Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ભારતના દરેક ગરીબ વ્યકિતને આવકની ગેરેંટી મળશે : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી

અમે મસુદને પકડી લીધો હતો, આપે છોડી દીધો : રાહુલનો દાવો : કોંગ્રેસ કારોબારીની મિટિંગ બાદ ગાંધીનગરમાં પ્રચંડ રેલીમાં રાહુલના મોદી પર તીવ્ર પ્રહારો : ખેડૂતો, જવાનો, ન્યાયપાલિકા અને રોજગારના મુદ્દા ઉઠાવ્યા

અમદાવાદ,તા. ૧૨ : ગુજરાતમાં કોંગ્રેસની કારોબારીની બેઠક બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ગાંધીનગરમાં પ્રચંડ રેલીને સંબોધી હતી જેમાં રાહુલે ખેડૂતો, જવાનો, ન્યાયપાલિકા અને રોજગારના મુદ્દા ઉપર મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું હતું કે, આ હુમલાના જવાબદાર ત્રાસવાદી મસુદ અઝહરને કોંગ્રેસ સરકારે પકડ્યો હતો પરંતુ ભાજપની સરકારે મસુદ અઝહરને છોડી મુક્યો હતો. મોદી ઉપર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, બે વિચારધારાઓન લડાઈ છે. એક મહાત્મા ગાંધીની અને દેશને કમજોર કરનાર વિચારધારાની લડાઈ છે. ગુજરાતમાં ૫૮ વર્ષો બાદ યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક બાદ અડાલજ ત્રિમંદિર ખાતે લાખોની જનમેદનીને સંબોધતા આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીને લઇ ગુજરાતમાંથી વિધિવત્ રણશિંગુ ફૂંકી દીધુ હતું. રાહુલ ગાંધીએ પહેલો ઘા રાણાનો એ ઉક્તિને સાર્થક કરતાં ચૂંટણીલક્ષી બહુ મોટી અને ઐતિહાસિક જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, જો દેશમાં કોંગ્રેસની સરકાર આવશે તો, દેશના દરેક ગરીબ વ્યકિતને આવકની ગેરેંટી મળશે. લઘુત્તમ ગેરેંટેડ ઇન્કમ હેઠળ ગુજરાત સહિત દેશના દરેક ગરીબ વ્યકિતના ખાતામાં ગેરેંટેડ રકમ જમા થશે. સાથે સાથે કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો, ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ કરવાની ફરી એકવાર રાહુલે ખાતરી ઉચ્ચારી હતી. એટલું જ નહી, રાહુલે કોંગ્રેસની સરકાર આવે તો, દેશની જનતાને ખાસ કરીને નાના વેપારીઓ, દુકાનદારો અને મધ્યમવર્ગના ઉદ્યોગકારો માટે આજના પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ ફરી એકવાર રાફેલ ડીલ, નોટબંધી, જીએસટી સહિતના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ચાબખા વરસાવ્યા હતા અને મોદી સરકારના ઠાલા વચનોની પોલ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ભાષણના પ્રારંભમાં જ કાર્યક્રમના વિલંબ બદલ ગુજરાતની જનતાની દિલથી માફી માંગી હતી. તેમણે જણાવ્યું કે, વર્ષો પછી કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક ગુજરાતમાં યોજાઇ છે. કારણ કે,હિન્દુસ્તાનમાં બે વિચારધારાની લડાઇ છે અને બંને વિચારધારા ગુજરાતમાં પણ છે. એક બાજુ, મહાત્મા ગાંધી કે જેમણે પોતાની પૂરી જીંદગી, જીંદગીની દરેક ક્ષણ આ દેશને બનાવવામાં લગાવી દીધી અને બીજીબાજુ, નફરત, ડર અને તોડજોડની રાજનીતિ. આજે અમે રાષ્ટ્રપિતા ગાંધીજીના આશ્રમમાં હતા. આજે દેશ બન્યો છે તો મહાત્મા ગાંધીજીએ અને ગુજરાતે દેશને બનાવ્યો છે. આજે કેટલાક લોકો દેશને કમજોર બનાવવામાં પડયા છે. ઇતિહાસમાં પહેલીવાર સુપ્રીમકોર્ટના ચાર જજ પ્રેસ પાસે જાય છે અને કહે છે કે, અમને કામ નથી કરવા દેવાતું અને પછી જજ લોહિયાજીનું નામ લે છે. સામાન્ય રીતે, પ્રજા પાસે સુપ્રીમકોર્ટના ચાર જજે ન્યાય માંગવાનો પ્રયાસ કર્યો તે ઘણું બધું કહી જાય છે. ભારતની સંસ્થાઓ પર આક્રમણ ચાલુ છે. લોકોને નફરતમાં વહેંચાઇ રહ્યા છે અને સાચા મુદ્દાઓ પર વાત નથી કરાતી. સૌથી મોટો અને પહેલો મુદ્દો બેરોજગારી છે. આજે મોદી મેક ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયાની વાત કરે છે પરંતુ સાચી વાસ્તવિકતા એ છે કે, દેશના અલગ અલગ પ્રદેશોમાં રોજગાર શોધતા કરોડો યુવાનો ભટકી રહ્યા છે. રોજના ૪૫૦ યુવાનોને પણ મોદી સરકાર રોજગારી આપી શકી નથી. એ પછી બીજો ખેડૂતોનો મુદ્દો છે. ગુજરાતની ચૂંટણીઓમાં અમે વાત કરી હતી. મોદીજી પંદર ઉદ્યોગપતિઓનું સાડા ત્રણ લાખ કરોડનું બેંકોનું દેવું માફ કરે છે પરંતુ ગુજરાતના ખેડૂતોનું એક રૂપિયો દેવું માફ કર્યું નથી. અરૂણ જેટલી કહે છે કે, દેવું માફ કરવાની નીતિ અમારી નથી. દેશમાં આંધી, તુફાન આવે તો પણ આ પંદર લોકોની કંપનીઓને જ થાય છે, ખેડૂતોને વીમા રક્ષણનો લાભ પણ મળતો નથી. રાહુલ ગાંધીએ બહુ મહત્વની ઐતિહાસિક જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, અમે ૨૦૧૯માં ઐતિહાસિક કામ કરવા જઇ રહ્યા છીએ. મોદી સરકાર પંદર ઉદ્યોગપતિઓના સાડા ત્રણ લાખ કરોડ માફ કરી રહી છે, તે માલદારોને પૈસા આપે છે તો કોંગ્રેસ હવે ગરીબો, ખેડૂતો, વેપારીઓ દુકાનદારોને પૈસા આપશે. ગુજરાત સહિત દેશના દરેક ગરીબને ગેરેંટી સાથે કહું છું કે, કોંગ્રેસ સત્તામાં આવશે તો, સમગ્ર દેશમાં દરેક પ્રદેશમાં ગેરેંટેડ મીનીમમ ઇન્કમ સ્કીમ લાગુ કરાશે. સીધા બેંક ખાતામાં જમા કરાવશે. કોંગ્રેસ પાર્ટી જ ઐતિહાસિક કામ કરશે.

