Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

આંગડીયા પેઢીના ૩ ડઝન સ્થળોએ તપાસ

દેશભરમાં ૩૭ જગ્યાએ સીબીડીટી તૂટી પડ્યુ : ચૂંટણીપંચની ફલાઈંગ સ્કોડ સાથે જોડાયેલ છે : ન્યુઝ ફર્સ્ટનો હેવાલ

રાજકોટ, તા. ૧૨ : લોકસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરૂ થયું છે ત્યારે દેશભરમાં કાળુનાણું ઝડપવા અને રોકડ રકમની ગેરકાયદે હેરફેર અટકાવવા ઈન્કમટેક્ષ, ચૂંટણીપંચની ફલાઈંગ સ્કવોડ સતત નજર રાખી રહી છે.

ગત મોડી રાત્રે દેશની નામાંકિત આંગડીયા  પેઢીના ૩ ડઝન  ઉપર આવકવેરા અને ચૂંટણીપંચની ફલાઈંગ સ્કવોડ દ્વારા દરોડા પડતાં ખળભળાટ મચી જવા પામેલ છે. આખી રાત દરોડાની કાર્યવાહીનો ધમધમાટ ચાલુ છે. ન્યુઝ ફર્સ્ટના અહેવાલમાં જણાવાયું છે કે, દેશની ટોચની આંગડીયા  પેઢી ઉપર ગત મોડી રાત્રે દેશભરમાં આવેલી શાખાની ૩૭ સ્થળોએ સીબીડીટી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ચૂંટણીપંચની ફલાઈંગ સ્કવોડ પણ સાથે જોડાઈ છે.  લોકસભાની ચૂંટણીમાં મતદારો ઉપર કોઈ પ્રલોભન ન થાય તે માટે દેશનું ચૂંટણીપંચ રોકડ, ભેટ સહિત અનેક બાબતો ઉપર નજર રાખી રહ્યું છે. રોકડ રકમની લેતી-દેતી કરતી પેઢી ઉપર પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યાનું જાણવા મળે છે.

સીબીડીટી દ્વારા ભારતના આંગડીયા માધવ મગન પેઢી ઉપર નાણાકીય વ્યવહારોને કેન્દ્રમાં રાખી તપાસ હાથ ધરી છે.

એવું પણ મનાય છે કે મહેસાણા તરફ ચોક્કસ વર્ગને ફાયદો પહોંચાડાતો હોવાની બાતમીના આધારે પણ કોઈ આકરા પગલા લેવાયા હોઈ શકે. રાજકોટમાં હાલ કોઇ અસર નથી તેમ જાણવા મળે છે.

(12:04 pm IST)