Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

દ્વારકાની ચૂંટણી યોજાશે.....

મેરામણ તાત્કાલિકરીતે દિલ્હી પહોંચ્યા હતા

અમદાવાદ, તા. ૧૨  :  ગુજરાત હાઇકોર્ટે આજે મહત્વના અને ઐતિહાસિક ચુકાદા મારફતે ગુજરાત વિધાનસભાની ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં દ્વારકા વિધાનસભા બેઠકની ચૂંટણીના પરિણામો રદબાતલ ઠરાવ્યા છે. આ સાથે જ દ્વારકા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય પબુભા માણેકનું ધારાસભ્યપદ પણ હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યું છે. આદેશની સાથે સાથે નીચે મુજબ છે.

દ્વારકા વિધાનસભાની ચૂંટણી યોજવાની થશે

         દ્વારકા વિધાનસભા બેઠકની ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રખર શિવભક્ત અને ભાજપના ધારાસભ્ય પબુભા માણેક ૬૯૪૩ મતોની લીડથી વિજયી થયા હતા. જો કે, કોંગ્રેસના મેરામણ ગોરિયાની ઇલેકશન પિટિશનમાં આજે હાઈકોર્ટે ભાજપને મોટો ઝટકો આપ્યો હતો અને દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદબાતલ ઠરાવી હતી. જેને પગલે હવે દ્વારકામાં ફરીથી વિધાનસભાની ચૂંટણી યોજાશે અને પબુભાનું ધારાસભ્યપદ પણ જશે. દ્વારકાના ઈતિહાસમાં પ્રથમવાર ભાજપને ૭૦૦૦ મતની લીડ મળી હતી અને પબુભા માણેકે સતત સાતમી વખત જીત મેળવી હતી. પબુભા જો સુપ્રીમકોર્ટમાંથી કોઇ રાહત લઇ આવે તો, પરિસ્થિતિ જુદી હોઇ શકે.

સુપ્રીમ સ્ટે ના આપે એટલે મેરામણ તાત્કાલિક દિલ્હી પહોંચ્યા

         ગુજરાત હાઇકોર્ટના ચુકાદાથી પબુભાનું ધારાસભ્યપદ છીનવાઇ જવાની સ્થિતિનું નિર્માણ થતાં તેઓ હવે સુપ્રીમકોર્ટમાં જાય તેવી શકયતા છે. તો હાઇકોર્ટે પણ કોંગ્રેસના મેરામણ ગોરિયાને વિજયી જાહેર નહી કરતાં કાનૂની નિષ્ણાતોની સલાહ બાદ મેરામણ ગોરિયા પણ સુપ્રીમકોર્ટમાં હાઇકોર્ટના ચુકાદાને પડકારે તેવી શકયતા છે. બંને પક્ષ હાલ તો ગુજરાત હાઇકોર્ટના ચુકાદાના અભ્યાસ અને કાનૂની નિષ્ણાતોની સલાહ-માર્ગદર્શન લેવામાં જોતરાયા છે. મોડી સાંજે કોંગ્રેસના ઉમેદવાર મેરામણ સુપ્રીમમાં કેવીયેટ દાખલ કરવા પહોંચ્યા હતા.

(7:21 pm IST)