Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કોરોનાના કેસ વધતા સોનાના ભાવમાં ઉછાળોઃ ચાંદીમાં પણ તેજી

છેલ્લા ૧૦ દીવસમાં સોનાની કિંમતમાં ૨ હજાર રૂપિયા કરતાં વધુનો વધારો નોંધાયો છે

મુંબઇ, તા.૧૨: ગત વર્ષે કોરોનાના પગલે ૫૭,૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ઉચ્ચ સ્તરે પહોંચેલા સોનાની કિંમતો કોરોનાની બીજી લહેર સાથે ઝડપથી વધી રહી છે. છેલ્લા ૧૦ દીવસમાં સોનાની કિંમતમાં ૨ હજાર રૂપિયા કરતાં વધુનો વધારો નોંધાયો છે. કોરોના મહામારીના વધી રહેલા સંક્રમણ અને લગ્નગાળાની સિઝનને જોતા વેપારીઓ સોનાની કિંમતોમાં ઝડપથી વધરાો થવાનું અનુમાન લગાવી રહયા છે. ગત વર્ષે ઓગષ્ટમાં સોનાનો અત્યાર સુધીનો ટોચનો ભાવ જોવા મળ્યો હતો. જેમાં ૧૦ ગ્રામ સોનાના વાયદાનો ભાવ ૫૭,૧૦૦ રૂપિયા હતો.

કોરોનાના કેસોમાં ઘટાડા અને અર્થતંત્ર સુધરવાની સ્થિતિ વચ્ચે ૮ માર્ચ, ૨૦૨૧ના રોજ સોનાની કિંમત ૪૪,૪૩૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઇ ગઇ હતી, પરંતુ હવે ફરીથી એક વખત ઝડપથી ફેલાઇ રહેલા કોરોના સંક્રમણને પગલે કિંમતોમાં ઉછાળો જોવા મળી રહયો છે.

આ અંગે યુપી ગોલ્ડ એસોસીએશનના સચિવ રામકિશોર મિશ્રાનું કહેવું છે કે, સંકટની સ્થિતિમાં લોકો રોકાણ કરવા માટે સોનાને જ શ્રેષ્ઠ માને છે. જેમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવા લાગી છે. તેમ સોનાની કિંમતો એક વખત ફરીથી વધી રહી છે. કોરોનાના કેસો વધતા સરકાર દ્વારા અસંખ્ય પગલા લેવાઇ રહયા છે. આ સાથે જ રોકાણકારો શેર બજારથી દૂર થવા લાગ્યા છે. તેમનું અનુમાન છે કે, પ્રતિબંધોની અસર ઇન્ડસ્ટ્રીઝ પર પડશે અને તેના કારણે શેરની કિંમતો તૂટશે.

કોરોનાના ઝડપથી ફેલાઇ રહેલા સંક્રમણને પગલે સોનાની કિંમતો માત્ર ૧૦ દિવસમાં જ ૨૦૦૦ રૂપિયાથી અધિક વધી ગઇ છે. MCX એકસચેન્જ પર ૪ જૂન, ૨૦૨૧ વાયદાના સોનાનો ભાવ ૩૦ માર્ચે ૪૪,૪૨૩ રૂપિયા પ્રીત ૧૦ ગ્રામ પર બંધ થયો હતો. જયારે ગત સપ્તાહના આખરી દિવસે શુક્રવારે આ સોનું ૪૬,૫૯૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયું છે. આમ માત્ર ૧૦ દિવસમાં સોનામાં ૨૧૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની તેજી આવી ગઇ છે.

જો ચાંદીની વાત કરીએ તો, ગત સપ્તાહના આખરી કારોબારી દિવસે શુક્રવારે MCX એકસચેન્જ પર ૫ મે, ૨૦૨૧ વાયદાની ચાંદીનો ભાવ ૫૧૮ રૂપિયાના ઘટાડા સાથે ૬૬,૯૮૩ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ંબધ થયો હતો. ચાંદીનો ભાવ ૩૦ માર્ચે ૬૩,૧૨૪ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. આમ માત્ર ૧૦ દિવસમાં જ ૩,૮૫૯ રૂપિયા પ્રતિ કિલોગ્રામની તેજી આવી ચૂકી છે.

(3:15 pm IST)