Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

મહારાષ્ટ્રમાં લાગી શકે છે ૮ થી ૧૪ દિવસનું લોકડાઉન

ટાસ્ટ ફોર્સે રાજયમાં કોરોનાની ચેન તોડવા માટે ૧૫ દિવસના સંપૂર્ણ લોકડાઉનની ભલામણ કરી છે, જયારે સીએમ ઠાકરે ૮ દિવસના લોકડાઉનના સમર્થનમાં છે

મુંબઈ,તા.૧૨: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે સ્થિતિ દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. તેવામાં રાજયમાં લોકડાઉન લગાવવાની સંભાવના વધી ગઈ છે. રાજયના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ રવિવારે કોરોના ટાસ્ક ફોર્સની સાથે વિશેષ બેઠક યોજી છે. તેમાં ટાસ્ટ ફોર્સે રાજયમાં કોરોનાની ચેન તોડવા માટે ૧૫ દિવસના સંપૂર્ણ લોકડાઉનની ભલામણ કરી છે, જયાસે સીએમ ઠાકરે ૮ દિવસના લોકડાઉનના સમર્થનમાં છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં પ્રદેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવા અને નિયમો કડક કરવા પર ચર્ચા થઈ છે. બેઠકની શરૂઆતમાં ટાસ્ક ફોર્સે ૧૪ દિવસના લોકડાઉન વિશે પોતાની ભૂમિકા રાખી છે. બેઠક બાદ કોઈપણ સમયે મુખ્યમંત્રી જાહેરાત કરી શકે છે.

ટાસ્ક ફોર્સે કહ્યુ કે આ લોકડાઉન ખુબ કડક હશે. રાજયમાં કોરોનાથી મૃત્યુદર ઘટાડવા માટે લોકડાઉન જરૂરી છે. ટાસ્ક ફોર્સની બેઠકમાં ૩ સભ્યોએ ૮ દિવસના લોકડાઉનની વકાલત કરી તો ત્રણ સભ્યોએ ૧૪ દિવસની વાત કહી છે. નિષ્ણાંતોનું માનવું છે કે લોકડાઉન વગર કોરોના સંક્રમણની ચેન તૂટશે નહીં.

આ સિવાય બેઠકમાં ટાસ્ટ ફોર્સે રાજયમાં બેડની કમી, ઓકસીજનની કમીને લઈને પણ ચિંતા વ્યકત કરી છે. તો કહેવામાં આવી રહ્યું છે કે રાજયમાં લોકડાઉન કે કોઈ મોટો નિર્ણય જાહેર કરતા પહેલા મુખ્યમંત્રી જનતાને એક-બે દિવસનો સમય આપી શકે છે. બેઠકમાં હેલ્થ સેક્રેટરી પ્રદીપ વ્યાસ, ડો. તાત્યારાવ લહાને, સંજય ઓક, ડો અવિનાશ સુપે, ડો શશાંક જોશી, ડો રાહુલ પંડિત હાજર હતા.

(9:51 am IST)