Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

હત્યામાં શરીર નષ્ટ થાય છે, રેપમાં આત્માઃ સુપ્રીમ કોર્ટ

લગ્નનો ખોટો વાયદો કરીને શારીરિક સંબંધ બનાવવા એ બળાત્કાર

નવી દિલ્હી, તા. ૧૨ :. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે લગ્નનો ખોટો વાયદો કરીને શરીર સંબંધ બનાવવો એ બળાત્કાર ગણાય. બળાત્કાર સમાજ વિરૂદ્ધ કરાયેલો અપરાધ છે. તેમા શરીર, દિમાગ અને અંગતતા ઉપર હુમલો થાય છે. હત્યા શરીરને નષ્ટ કરે છે, જ્યારે બળાત્કાર આત્માને અપવિત્ર અને અપમાનિત કરે છે. સુપ્રિમ કોર્ટે આ સખત ટીપ્પણી લગ્નનો ખોટો વાયદો કરીને શરીર સંબંધ બાંધવા અને પછી લગ્ન ન કરવાના કેસમાં ચુકાદો સંભળાવતી વખતે કરી હતી.

 

આ કેસ છત્તીસગઢના એક જુનિયર ડોકટરનો છે. આરોપી યુવક છત્તીસગઢની એક સરકારી હોસ્પીટલમાં જુનીયર ડોકટર હતો અને છોકરી બી-ફાર્મનો કોર્સ કરી રહી હતી. બન્ને એકબીજાને ૨૦૦૯થી ઓળખતા હતા અને તેમનુ પ્રેમ પ્રકરણ ચાલતુ હતંું. છોકરાએ છોકરી સાથે લગ્નનો ખોટો વાયદો કરીને તેની સાથે શારિરીક સંબંધો બનાવ્યા અને પછી લગ્નની ના પાડી હતી અને બીજી કોઈ સાથે લગ્ન કરી લીધા હતા. છોકરીએ જૂન ૨૦૧૩માં આરોપી વિરૂદ્ધ માલખારોડા વિસ્તારમાં બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. આરોપીને નીચલી અદાલત અને હાઈકોર્ટે બળાત્કારના ગુનામાં ૧૦ વર્ષની સજા કરી હતી જેને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવી હતી.

 

સુપ્રિમ કોર્ટે કહ્યું કે આરોપીએ લગ્નનો ખોટો વાયદો કર્યો હતો. તેનો લગ્ન કરવાનો ઈરાદો હતો જ નહીં તે સાબિત થઈ ગયું છે. આ ખોટા વાયદાના કારણે છોકરીએ શારીરીક સંબંધોની સહમતિ આપી હતી, પણ તે સહમતિ ન ગણી શકાય. લગ્નના ખોટા વાયદાના આધારે છોકરીની સહમતિથી થયેલા શારિરીક સંબંધોને બળાત્કાર ગણવામાં આવશે. તેણે લગ્નનો ખોટો વાયદો કર્યો હતો જેથી પોતાની કામવાસના સંતોષી શકે. સુપ્રિમે આરોપીને બળાત્કારનો દોષી જાહેર કરીને તેની સજામાં ફેરફાર કરીને ૧૦ વર્ષને બદલે ૭ વર્ષની જેલનો હુકમ આપ્યો હતો.

(10:05 am IST)