Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કોવિશિલ્‍ડ અને કોવેક્‍સિન બાદ હવે ભારત સરકારે રશિયાની કોરોના વેક્‍સિન સ્‍પૂતનિક-વીના ઇમરજન્‍સી ઉપયોગને મંજૂરી આપી દીધી

નવી દિલ્હી: દેશમાં કોરોના વૅક્સિનેશનને લઈને રાહતના સમાચાર છે. કોવિશીલ્ડ અને કોવેક્સિન બાદ વધુ એક વૅક્સિનને મંજૂરી મળી ગઈ છે. સરકારે રશિયાની કોરોના વૅક્સિન સ્પૂતનિક-વીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. આ વૅક્સિનને મંજૂરી મળ્યા બાદ વૅક્સિનેશન અભિયાનને વેગ આપવામાં મદદ મળશે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સ્પૂતનિક દ્વારા ટ્રાયલનો ડેટા રજૂ કરવામાં આવ્યો હતો. જેના આધારે તેના ઉપયોગને મંજૂરી મળી છે. સ્પૂતનિક વી દ્વારા ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવી હતી. એવામાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી તરફથી સોમવારે આ વૅક્સિનની મંજૂરી પર ચર્ચા થઈ હતી.

જણાવી દઈએ કે, ભારતમાં સ્પુતનિક-વી હૈદરાબાદની ડૉ રેડ્ડી લેબ્સ સાથે મળીને ટ્રાયલ કરવામાં આવ્યું છે અને તેની સાથે જ પ્રોડક્શન પણ ચાલી રહ્યું છે. એવામાં વૅક્સિનને મંજૂરી મળ્યા બાદ ભારતમાં વૅક્સિનની કમીને લઈને ફરિયાદ ઓછી થઈ શકે છે.

દેશમાં હાલ બે કોરોના વિરોધી રસીનો ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન લોકોને આપવામાં આવી રહી છે. સુત્રો મુજબ, ઓગસ્ટ સુધી ભારતમાં લગભગ 6 વૅક્સિનને મંજૂરી મળી શકે છે. જેથી વધુમાં વધુ સંખ્યામાં ડોઝ તૈયાર કરવામાં આવી શકે.

જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં વૅક્સિનની તંગી ઉભી થઈ હતી. મહારાષ્ટ્ર અને ઓડિશામાં તો અનેક વૅક્સિનેશન સેન્ટર્સ પર ડ્રાઈવ રોકી દેવાની ફરજ પડી હતી. એવામાં સતત માંગ ઉઠી રહી હતી કે, અન્ય વૅક્સિનને પણ મંજૂરી આપવામાં આવે. જેથી મોટી સંખ્યામાં પ્રોડક્શન થાય અને લોકોની જરૂરિયાત પૂરી થઈ શકે.

Sputnik V, કોવિશીલ્ડ અને કોવેક્સિન કરતાં કેટલી અલગ?

-  ફેઝ-3 ટ્રાયલના અંતિમ પરિણામોમાં સ્પૂતનિક-વી વૅક્સિનની એફેક્સી 91.6 ટકા આવી છે.

- ભારત બાયોટેકની કોવેક્સીને ફેઝ-3 ક્લિનિકલ ટ્રાયલમાં 81 ટકા એફેક્સી મેળવી હતી.

- સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાની કોવિશીલ્ડની એફેક્સી 62% આવી હતી. જો કે દોઢ ડોઝ આપવા પર એફેક્સી 90 ટકા સુધી પહોંચી ગઈ છે.

Sputnik Vના કેટલા ડોઝ લેવા જરૂરી અને સ્ટોરેજની પદ્ધતિ?

- કોવિશીલ્ડના બે ડોઝ 4-8 અઠવાડિયાના અંતરે આપવામાં આવે છે. જેને સ્ટોર કરવા માટે ઝીરો તાપમાનની જરૂરત નથી.

- કોવેક્સિનના બે ડોઝ 4-6 અઠવાડિયાના અંતરે આપવામાં આવે છે. જેને 2-8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે તાપમાન પર સ્ટોર કરી શકાય છે.

- સ્પૂતનિક-વીના ડેવલોપર્સ મુજબ, તેને પણ 2-8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે સ્ટોર કરવામાં આવી શકે છે. આ વૅક્સિન પણ બે ડોઝમાં આપવામાં આવે છે.

Sputnik Vની કેટલી હશે કિંમત?

- કોવિશીલ્ડ અને કોવેક્સિન બન્ને સરકારી હોસ્પિટલમાં નિ:શૂલ્ક આપવામાં આવી રહી છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 250 રૂપિયા પ્રતિ ડોઝ વસૂલવામાં આવી રહ્યાં છે. સરકાર સીરમ ઈન્સ્ટીટ્યૂટ અને ભારત બાયોટેકને 150 રૂપિયા પ્રતિ ડોઝ આપી રહી છે.

- Sputnik Vની ભારતમાં કિંમત હજુ સુધી નક્કી નથી. વિદેશમાં આ વૅક્સિન 10 ડોલર પ્રતિ ડોઝથી ઓછી છે. RDIFનો પ્રાથમિક પ્લાન તેને રશિયાથી આયાત કરવાનો છે. એવામાં કિંમત વધી શકે છે. એક વખત ભારતમાં Sputnik Vનું પ્રોડક્શન શરૂ થઈ જશે, પછી કિંમતો ઘણી ઓછી થઈ જશે. ડો રેડ્ડી લેબોરેટરીઝ સાથે 10 કરોડ ડોઝ બનાવવાની ડીલ થઈ છે. આ ઉપરાંત RDIFએ હેટરો બાયોફાર્મા, ગ્લેન્ડ ફાર્મા, સ્ટેલિસ બાયોફાર્મા, વિક્ટ્રી બાયોટેક સાથે 85 કરોડ ડોઝ બનાવવા માટે સમજૂતિ કરી રાખી છે.

(5:31 pm IST)