Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

વોટિંગ કરવા જતા ૧૧ લોકોને બેકાબૂ ટ્રકે કચડ્યા

ઉત્તરપ્રદેશના ઇટાવાનો બનાવ : પંચાયત ચૂંટણીમાં મતદાન કરવા જતા લોકોની કારને પંચર થતા રસ્તાના કિનારે બેઠા હતા ત્યારે ટ્રકના પૈડા ફરી વળ્યા

ઈટાવા,તા.૧૨: ઉત્તર પ્રદેશના ઈટાવા  જિલ્લાના બકેવર પોલીસ સ્ટેશનની હદમાં એક બેકાબૂ ટ્રકે રસ્તા કિનારે બેઠેલા ૧૧ લોકોને કચડી દીધા. આ દુર્ઘટનામાં ૩ લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય ૮ ગંભીર રીતે ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે. બકેવર પોલીસ સ્ટેશનના પ્રભારી જિતેન્ર્ી પ્રતાપ સિંહે જણાવ્યું કે દુર્ઘટના બાદ તમાને સારવાર માટે જિલ્લા હેડકવાર્ટર મોકલવામાં આવ્યા છે. ત્યાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અન્યને ઈટાવા અને સૈફઈમાં દાખલ કરવામાં આવ્યા છે.

આખ માર્ગ અકસ્માત સોમવાર વહેલી પરોઢે ૪ વાગ્યે થયો. આ દુર્ઘટનામાં બુદ્વિ સિંહ (૫૦), દીપક (૨૫) અને એક અજાણી વ્યક્તિનું મોત થયું છે, જ્યારે રૂપા (૪૦), રિક્ની (૧૯), સીમા (૨૨), પ્રીતિ (૧૯), આઠ મહિનાથી રિયા, સંદીપ (૩૦) અને પ્રમોદ (૨૫) ગંભીર રીતે ઘાયલ થયા છે. એક ઘાયલની ઓળખ નથી થઈ શકી. દુર્ઘટનાનો શિકાર તમામ લોકો દિલ્હીથી ઝાંસી પંચાયત ચૂંટણીમાં મતદાન કરવા માટે પોતપોતાના ગામ જઈ રહ્યા હતા.

તમામ લોકો ઝાંસીના અલગ-અલગ ગામમાં મતદાન કરવા માટે દિલ્હીથી રાત્રે ભાડાની ગાડી કરીને રવાના થયા હતા. પરંતુ સોમવાર વહેલી પરોઢે આ દુર્ઘટના બની. આ દુર્ઘટનાના કારણભૂત બેકાબૂ ટ્રક વિશે કોઈ માહિતી નથી મળી શકી. માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોએ જણાવ્યું કે તેમની કાર પંચર થઈ ગઈ હતી. ત્યારબાદથી તેઓ ટાયર બદલવા માટે કારની બહાર આવીને બેઠા હતા. ત્યારે એક બેકાબૂ ટ્રકે તમામ લોકોને કચડી દીધા. દુર્ઘટનાનો શિકાર બનેલા લોકો દિલ્હીથી ઝાંસી પોતાના ગામની પંચાયત ચૂંટણીમાં મતદાન કરવા માટે જઈ રહ્યા હતા. ડૉ. ભીમરાવ આંબેડકર હૉસ્પિટલના તબીબ ડૉ. પીયૂષ ત્રિપાઠીએ જણાવ્યું કે આઝાદ હોટલની પાસે થયેલા આ અકસ્માત બાદ અહીં જે ઘાયલોને લાવવામાં આવ્યા, તે પૈકી ત્રણનાં મોત થઈ ગયા છે અને અન્યની સારવાર ચાલી રહી છે.

(3:13 pm IST)