Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

હાઇકોર્ટના ચુકાદાથી ભાજપ-પબુભાને ફટકોઃ ધારાસભ્યપદ છોડવુ પડે તેવા સંજોગો

પબુભા ચૂંટણી જીતીને હાર્યાઃ દ્વારકાનું પરિણામ રદ્દ

કોંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ ગોરીયાએ હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટનો ચુકાદોઃ દ્વારકાની બેઠક પર પેટાચૂંટણી યોજવી પડશે : પબુભા માણેક ૨૦૧૭માં કઈ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડવી છે તે 'દ્વારકા' લખવાનું જ ભુલી ગયા'તા

(મુકુંદ બદિયાણી, કૌશલ સવજાણી, વિનુભાઈ સામાણી દ્વારા) જામનગર-ખંભાળીયા-દ્વારકા, તા. ૧૨ :. ૨૦૧૭માં દ્વારકા વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા ભાજપના ઉમેદવાર પબુભા માણેકના ઉમેદવારી પત્રમાં મત વિસ્તાર 'દ્વારકા' લખવાનુ ભૂલી જતા તેની સામે હરીફ ઉમેદવાર કોંગ્રેસના મેરામણભાઈ ગોરીયાએ ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. જે પીટીશનનો આજે ચુકાદો જાહેર થતા ભાજપને ફટકો પડયો છે. હાઈકોર્ટ દ્વારા ૨૦૧૭ના ચૂંટણી પરિણામને રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. લોકસભાની ચૂંટણી ટાણે જ આ ચુકાદો આવતા ભાજપને ફટકો પડયો છે.

કોંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ ગોરીયાએ પોતાના વકીલ મારફતે ચૂંટણી અધિકારીને અરજી કરી હતી કે, તા. ૨૦-૧૧-૨૦૧૭ના રોજ ભાજપના ઉમેદવાર પબુભા માણેકે જે ફોર્મ ભર્યુ હતુ તેના ભાગ-૧ માં ઉમેદવાર કઈ વિધાનસભા ચૂંટણી લડવા માગે છે ? તે દેવભૂમિ દ્વારકા દર્શાવેલ ન હતુ. આથી તેમનુ તેમજ તેમના પુત્રનું ફોર્મ રદ્દ કરવામાં આવે. આ અરજી બાદ ચૂંટણી અધિકારીઓએ બન્ને ઉમેદવારો સામે નોટીસ કાઢી હતી.

જો કે કોંગ્રેસની વાંધા અરજી ન ચાલતા

પબુભા માણેક આ બેઠક ઉપરથી ચૂંટણી લડયા હતા અને વિજય થયા હતા. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ ગોરીયાએ પોતાના વકીલ મારફત આ પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.

લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે જ હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ્દ કરતા ભારે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ ચૂકાદો ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય પબુભા માણેક અને ભાજપ માટે એક ઝટકા સમાન છે.

ગુજરાત રાજ્યમાં હાલ લોકસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસીભરી સ્પર્ધા ચાલે છે ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં ૨૦૧૭માં યોજાયેલી દ્વારકા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ્દ કરવા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાની અરજી માન્ય રાખીને હાઈકોર્ટ જસ્ટીસે ફોર્મ રદ ગણીને ચૂંટણી રદ કરતા સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જાગી છે.

ગત ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં દ્વારકામાંથી પબુભા માણેક તથા ડમી તરીકે તેમના પુત્રનું ફોર્મ ભાજપમાંથી ભરાયુ હતું. આની સામે કોંગ્રેસે ખંભાળિયાના ધારાસભ્ય મેરામણ મારખી ગોરીયાને ટીકીટ આપતા તેમણે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યુ હતું.

ફોર્મ ભરવામાં ભાજપના ઉમેદવાર પબુભા માણેક તથા તેમના પુત્ર ડમી ઉમેદવાર બન્નેના ફોર્મમાં દ્વારકા ૮૨ વિધાનસભાની સીટ માટે નામ લખેલુ ના હતું. ખરેખર ૧૮૨ સીટમાંથી કઈ સીટમાં તેઓ લડે છે તે લખેલુ ના હતું. આથી કોંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ આહિરે વાંધો લેતા આ અંગે ચૂંટણી અધિકારી શ્રી જાડેજા સમક્ષ રાત્રીના ૨ વાગ્યા સુધી દલીલો ચાલી હતી જે પછી આ ફોર્મ માન્ય કરવામાં આવ્યુ હતું.

