Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

અમેરિકાએ ચીનની ૩ ડઝન કંપનીઓ અને શાળાઓને રેડ-ફ્લેગ અનવેરિફાઇડ લિસ્ટમાં મૂકી દીધી

વોશિંગ્ટન, અમેરિકાની કંપનીઓ સચેત રહે તે માટે અમેરિકાના વાણિજય મંત્રાલયે ચીનની ૩૭ કંપનીઓ અને શાળાઓને રેડ-ફલેગ અનવેરિફાઇડ લિસ્ટમાં મૂકી છે. ફેડરલ રજિસ્ટરમાં આ અંગેની નોટિસ જારી કરવામાં આવી છે.

આ યાદીમાં હોંગકોંગની ૬, યુએઇના ચાર તથા મલેશિયા અને ઇન્ડોનેશિયાની એક-એક કંપનીને સામેલ કરવામાં આવી છે.જે કંપનીઓને રેડ ફ્લેગ અનવેરિફાઇડ લિસ્ટમાં મૂકવામા આવી છે તેમાં જાપાનીઝ ઓટો પાર્ટ્સ મેન્યુફેકચરની ચાઇનીઝ સબસિડરી એસિન નાનટોંગ ટેકનિકલ સેન્ટર પણ સામેલ છે. બીજી એક કંપની બેઇજિંગ બાયી સ્પેસ એલસીડી મટિરિયલ્સ ટેકનોલોજી કંપની લિમિટેડ પણ સામેલ છે. આ કંપનીને હાઇ એન્ડ સ્ક્રીન ટેકનોલોજીની પેટન્ટ મળી હતી.

આ યાદીમાં સામેલ કંપનીઓ ઓપ્ટિકસ, ઇલેકટ્રોનિકસ, મશીન ટુલ્સ અને એવિએશન સેકટર સાથે સંકળાયેલી છે.

આ યાદી તૈયાર કરવાનો ઉદ્દેશ અમેરિકન કંપનીઓને સચેત રાખવાનો છે. અમેરિકાની આ કાર્યવાહી અંગે ચીનના વાણિજય મંત્રાલયે જણાવ્યું છે કે તે રાષ્ટ્રીય સુરક્ષા અને નિકાસ અંકુશના નિયમોના દુરુપયોગનો વિરોધ કરે છે.

ચીને વધુમાં જણાવ્યું છે કે અમેરિકાની આ કાર્યવાહીથી સામાન્ય વેપાર પર પ્રતિકૂળ અસર પડશે. અમેરિકન સરકારે પોતાની ખોટી વર્તણૂક દૂર કરવી જોઇએ. આ માટે અમેરિકાએ આ યાદીમાંથી વહેલામાં વહેલી તકે ચાઇનિઝ કંપનીઓને દૂર કરવી જોઇએ.

(4:28 pm IST)