Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

તેજીના મુખ્ય કારણો કયા છે

વિદેશી મૂડીરોકાણકારો પણ ભારે ઉત્સાહિત

મુંબઇ,તા. ૧૨ : શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ હાલમાં જામી ગયો છે. ફાઈનાન્સિયલ અને એનર્જી કાઉન્ટરો ઉપર જોરદાર તેજી અને લેવાલી વચ્ચે શેરબજારમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળી રહ્યો છે. સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જુદા જુદા સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાપસીની આશા વચ્ચે શેરબજારમાં રેકોર્ડ તેજી જોવા મળી રહી છે. સોમવારના દિવસે છ મહિનાની ઉંચી સપાટી રહ્યા બાદ આજે ફરીવાર આવી જ સ્થિતિ રહી હતી. શેરબજારમાં તેજી માટે મુખ્ય ચાર કારણો જવાબદાર છે જે નીચે મુજબ છે.

રૂપિયામાં તેજીનો દોર

ડોલરની સરખામણીમાં રૂપિયો બે મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. રૂપિયામાં આજે સતત ચોથા દિવસે જોરદાર તેજી જામી હતી. શેરબજારની સ્થિરતા વચ્ચે રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતામાં વધારો થયો છે. રૂપિયો ૨૮ પૈસા સુધરીને ૬૯ની સપાટી સુધી પહોંચ્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાપસીની આશા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તામાં વાપસીની આશા ઉજળી બની રહી છે. લોકસભા ચૂંટણી માટે જુદા જુદા કાર્યક્રમો જાહેર થયા બાદ જે ઓપનિયન પોલ આવી રહ્યા છે તે મુજબ મોદી સરકારની વાપસીની આશા ઉજળી બની રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે, ચૂંટણી પહેલા આ તેજી અકબંધ રહેશે

એફઆઈઆઈમાં ઉત્સાહ

ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોનો ઉત્સાહ અકબંધ રહ્યો છે. આ વર્ષે હજુ સુધી ૧૯૭૦૫ કરોડ રૂપિયાનું રોકાણ કરી ચુક્યા છે. વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં ૧૧૭૮૯૯.૭૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. સાથે સાથે ૧૦૦૬૮૦.૧૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. આ રીતે ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં રોકાણનો આંકડો ૧૭૨૧૯.૬૨ કરોડ રહ્યો હતો

એશિયન અર્થવ્યવસ્થાની સારી સ્થિતિ

મજબૂત વૈશ્વિક સંકેતોથી સ્થાનિક બજારોને વેગ મળ્યો છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં વોટિંગથી પહેલા યુરોપિયન કમિશન દ્વારા બ્રેગઝીટ ડિલમાં ફેરફાર પર સહમતિ દર્શાવવાથી એશિયન બજારમાં તેજીનો માહોલ જામ્યો છે

(7:31 pm IST)