કોંગ્રેસ જે કહે છે, તે કરીને બતાવે છે......

વિશ્વસનીયતાની રાહુલે વાત કરી

નવીદિલ્હી, તા. ૨૬ :   રાહુલ ગાંધીએ કોંગ્રેસ પક્ષની વિશ્વસનીયતા મુદ્દે ભારપૂર્વક જણાવ્યું કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં અમે ખેડૂતોનું દેવું માફ કર્યું. અમે જે કહીએ છીએ તે કરીને બતાવીએ છીએ. જો મોદીજી તેમના પંદર ઉદ્યોગપતિઓનું સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા માફ કરી શકે છે, તો કોંગ્રેસ ખેડૂતોનું દેવુ માફ કરી શકે છે. અમે આ ત્રણેય પ્રદેશોમાં દસ જ દિવસમાં ખેડૂતોનું દેવુ માફ કરવાની વાત કરી હતી પરંતુ સત્તામાં આવ્યા બાદ દસ દિવસ પણ નહી માત્ર બે જ દિવસમાં કોંગ્રેસે દેવું માફ કર્યું. મને દુઃખ થાય છે કે, અમે અહીં સત્તામાં નહી આવ્યા હોવાથી ગુજરાતના ખેડૂતોનું દેવુ માફ નથી કરી શકયા.

(8:20 pm IST)