.કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવી શકશે કે પછી ભાજપ સરકાર બનાવશે તે અંગે ૧૫મી મેના દિવસે ફેંસલો થશે.  ૨૨૪ સીટમાંથી સરકાર બનાવવા ૧૧૩ સીટોની જરૂર છે. કોંગ્રેસ પાસે હાલમાં ૧૨૨ સીટો છે. ભાજપ પાસે ૪૩ અને જેડીએસ પાસે ૩૭ સીટો છે. કર્ણાટક વિધાનસભાની અવધિ મે ૨૦૧૮માં પૂર્ણ થઇ રહી છે. ચૂંટણીમાં ૫૬ હજાર મતદાન મથકો પર મતદાન કરવામાં આવ્યું હતું.  તમામ પોલિંગ સ્ટેશન પર ઇવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

(7:11 pm IST)