Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

સરકારી મહેમાન

રાજયના પ્રધાનોના પગાર ખર્ચમાં ૫.૩૫ કરોડ અને અંગત સ્ટાફ પાછળ ૨૪.૯૨ કરોડ ખર્ચાશે

ગુજરાતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ લોકોની જીંદગી બચાવે છે પરંતુ તેના સ્ટાફનું શોષણ થઇ રહ્યું છે : સચિવાલયમાં પહેલીવાર કોરોના સંક્રમણનો ગભરાટ, વિઝીટરોની સંખ્યામાં પહેલીવાર ઘટાડો : એસકે નંદાનો કિચન ગાર્ડન કીટ' પ્રોજેકટ બંધ, હવે આરકે ગુપ્તાનો 'નીમ પ્રોજેકટ' લાઇનમાં છે

ગુજરાત સરકારના મંત્રીઓનો પગાર ખર્ચ ૫.૩૫ કરોડ થવાનો છે જે ગયા વર્ષે ૪.૦૬ કરોડ થયો હતો. પગાર ખર્ચમાં એક વર્ષમાં એક કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. કેબિનેટનું કદ નાનું હોવા છતાં મહત્વની બાબત એવી છે કે મંત્રીઓના અંગત સ્ટાફના ખર્ચમાં વિક્રમી વધારો નોંધાયો છે. બે વર્ષ પહેલાં આ ખર્ચનું બજેટ ૨૦.૨૩ કરોડ રૂપિયા હતું તે ગયા વર્ષે વધીને ૨૧.૨૭ કરોડ થયું છે અને આ વર્ષના અંતે અંગત સ્ટાફનો ખર્ચ વધીને ૨૪.૯૨ કરોડ રૂપિયા થશે. એઠલે કે એક વર્ષમાં ત્રણ કરોડનો વધારો જોવા મળ્યો છે. રાજયના સામાન્ય વહીવટ વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતના રાજયપાલના સચિવાલયનો કુલ ખર્ચ ૯.૯૬ કરોડ થવાનો છે જે ગયા વર્ષે સુધારેલા અંદાજ પ્રમાણે ૮.૪૦ કરોડ થયો હતો. એટલે કે આ વર્ષે એક કરોડ કરતાં વધુની રકમનો વધારો થયો છે. સરકારના નાણા વિભાગ દ્વારા પ્રતિવર્ષ બજેટમાં આ ખર્ચની જોગવાઇ કરવામાં આવતી હોય છે. નાણા વિભાગના આંકડા પ્રમાણે નવી દિલ્હીમાં નિવાસી આયુકતની કચેરી બનાવવામાં આવી છે જે ગુજરાતના મહેમાનોની સરભરા કરતી હોય છે. આ કચેરીનો વાર્ષિક ખર્ચ ૨૦૧૯માં ૧૩.૧૦ કરોડ હતો જે ૨૦૨૦માં વધીને ૧૩.૩૫ કરોડ થયો છે અને ૨૦૨૧ના અંતે તે વધીને ૧૬.૬૯ કરોડ થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. રાજય ચૂંટણી આયોગ કે જે સ્થાનિક ચૂંટણીનું સંચાન કરે છે તેનો ખર્ચ પણ સરકાર કરે છે. આયોગ આઠ મહાનગરપાલિકા, ૧૫૬ નગરપાલિકા, ૩૩ જિલ્લા પંચાયતો, ૨૪૮ તાલુકા પંચાયતો અને ૧૪૨૪૪ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો વહીવટ કરે છે. સરકારના નાણા વિભાગે ૨૦૧૯માં ચૂંટણી પંચને ખર્ચ પેટે ૭.૪૫ કરોડ અને ૨૦૨૦માં ૧૪.૧૨ કરોડ ચૂકવ્યા હતા, જયારે ૨૦૨૧ના અંતે વિભાગ તરફથી ૧૧.૧૦ કરોડ ચૂકવવામાં આવશે.

