Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ચૂંટણી પંચનો સપાટોઃ રૂ. ર,૬ર૬ કરોડની બિનહિસાબી રોકડ, શરાબ, સોનું જપ્ત

નવી દિલ્હી, તા.૧૨: લોકસભાની ચૂંટણી માટેની આદર્શ આચારસંહિત અમલમાં આવી છે ત્યારથી અત્યાર સુધીમાં ચૂંટણી પંચે કુલ રૂ. ૨,૬૨૬ કરોડની બિનહિસાબી રોકડ, ગેરકાયદેસર શરાબ, કેફી દ્રવ્યો, સોનું અને ભેટસોગાદો જપ્ત કર્યા છે.

ચૂંટણી પંચના અધિકારીઓએ આ માલ ગુરૂવારે સાંજે ૬ વાગ્યા સુધીમાં જપ્ત કર્યો હતો.

જપ્ત કરાયેલા માલમાં રૂ. ૬૦૭ કરોડની બિનહિસાબી રોકડ રકમ, રૂ. ૧૯૮ કરોડનો ગેરકાયદેસર શરાબ, રૂ. ૧,૦૯૧ કરોડની કિંમતનાં કેફી પદાર્થો, રૂ. ૪૮૬ કરોડનું સોનું તથા રૂ. ૪૮ કરોડની કિંમતની અન્ય મફતની ભેટસોગાદોનો સમાવેશ થાય છે.

દરમિયાન મુંબઈમાં, ચૂંટણી પંચની મોબાઈલ વિજિલન્સ ટીમના અધિકારીઓએ માહિમ ઉપનગરમાં એક ટેકસીમાંથી રૂ. ૩ કરોડની વિદેશી ચલણી નોટો જપ્ત કરી હતી.

ચુંટણી પંચે આ વિશે મુંબઇ પોલીસને જાણ કરી હતી અને પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.

ચૂંટણી પંચની મોબાઈલ વિજિલન્સ ટીમે એક કાળી-પીળી ટેકસીમાંથી જુદા જુદા દેશોની ચલણી નોટો જપ્ત કરી હતી. આ નોટોની કિંમત ભારતીય રૂપિયા અનુસાર આશરે ત્રણ કરોડ જેટલી થવા જાય છે.

ટેકસીમાં બેઠેલા બે શખ્સ પાસેથી રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ ચલણી નોટો કયા કામ કે કારણસર લઈ જવામાં આવી રહી હતી અને એ કોને આપવામાં આવનાર હતી એ વિશે પોલીસ આ બંને ઈસમની પૂછપરછ કરી રહી છે.

(3:52 pm IST)