Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

નાગરિક તુગલક રોડ ચૂંટણી કાંડની ચર્ચાઓ કરી રહ્યા છે

આસામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પર તીવ્ર પ્રહારો : કોંગ્રેસી નેતાના બંગલામાંથી થોડાક દિવસમાં સેંકડો કરોડ રૂપિયાની રમત રમાઈ છે : ગરીબોના પૈસાનો દુરુપયોગ

નવી દિલ્હી, તા. ૧૧ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન વેળા પણ પ્રચારનો દોર જારી રાખ્યો હતો. મોદીએ આજે આસામના મંગલદોઈમાં પ્રચાર કરીને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ મધ્યપ્રદેશ અને દિલ્હીમાં આવકવેરા વિભાગના દરોડાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ગરીબો પાસેથી અનાજ આંચકી લેવા માટે ઇચ્છુક છે. મોદીએ કહ્યું હતું કે, હાલના દિવસોમાં દેશમાં તુગલક રોડ ચૂંટણી કૌભાંડની ચર્ચા છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસનું એક નવું કૌભાંડ સપાટી ઉપર આવ્યું છે. દિલ્હીમાં તુગલક રોડ પર એક બંગલામાં એક મોટા કોંગ્રેસી નેતાનું આવાસ છે. થોડાક દિવસમાં સેંકડો કરોડ રૂપિયાનો ખેલ ખેલાયો છે. મોદીએ કહ્યું હતું કે, આ બંગલાથી જે લોકોના કનેક્શન છે તેમની પાસેથી બોરીમાં ભરીને રૂપિયાઓ મળ્યા છે. એકબાજુ ચોકીદાર ચોર હૈ કહીને આ લોકો હોબાળો મચાવી રહ્યા છે. બીજી બાજુ તેમના દ્વારા કરવામાં આવી રહેલી લૂંટનો પર્દાફાશ થઇ રહ્યો છે. આ પૈસા ગરીબ બાળકો અને સગર્ભા મહિલાઓ માટે કેન્દ્ર સરકારે મોકલ્યા હતા પરંતુ કોંગ્રેસના નેતાઓએ ગરીબોના પૈસા પણ આંચકી લીધા હતા અને નામદારોની પાર્ટી ચૂંટણીમાં આ નાણાનો ઉપયોગ કરી રહી છે. આવા લોકોને વોટ આપીને પણ પાપ લાગી શકે છે. તેમણે કહ્યું હતું કે, ખોટા હોબાળા કરીને ચોકીદારને રસ્તા પરથી દૂર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આસામમાં પોતાની કામગીરીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, લોકોના મતના કારણે આસામના દોઢ કરોડ ગરીબ પરિવારોના બેંક ખાતા ખુલી ચુક્યા છે. તેમના મતના કારણે ગરીબ મહિલાઓને ખુલ્લામાં શૌચથી મુક્તિ મળી છે. તેમના મતના લીધે ખેડૂતોના ખાતામાં દર વર્ષે ૧૫૦૦ કરોડ રૂપિયા જમા કરવવાનું કામ થયું છે. અમે ભયભીત થઇને રહીએ કે પછી સુરક્ષા માટે વધુ કઠોર કાર્યવાહી કરતા રહીએ. ત્રાસવાદ અને આતંકવાદ સામે કોઇ બાંધછોડ કરી શકાય નહીં. અમારા વિરોધી દળો નબળી નીતિ આગળ વધારવા માંગે છે પરંતુ મોદી સરકાર આ ચલાવી લેશે નહીં. આસામમાં ઘુસણખોરી જારી રહી હતી અને વિતેલા વર્ષોમાં કોંગ્રેસે લાભ ઉઠાવ્યો હતો. કોંગ્રેસની ઇચ્છા શક્તિ રહી હોત તો આસામથી જમ્મુ કાશ્મીર સુધીની સમસ્યાઓ દૂર થઇ ચુકી હોત. બાંગ્લાદેશની સાથે સરહદી સમજૂતિ અમારી સરકાર દ્વારા કરવામાં આવી છે. અમારી સરકારે જ બ્રહ્મપુત્ર નદી ઉપર પુલ બનાવવાનો નિર્ણય વહેલીતકે કર્યો છે. મોદી ઝંઝાવતી પ્રચારમાં આજે પણ યથાવતરીતે વ્યસ્ત રહ્યા હતા.

(12:00 am IST)