૧૦૮ના સ્ટાફનું આર્થિક શોષણ થતું હોવાનો આરોપ

ગુજરાતમાં લોકોના આરોગ્યની સુવિધા માટે ૧૯મી ઓગષ્ટ ૨૦૦૭થી આવક, ધર્મ કે જાતિના ભેદભાવ વિના ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ શરૂ કરવામાં આવી છે. ૨૪ કલાક સુધી આ સેવા આખા રાજયમાં ચાલી રહી છે. ૧૨ વર્ષના સમયગાળા પછી આજે રાજયમાં ૬૨૪ જેટલી એમ્બ્યુલન્સ દોડી રહી છે. ૧૦૮માં પ્રતિદિન ૮૦૦૦ જેટલા કોલ આવે છે. રાજયના શહેરી વિસ્તારમાં એવરેજ ૧૭.૩૮ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૪.૪૦ મિનિટમાં આ એમ્બ્યુલન્સ પહોંચી જાય છે. આ સેવામાં કુલ ૧.૨૦ કરોડ કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે જે પૈકી ૪૦.૦૬ લાખ પ્રસૂતિ સબંધિત કોલને પ્રતિસાદ આપવામાં આવ્યો છે અને ૧૦.૭૬ લાખ લોકોની જીંદગી બચાવવામાં આવી છે. જીવીકે ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ એ પ્રોફિટ પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન છે જે પીપીપી મોડ પર કામ કરે છે. દેશના ૧૮ રાજયોમાં કુલ ૭૩૮૭ જેટલી એમ્બ્યુલન્સ સેવા ચાલી રહી છે જે પૈકી સૌથી વધુ ૨૪૫૦ એમ્બ્યુલન્સ એકલા ઉત્ત્।રપ્રદેશમાં આપવામાં આવેલી છે. જો કે મહત્વની બાબત એવી સામે આવી છે કે આ એમ્બ્યુલન્સના ડ્રાઇવર તેમજ અન્ય સ્ટાફને મહેતનના પ્રમાણે પગાર ખૂબ ઓછો મળી રહ્યો છે. આ કંપની તેના કર્મચારીઓનું શોષણ કરી રહી હોવાની ફરિયાદો અવારનવાર ઉભી થાય છે. જે ડ્રાઇવર ગણતરીની મિનિટોમાં દર્દી સુધી પહોંચી જાય છે તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી હોતી નથી. ૧૦૮ના ઘણાં સ્ટાફરની ફરિયાદ છે કે આ સર્વિસમાં અમારૃં માનસિક અને આર્થિક શોષણ થાય છે. કામના કલાકો ઘણીવાર વધી જતા હોય છે છતાં નિયત પગારમાં કામ કરવું પડે છે. કોઇપણ કર્મચારીને આ કંપની નોકરીમાંથી રૂખસદ પણ આપી દેતી હોય છે. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે ભરતી થયેલા કર્મચારીને તાલીમ લેવા માટેના રૂપિયા ચૂકવવા પડે છે. સરકારી નિયમ પ્રમાણે સ્ટાફને રજા પણ મળતી નથી. જો કોઇ ડ્રાઇવર કે સ્ટાફ અનિવાર્ય કારણોસર રજા પાડે તો બદલી અને પગાર કાપ સહન કરવો પડે છે.

કોરોના સંક્રમણના કારણે સચિવાલયમાં ગભરાટ

ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા કેસોથી સચિવાલયના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ચૂકયો છે. એક પછી એક કર્મચારીઓ સંક્રમણનો ભોગ બની રહ્યાં છે. સ્વર્ણિમ સંકુલમાં આવેલી કેબિનેટના મંત્રીઓની ચેમ્બરમાં મંત્રીઓના અંગત સ્ટાફને પણ કોરોનાએ છોડ્યા નથી. આરોગ્યની સૌથી વધુ તકેદારી રાખતા ઉચ્ચ અધિકારીઓ પણ પોઝિટીવ બની રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં પહેલીવાર સચિવાલયમાં મોટી સંખ્યામાં કેસો જોવા મળ્યા છે. બીજીતરફ સચિવાલયના વિભાગોમાં આઇએએસ ઓફિસરોએ તેમની ચેમ્બરમાં સેફિટ વધારી દીધી છે. ઉચ્ચ અધિકારીઓ કામ સિવાય વિભાગના સ્ટાફ સાથે મંત્રણા કે મિટીંગ કરતા નથી. મોટાભાગનું કામ ઇન્ટરકોમથી પતાવે છે. સચિવાલયમાં મુલાકાતીઓની સંખ્યામાં પણ નિયંત્રણ આવ્યું છે, કારણ કે વિભાગના વડા હવે સંસદસભ્યો, ધારાસભ્યો, પાર્ટીના નેતાઓ તેમજ સામાન્ય મુલાકાતીઓને અરજન્ટ કામ સિવાય મળતા પણ નથી. સ્વર્ણિમ સંકુલમાં પાંચ મંત્રીઓના અંગત સ્ટાફમાં કોરોના સંક્રમણ વધી ગયું હોવાથી હવે મંત્રીઓની ચેમ્બરો પણ સૂમસામ બની ચૂકી છે. એવો રિપોર્ટ પણ છે કે સચિવાલયમાં જે કર્મચારીઓને કોરોના સંક્રમણ થયું છે તેમના પરિવારના સભ્યો પણ કોરોના પોઝિટીવ આવી રહ્યાં છે. સચિવાલયમાં સામાન્ય રીતે અમદાવાદના કર્મચારીઓની સંખ્યા વધારે છે અને તેઓ સચિવાલયની પોઇન્ટ એસટી બસોમાં મુસાફરી કરતા હોય છે. જો સંક્રમણ વધશે તો પોઇન્ટની સર્વિસ બસોને બંધ કરવામાં આવે તેવી પણ સંભાવના વધી રહી છે.

