Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કુરાનની ૨૬ આયતો ઉપર રોકની માંગણી કરતી અરજી ફગાવાઇઃ અરજકર્તાને થયો દંડ

આયતોને પઢાવીને છાત્રોને મિસગાઇડ કરવામાં આવે છેઃ કોર્ટે અરજકર્તા વસીમ રિઝવીને ફટકાર્યો ૫૦,૦૦૦નો દંડ

નવી દિલ્હી, તા.૧૨: સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે કે કુરાનની ૨૬ કલમો આતંકવાદને પ્રોત્સાહન આપે છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં અરજદાર અને યુપી શિયા વકફ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવી પર પણ ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રિઝવીએ પોતાની દલીલમાં કહ્યું હતું કે કુરાનની આ ૨૬ કલમોમાં બિન-મુસ્લિમો સામેની હિંસા અને તેમની હત્યાને પ્રોત્સાહિત કરવા વિશે લખ્યું છે. ન્યાયાધીશ રોહિન્ટન એફ નરિમાનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે આ અરજી ધ્યાનમાં લેવા યોગ્ય નથી. બેંચમાં ન્યાયાધીશ બી.આર. ગવાઈ અને ઋષિકેશ રોય પણ હતા.

રિઝવીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે કુરાનના આ ૨૬ શ્લોકો આતંકને પ્રોત્સાહન આપી રહ્યા છે અને તેને દૂર કરવા જોઈએ જેથી મુસ્લિમ સમુદાયનું નામ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ન હોય. રિઝવીએ પોતાની અરજીમાં એમ પણ કહ્યું કે આ કલમો દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકે છે.

ગત મહિને રિઝવી વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કર્યા પછી તેમને લઘુમતી રાષ્ટ્રીય પંચ દ્વારા તેમને નોટિસ ફટકારી હતી. કમિશને તેની નોટિસમાં કુરાન અંગે વસીમ રિઝવી દ્વારા મુકેલી પીઆઈએલ અંગે નારાજગી પણ વ્યકત કરી હતી. વસિમ રિઝવીને તેમની વિવાદિત ટિપ્પણીઓ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અંગે કમિશને નોટિસ પાઠવી હતી. રાષ્ટ્રીય લદ્યુમતી આયોગે વસીમ રિઝવીને બિનશરતી માફી આપવા અને તેમનું નિવેદન પાછું ખેંચવા કહ્યું હતું. રાષ્ટ્રીય લદ્યુમતી પંચે કહ્યું હતું કે જો વસીમ આમ નહીં કરે તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કમિશને એમ પણ કહ્યું હતું કે વસીમ રિઝવીએ સુનિશ્ચિત ષડયંત્ર હેઠળ આવું નિવેદન આપ્યું છે અને તે દેશનું અયોગ્ય નિવેદન છે.

(4:09 pm IST)