Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

રેપ-એસિડ એટેકના કેસમાં ઓછામાં ઓછા પાંચ લાખ

વળતરની રકમ આખરે નક્કી કરવામાં આવીઃ રેપ-ગેંગરેપ પીડિતોને મદદ માટે રકમ નક્કી

નવીદિલ્હી, તા. ૧૧, રેપ અને એસિડ એટેક થવાની સ્થિતિમાં હવે વળતરની રકમ નક્કી કરી લેવામાં આવી છે. ઓછામાં ઓછા પાંચ લાખ રૃપિયાની ચુકવણી કરવામાં આવશે. બળાત્કાર અને એસિડ એટેક જેવી જધન્ય ઘટનાઓથી પીડિત થયેલી મહિલાઓને આર્થિક મદદ આપવા માટે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા વળતરની રકમ નક્કી કરી લેવામાં આવી છે. કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવામાં આવ્યા બાદ ઓથોરિટીએ પાંચથી સાત લાખ રૃપિયાના લઘુત્તમ વળતર આપવાની રિલીફ પોલિસી તૈયાર કરી છે. આ સ્કીમ હેઠળ રેપ અને ગેંગરેપ પીડિતોને મદદ આપવા માટે લઘુત્તમ રકમ નક્કી કરવામાં આવશે. ઓથોરિટીનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશના આધાર પર આસ્કીમ તૈયાર કરવામાં આવી છે. જે હેઠળ રેપ, ગેંગરેપ અને એસિડ એટેકથી પીડિત ગ્રામિણ મહિલાઓ અને પીડિત પરિવારોને મદદ કરવાની વાત કરવામાં આવી છે. જે સંશાધનોથી ગ્રસ્ત છે અને કાયદાકીય લડાઈ માટે જેમને પૈસાની જરૃર હોય છે. ગેંગરેપ અથવા તો મૃત્યુના મામલામાં પીડિત અથવા તેના પરિવારના સભ્યોને ઓછામાં ઓછા પાંચ લાખ અને મહત્તમ ૧૦ લાખ રૃપિયાની મદદ કરવામાં આવશે. આ ઉપરાંત રેપ અથવા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના મામલામાં ચાર લાખ રૃપિયાની રકમ આપવામાં આવશે. શરીરના કોઇપણ અંગને નુકસાન પહોંચાડવા અથવા તો ૮૦ ટકા વિકલાંગતાની સ્થિતિમાં બે લાખ રૃપિયા આપવામાં આવશે. ગંભીરરીતે ઇજા લાગવાના કિસ્સામાં બે લાખ રૃપિયા આપવામાં આવશે. આ સ્કીમ તમામ રાજ્યો માટે લાગૂ કરવામાં આવશે. ભ્રુણને નુકસાન પહોંચાડવા અથવા ગર્ભપાતની સ્થિતિમાં બે લાખ રૃપિયાની રકમ આપવામાં આવશે. હાલમાં જુદા જુદા રાજ્યો રેપપીડિતોને પોતાના સ્તર પર મદદ કરે છે.

(12:00 am IST)