ગુજરાતમાં છ પ્રવાસન સ્થળોએ હેલિપોર્ટ બની રહ્યાં છે

ગુજરાતના પ્રત્યેક તાલુકામથકે હેલિપેડ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે રાજયમાં એવા છ સ્થળો છે કે જયાં સરકાર હેલિપોર્ટ તરીકે તેને ડેવલપ કરી રહી છે. આ સ્થળોમાં યાત્રાધામ અને પ્રવાસન મથકોને આવરી લેવામાં આવ્યા છે. પ્રત્યેક હેલિપોર્ટ પાછળ સરકાર ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. ગયા વર્ષથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે હેલિપોર્ટ અથવા તો હેલિડ્રોમ એ એક એવી સુવિધા છે જે હેલિકોપ્ટર અને કેટલાક અન્ય વર્ટિકલ લિફટ પ્લેટફોર્મના ઉપયોગ માટે યોગ્ય છે. દૂરના વિસ્તારો, શહેરની વચ્ચે અવરજવર, પર્યટન, કાયદાનું અમલીકરણ, આપત્તિ સહાય, શોધ તેમજ બચાવ અને મેડીકલ ઇમરજન્સીમાં તાત્કાલિક હવાઇ જોડાણ પુરૃં પાડવા માટે સામાન્ય રીતે હેલિકોપ્ટર મુખ્ય ભૂમિકા નિભાવે છે. નાગરિક ઉડ્ડયન વિભાગે કુલ છ સ્થળોએ હેલિપોર્ટની સુવિધા ઉભી કરવાનું નક્કી કર્યું  છે જેમાં અમદાવાદ, સોમનાથ, દ્વારકા, અંબાજી, સાપુતારા અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. હેલિપોર્ટ બનાવવા માટે ખૂબ ઓછી જમીનની આવશ્યકતા હોય છે. એક હેલિપોર્ટ આઠ એકર જમીનમાં બને છે અને તેનો આંતરમાળખાકીય ખર્ચ પણ ઓછો આવે છે. હેલિપોર્ટ તમામ હેલિકોપ્ટર સુવિધાઓ પુરી પાડી શકે છે જેવી કે એમઆરઓ સેવા, સ્મોલ ટર્મિનલ બિલ્ડીંગ, એટીસી ટાવર, ઓપરેશનલ એરિયા, પાર્કિંગ, ફાયર એન્ડ એમ્બ્યુલન્સ, ફલુઅલિંગ જેવી યુટિલિટી સેવાઓનો સમાવેશ થાય છે. પ્રત્યેક હેલિપોર્ટનો ખર્ચ ૨૦ લાખ રૂપિયા થાય છે અને મહેસૂલી ખર્ચ પ્રતિવર્ષ ત્રણ કરોડ જેટલો આવતો હોય છે.

કોરોનાના ત્રણ વેરિયન્ટે દેશમાં તરખાટ મચાવ્યો છે

ભારતમાં ૨૦૨૧માં ત્રણ પ્રકારના વાયરસનું આક્રમણ ચાલી રહ્યું છે જેમાં યુકે, સાઉથ આફ્રિકન અને બ્રાઝિલના વેરિયન્ટના કેસો નોંધાય છે. યુકેમાં ડિસેમ્બરમાં નવો વાયરસ દેખાયો હતો. કોરોના વાયરસના આ નવા સ્ટ્રેઇનનું જેનેટિક મ્યુટેશન એવી રીતે થયું છે કે તેનો ચેપ વધારે પ્રસરે છે. દેશમાં અત્યારે યુકેના ૭૩૬, સાઉથ આફ્રિકાના ૩૪ અને બ્રાઝિલનો એક કેસ છે. વાયરસમાં ફેરફાર એ કોમન બાબત છે તેનાથી વધુ ફેર પડતો નથી પરંતુ તેનું સંક્રમણ અનેકગણું વધી જાય છે તેથી જોખમી બને છે. ગુજરાતમાં યુકે વેરિયન્ટના કુલ ૩૯ કેસ છે. તબીબો કહે છે કે આ નવા વેરિયન્ટનું સંક્રમણ યુવાનો અને બાળકો થકી પરિવારમાં તેજ ગતિએ ફેલાઇ રહ્યું છે તેથી કેસોમાં ઉછાળો આવ્યો છે. ભારતમાં અત્યારે એકિટવ કેસની સંખ્યા ૧૧ લાખ જેટલી છે. ૧૨ કરોડ કરતાં વધુ લોકો સ્વસ્થ થયાં છે અને ૧.૬૯ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. દેશની ૧૩૦ કરોડની વસતીમાં અત્યારે ૮૪ દિવસમાં કુલ ૧૦.૧૫ કરોડ લોકોએ વેકિસન લીધી છે. કોવિડ ડેશબોર્ડના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યારે એકિટવ કેસની સંખ્યા ૨૫૧૨૯ છે. કુલ ૧.૪૭ કરોડ લોકોનું ટેસ્ટીંગ થયું છે. ૩.૧૧ લાખ દર્દીઓ સ્વસ્થ થયાં છે. રાજયમાં કોરોના દર્દીનો મૃત્યુઆંક ૪૭૪૩ થયો છે. સૌથી વધુ ૫૩૯૦ એકિટવ કેસ એકલા અમદાવાદમાં જોવા મળ્યા છે. રાજયના ચાર મુખ્ય શહેરોમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જો કે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે તેથી સરકારની ચિંતા વધી છે, કારણ કે જો ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વધશે તો કોરોનાને નિર્મૂલન કરવામાં સરકાર માટે મોટું વિધ્ન ઉભું થઇ શકે છે. આ સંજોગોમાં રસીકરણ એકમાત્ર ઉપાય છે.

