Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

રાજકોટના મોટા ગજાના બિલ્ડરના યુવાન પુત્ર રહસ્યમય રીતે ગુમ : બાબુભાઇ ઢોલરા તરીકે ઓળખાતા બાબુભાઇ સખીયાના પુત્ર કિશોર સખીયા (ઉ.વ.૪૦) કાલે મુંબઇથી ટ્રેન મારફત રવાના થયા બાદ અમદાવાદથી ગુમ : મોબાઇલ સતત સ્વીચઓફ : કાંગસીયાળી નજીક ગોંડલ રોડ  ઉપર મોટા રેસીડેન્સીયલ પ્રોજેકટ લોન્ચ કરનાર કિશોર સખીયા આર્થિક ભીંસમાં હોવાની ચર્ચા : મુંબઇ લોન માટે ગયા હોવાની પ્રાથમીક માહિતી : અપહરણ કે જાણી જોઇ ભુગર્ભમાં?

રાજકોટ તા. ૧ર : શહેરના મોટા બિલ્ડર પૈકીના જે.કે. હોલ વાળા બાબુભાઇ સખીયા (ઢોલરા)ના યુવાન પુત્ર મુંબઇથી અમદાવાદ - રાજકોટ આવવા રેલમાર્ગે રવાના થયા બાદ મધરાતે બે વાગ્યાથી રહસ્યમય રીતે અમદાવાદ થી ગુમ થઇ ગયાના સમાચારથી ભારે ચર્ચા જાગી છે.  કિશોર સખીયા (ઉ.વ.૪૦)નો મોબાઇલ સતત સ્વીચઓફ આવી રહયો છે આ લખાય છે ત્યારે 'ઓફ ધી રેકોર્ડ' તપાસ શરૃ થઇ છે.

મળતી માહિતી મુજબ ગોંડલ રોડ ઉપર કાંગશીયાળી સર્વે નંબરમાં આસ્થા રેસીડેન્સી અને કલ્પવન નામના મલ્ટીસ્ટોરી રેસીડેન્સીયલ પ્રોજેકટ હાથ ધરનાર કિશોર સખીયા મુંબઇ લોન માટે ગયા બાદ કાલે વાયા અમદાવાદ આવવા રવાના થયા હતા. તેમણે પોતાના ભાઇને અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર રિસીવ કરવા જણાવ્યું હતું. પરંતુ અમદાવાદ સ્ટેશન ઉપર તેમને કોઇ અતોપતો લાગ્યો નહતો. મોબાઇલ ડાયલ કરતા સતત બંધ આવી રહયો છે.આ લખાય છે ત્યારે બાબુભાઇ ઘરે અને ઓફિસ ઉપર સગા સંબંધીઓને શુભચિંતકો ભેગા થઇ કિશોરભાઇનો પતો મેળવવાની કોશીષ કરી રહયા છે તેઓ આર્થિક ભીંસમાં હોવાનું પ્રાથમીક રીતે બહાર આવ્યું છે. આ ઘટનાથી રાજકોટની બિલ્ડર લોબી અને પટેલ સમાજમાં ચકચાર જાગી છે.

(4:49 pm IST)