Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ઈલેક્ટોરલ બોન્ડ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો : રાજકીય પક્ષોને બોન્ડ મારફત મળતા ડોનેશનની તમામ વિગત સીલ કવરમાં ચૂંટણી પંચને આપવાની રહેશે : ડોનેશન આપનારનું નામ,બેન્ક એકાઉન્ટ નંબર,તથા રકમ સહીતની વિગત પહોંચાડવાની છેલ્લી તારીખ 30 મે 2019

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે  ઈલેક્ટોરલ બોન્ડ મારફત રાજકીય પક્ષોને મળતા ડોનેશનની વિગત આપવા અંગે ગઈકાલે અનામત રાખેલો ચુકાદો આજરોજ આપી દીધો છે.જેમાં જણાવાયા મુજબ  રાજકીય પક્ષોને બોન્ડ મારફત મળતા ડોનેશનની તમામ  વિગત સીલ કવરમાં ચૂંટણી પંચને આપવાની રહેશે જેમાં ડોનેશન આપનારનું નામ,બેન્ક એકાઉન્ટ નંબર,તથા રકમ સહીતની  વિગત  30 મે 2019 સુધીમાં છેલ્લામાં છેલ્લી વિગત સુધીની પહોંચાડવાની રહેશે

એશોશિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા કરાયેલી પિટિશનના અનુસંધાને આજરોજ ચીફ જસ્ટિસ શ્રી રંજન ગોગોઈ,તથા જસ્ટિસ શ્રી દિપક ગુપ્તા,તથા શ્રી સંજીવ ખન્નાની બેન્ચે ઉપરોક્ત ચુકાદો આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે બોન્ડ બહાર પાડવાનો હેતુ કાળું નાણું બહાર લાવવાનો છે તેવી સરકારની દલીલ હતી.પરંતુ આ બોન્ડ ખરીદનારના નામ રકમ સહિતની વિગતો જાહેર કરવાની ન હોવાથી તેમાં પારદર્શિતા નથી તેવી દલીલ પિટિશનર્સ દ્વારા કરાઈ હતી.જેના અનુસંધાને સરકારે તે બાબત જાહેર કરવી જરૂરી  નથી તેવી દલીલ કરી હતી.જેના વિરોધમાં ચૂંટણી પંચે ડોનેશન અપનારાઓના નામ જાહેર નહીં કરવાથી વિદેશોમાંથી પણ રકમ આવી શકે છે તથા તે રકમ ચૂંટણીના પરિણામો ઉપર અસર કરી શકે છે.તેવી દલીલ કરી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:05 pm IST)