રાજયમાં 'નીમ' અને 'કીચન ગાર્ડન' પ્રોજેકટની દુદર્શા...

ગુજરાત સરકારની બ્યુરોક્રેસીમાં એક કમજોરી એવી છે કે જે વિભાગ કે નિગમમાં ઉચ્ચ અધિકારી તેમના સમયગાળા દરમ્યાન કોઇ નવો પ્રોજેકટ શરૂ કરે છે ત્યારે તે પોપ્યુલર બનતો હોય છે પરંતુ જયારે તે ઓફિસરની બદલી થાય છે અને તેમની જગ્યાએ નવા ઓફિસર આવે છે ત્યારે પુરોગામી ઓફિસરના પ્રોજેકટને બંધ કરી નાંખે છે અથવા તો કોઇને કોઇ બહાને તેને સ્થગિત કરી દેતા હોય છે. સરકારના બે નિગમ તેનું ઉદાહરણ છે. જીએનએફસીમાં જયારે સનદી અધિકારી રાજીવકુમાર ગુપ્તા હતા ત્યારે તેમણે આદિવાસી મહિલાઓના સહકારથી નીમ પ્રોજેકટ શરૂ કર્યો હતો. આ પ્રોજેકટ હેઠળ લીમડાની લીંબોળીમાંથી સાબુ, શેમ્પુ, હેન્ડ સેનેટાઇઝર, લીંબોળીનું ખાતર અને અન્ય કોસ્મેટીકસ આઇટમો બનાવવામાં આવતી હતી. આ પ્રોજેકટ એટલો બઘો પોપ્યુલર બની ગયો હતો કે ગુજરાત જ નહીં દેશભરમાં તેના સ્ટોર ખૂલ્યા હતા. હવે રાજીવકુમાર ગુપ્તાના સ્થાને બીજા ઓફિસર નિયુકત થયેલા છે ત્યારે તેમના કાર્યકાળમાં નીમ સ્ટોર બંધ થઇ રહ્યાં છે અને નીમ પ્રોડકટ્સની અછત સર્જાઇ રહી છે. એવી જ રીતે સુદીપકુમાર નંદા જયારે જીએસએફસીમાં હતા ત્યારે તેમણે કીચન ગાર્ડનની એક કીટ બનાવી હતી, જે એટલી બઘી પોપ્યુલર બની હતી કે ગૃહિણીઓની માંગને પહોંચી વળાતું ન હતું. એકલા વડોદરામાં જ બે મહિનામાં ૫૦૦ કીટ વેચાઇ ગઇ હતી. આ કીટમાં શાકભાજીના બિયારણ, ખાતર, પેસ્ટ્રીસાઇડ અને કેવી રીતે શાકભાજી ઉગાડવી તેની માહિતી પુસ્તિકા આપવામાં આવતી હતી. આજે સુદીપકુમાર નંદાનો આ પ્રોજેકટ બંધ થઇ ચૂકયો છે.(૨૧.૪)

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

(12:08 pm IST)
  • હાલમાં જેલમાંથી છુટેલ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા જીયા કોરોના પોઝીટીવ access_time 1:57 pm IST

  • મમતા બેનર્જીના પ્રચાર માટે જલપાઇ ગુડીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ access_time 3:02 pm IST

  • કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓ રદ કરવા કહ્યું access_time 1:54 pm IST