Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

કેટલું પણ અપમાન થશે તો પણ તેમને રોકી નહીં શકાય

ડિગ્રી વિવાદ પર સ્મૃતિના કોંગ્રેસ પર પ્રહારો : કોંગ્રેસ પાર્ટીના લોકો તેમને જેટલું અપમાનિત કરશે તેટલી તેમની તાકાત વધતી જશે : સ્મૃતિ ઇરાનીના વળતા પ્રહાર

અમેઠી, તા.૧૨ : ઉત્તરપ્રદેશના અમેઠીમાંથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીના ડિગ્રી વિવાદ પર કોંગ્રેસના પ્રહાર બાદ કેન્દ્રીયમંત્રીએ આજે કોંગ્રેસ પર વળતા પ્રહાર કર્યા હતા. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસના લોકો કેટલો પણ હલ્લો મચાવે તો પણ આ વખતે આ લોકો તેમને રોકી શકવાની સ્થિતિમાં નથી. તેમના ઉપર પ્રહાર કરવાનો કોંગ્રેસના લોકોનેઅધિકાર છે. કોંગ્રેસના લોકો હવે તેમને રોકી શકવાની સ્થિતિમાં નથી. સ્મૃતિએ કહ્યું હતું કે, તેમના ઉપર જેટલા પ્રહારો થશે તેટલી તાકાત તેમની વધતી જશે. કારણ કે, કોંગ્રેસ પાર્ટીના નામદારની સામે તેઓ ચૂંટણી મેદાનમાં છે જેથી તમામ બાબતોને જોવામાં આવશે. સ્મૃતિ ઇરાનીના ઉમેદવારીપત્ર દાખલ કરતી વેળા ડિગ્રીનો ઉલ્લેખ કરવા પર કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ ઇરાની ઉપર જોરદાર પ્રહાર કર્યા હતા. સ્મૃતિની લોકપ્રિય ટીવી સિરિયલ ક્યોકિ સાસ ભી કભી બહુ થીની જેમ જ ઇરાની ઉપર ડિગ્રી ઉપર પ્રહાર કર્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, એક નવી સિરિયલ આવનાર છે. ક્યોંકિ મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી આની ઓપનિંગ લાઈન રહેશે. ક્વોલિફિકેશન કે ભી રુપ બદલે હૈ, નયે નયે સાંચે મેં ઢલતે હૈ, એક ડિગ્રી આતી હૈ એક ડિગ્રી જાતી હૈ, બનતે નયે એફિડેવિટ હૈ. તેમણે કહ્યું હતું કે, સ્મૃતિ ઇરાનીએ પોતાની લાયકાતને લઇને એક બાબત કાયમ રાખી છે કે તે કઇરીતે ગ્રેજ્યુએટથી ૧૨માં ક્લાસના થઇ જાય છે. આ બાબત મોદી સરકારમાં જ શક્ય દેખાઈ રહી છે. સ્મૃતિ ઇરાનીએ ગુરુવારના દિવસે ઉમેદવારીપત્ર ભરતી વેળા એફિડેવિટમાં કહ્યું હતું કે, તેઓ ગ્રેજ્યુએટ નથી. એફિડેવિટ મુજબ સ્મૃતિએ દિલ્હી યુનિવર્સિટીની સ્કુલ ઓફ ઓપન લર્નિંગમાં પત્રાચારથી બીકોમમાં પ્રવેશ લીધો હતો. ૧૯૯૪માં તેઓ પ્રથમ વર્ષમાં હતા.

(7:28 pm IST)