આના સંદર્ભમાં મેરામણભાઈ મારખી ગોરીયા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ઈલેકશન પીટીશન દાખલ કરવામાં આવી હતી. જેમાં ફોર્મમાં એક પણ જગ્યાએ દ્વારકાનો વિધાનસભા જેમા ઉમેદવારી નોંધાવી છે તેનો ઉલ્લેખ ના હોય આ ફોર્મ રદ્દ ગણાય જેથી વિધાનસભા દ્વારકાની ચૂંટણી રદ થવી જોઈએ તે માંગ સાથે અરજી કરી હતી જેની સુનાવણીમાં આજે હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી પરેશભાઈ ઉપાધ્યાયે બન્ને પક્ષની દલીલો અનેક મુદતોમાં સાંભળ્યા પછી ચૂકાદો આપીને આ ફોર્મ રદ ગણાય કેમ કે તેમા વિધાનસભાનું નામ જ નથી તેમ જણાવીને દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ્દ કરવાનો હુકમ કરતા સમગ્ર ગુજરાત અને હાલારમાં ભારે ચકચાર જાગી છે.

મેરામણભાઈના પક્ષે વકીલો તરીકે શ્રી બી.એમ. માંગુકીયા તથા શ્રી વી.એચ. કનારા (જામનગરવાળા) ખાસ રોકાયા હતા.(૨-૧૩)

હાલારમાં આ ત્રીજી ઘટના !!

હાલારમાં ધારાસભાના પરિણામોના સંદર્ભમાં હાઈકોર્ટમાં ચૂંટણી પીટીશનની આ ત્રીજી ઘટના છે. આ અગાઉ ખંભાળીયાના અપક્ષ ઉમેદવાર હેમતભાઈ માડમ ચૂંટણી જીતેલા ત્યારે તેમના હરીફ ઉમેદવાર જગુભાઈ દોશીએ આવી રીટ હાઈકોર્ટમાં કરી હતી.

આ પછી જામજોધપુરમાં કોંગ્રેસના બ્રીજરાજસિંહ જાડેજા જીતતા પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયાએ હાઈકોર્ટમાં પીટીશન કરી હતી.

ત્યાર પછી ૨૦૧૭માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણી અંગે કોંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ ગોરીયાએ ભાજપના ઉમેદવાર પબુભા માણેક સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી.(૨-૧૩)

દ્વારકા જિલ્લામાં હવે ભાજપના એકેય ધારાસભ્ય નહીં રહે !!

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે ધારાસભ્યો છે. જેમા એક ખંભાળિયા વિક્રમભાઈ માડમ કોંગ્રેસના છે અને આ દ્વારકામાં ભાજપના પબુભા માણેક હતા. જે ચૂંટણી રદ થતા હવે હાલ કોઈ ધારાસભ્ય જ નહીં રહે ભાજપમાંથી !! (૨-૧૩)

પબુભા માણેક ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરશે !!

હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવતા ૨૦૧૭ની દેવભૂમિ દ્વારકાની ચૂંટણી રદ્દ કરી દેવામાં આવી છે. હવે પબુભા માણેક ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરશે. આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારવાની પબુભાની માંગણી પણ કોર્ટે ફગાવી દીધી છે.(૨-૧૩)

મામલો સુપ્રીમ કોર્ટમાં જશે

ખંભાળીયાઃ ચૂંટણી અધિકારી દ્વારકાએ આપેલા ચુકાદા સામે જેવી રીતે કોંગ્રેસે હાઈકોર્ટમાં પડકાર્યો હતો તેવી રીતે આ મુદ્દે ભાજપના ધારાસભ્ય પબુભા માણેક પણ સુપ્રિમમા જશે કેમ કે આ કાનૂની પ્રશ્ન હવે તાલાળાની બેઠકની જેમ સુપ્રિમમાં પહોંચશે.

(3:51 pm IST)