Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

મેડલ જીતીને ચેમ્પીયન બનનાર હરિયાણાના રોહતકનો સંજય પોતાના પરિવારનું પેટ ભરવા માટે મજૂરી કરવા મજબુર

રોહતકઃ  વુશુમાં સાત વાર સ્ટેટ અને નવ વાર રાષ્ટ્રીય ચેમ્પિયન બનનારો રોહતક (હરિયાણા)નો સંજય ભલે મેદાનમાં જીતી ગયો હોય, પરંતુ પરિસ્થિતિ સામે એવી રીતે હાર્યો કે તેને હવે વુશુની નહીં, રોટીની ચિંતા સતાવી રહી છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મેડલ જીતીને મીડિયામાં ચમકેલો સંજય પોતાનું અને પરિવારનું પેટ ભરવા માટે મજૂરી કરવા મજબૂર બન્યો છે.

નાણાંના અભાવમાં તે ટ્રાયલ આપવા પણ પહોંચી ના શક્યો અને રમત સાથેનો તેનો નાતો લગભગ તૂટી જ ગયો છે.

રોહતકના લાખનમાજરા ગામના ગરીબ પરિવારમાં જન્મેલો સંજય પાંચ ભાઈઓમાં ત્રીજો છે. અનુસૂચિત જાતિમાં સામેલ પરિવારનું ગુજરાન મજૂરીકામથી જ ચાલે છે.

સંજયે પિતાનું છત્ર ઘણાં વર્ષો પહેલાં જ ગુમાવી દીધું છે. સંજયની વૃદ્ધ માતા હંમેશાં બીમાર રહે છે. સંજયનું કહેવું છે કે મજૂરીથી જ ગુજરાન ચાલે છે. અડધી મજૂરી તો માતાની સારવાર પાછળ ખર્ચાઈ જાય છે. આટલાં વર્ષોની પ્રેક્ટિસ અને રમત સાથે જોડાયેલા રહેવાનો કારણે તેને મજૂરી કરવાની આદત નહોતી, પરંતુ પેટ ભરવા માટે તે આવું કરવા મજબૂર બન્યો છે. સંજય કહે છે, "૧૪ વર્ષ સુધી આ રમતમાં મહેનત એ જ આશા સાથે કરી હતી કે કોઈ લક્ષ્‍ય હાંસલ કરી શકું. મેડલ મળ્યા, સન્માન મળ્યું, પરંતુ ભૂખ્યા પેટે મજૂરી કરવા માટે વિવશ બનાવી દીધો.

૨૦૧૩માં મલેશિયામાં યોજાયેલી વુશુ સ્પર્ધામાં જ્યારે સંજય આર્મેનિયાના ખેલાડી સામે મુકાબલો કરી રહ્યો હતો એ સમયે તેના પિતાનો દેહાંત થયો. સંજય કહે છે, "હું મારા પિતાની અર્થીને કાંધ આપવા પણ પહોંચી શક્યો નહોતો."

જમશેદપુરઃ અમેરિકા, થાઇલેન્ડ, બાંગ્લાદેશ અને ભારતમાં પોતાની પ્રતિભા દેખાડી ચૂકેલો આંતરરાષ્ટ્રીય ફૂટબોલર મોહંમદ સાજિદ હાલમાં જમશેદપુર (ઝારખંડ)ના એક ટી-કેફેમાં વેઇટરનું કામ કરી રહ્યો છે. તેનો પરિવાર આર્થિક તંગીના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.

જમશેદપુર શહેરના ટેલ્કો વિસ્તારમાં રહેતો મૂક-બધીર સાજિદ સ્પેશિયલ ઓલિમ્પિક અંતર્ગત વર્ષ ૨૦૧૩માં થાઇલેન્ડ, ૨૦૧૪માં બાંગ્લાદેશ અને ૨૦૧૫માં અમેરિકામાં ભારતીય ફૂટબોલ ટીમ તરફથી રમી ચૂક્યો છે. એ સમયે મોહંમદની ઘણી પ્રશંસા પણ થઈ હતી. અનેક ફૂટબોલર મોહંમદ સાજિદના પ્રશંસક છે.

જેએફસી (જમશેદપુર ફૂટબોલ ક્લબ)એ પોતાના પ્રમોશન માટે ફેસબુક પેજ પર એક વીડિયો અપલોડ કર્યો છે. એ વીડિયોમાં પણ સાજિદ સામેલ છે. માતા નગમા બેગમ જણાવે છે, "૨૪ વર્ષીય સાજિદ ત્રણ ભાઈ-બહેન છે. સાજિદના પિતાનું જ્યારે નિધન થયું ત્યારે સાજિદ ૧૩ વર્ષનો હતો.

સાજિદને ફૂટબોલ રમવાનો શોખ બાળપણથી જ છે. અભ્યાસ દરમિયાન જ સ્પેશિયલ ઓલિમ્પિક માટે તેની પસંદગી થઈ હતી. વિદેશમાં રમવા છતાં કોઈએ તેનો ભાવ ના પૂછ્યો. તેની પાસે અન્ય કોઈ હૂન્નર નહોતી તેથી બેરોજગાર થઈ ગયો. રેસ્ટોરાંના માલિક અવિનાશ દુગડને જ્યારે સાજિદ અંગે જાણ થઈ ત્યારે તેઓ તેને ઘેરથી લઈ ગયા."

(5:43 pm IST)