Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

રામજન્મભૂમિ વિવાદમાં મધ્યસ્થી માટે વિશેષ વિમાનથી અયોધ્યા પહોંચશે ટીમ

ટીમના આવવા અને મધ્યસ્થીના કાર્યક્રમની માહિતી સાર્વજનિક નહિ કરવામાં આવે.

નવી દિલ્હી :દાયકા જૂના અયોધ્યા કેસમાં કોર્ટે હાલમાં જ મધ્યસ્થી દ્વારા ઉકેલ કાઢવા કહ્યુ છે. એવામાં સુપ્રીમ કોર્ટે આના માટે ત્રણ સભ્યોની ટીમ નિયુક્ત કરી છે. આ ટીમને  વિશેષ વિમાનથી અયોધ્યા પહોંચાડવામાં આવશે અને અહીં વાતચીતથી આ કેસમાં ઉકેલ કાઢવાની કોશિશ કરવામાં આવશે.

  મધ્યસ્થીઓની ટીમની સુવિધા માટે રાજ્ય શાસનના આદેશ પર જિલ્લા પ્રશાસને અયોધ્યા સ્થિત અવધ યુનિવર્સિટી પરિસરમાં મિની સેક્રેટેરિયેટ પણ તૈયાર કરી દીધુ છે. અહીં ટીમને રોકાવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને એક રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આ મધ્યસ્થી માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એફએમઆઈ કલિફૂલા, વરિષ્ઠ વકીલ શ્રીરામ પાંચુ અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરને પસંદ કર્યા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટએ આદેશ આપ્યો છે કે મધ્યસ્થીની બધી વાતચીત ગોપનીય રહેશે. આ અંગે સરકાર અને સ્થાનિક પ્રશાસને પણ તૈયારીઓ કરી લીધી છે. આ ટીમના આવવા અને મધ્યસ્થીના કાર્યક્રમની માહિતી સાર્વજનિક નહિ કરવામાં આવે. આ ટીમ સાથે એક હિંદી અને અંગ્રેજી ટાઈપિસ્ટને નિયુક્ત કરવામાં આવ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે ટીમના અયોધ્યા પહોંચ્યા બાદ તેમને જો કોઈ સ્ટાફ કે કોઈ વધુ જરૂરિયાત હોય તો તે આપવામાં આવશે.

  ટીમના રહેવાની જગ્યાએ સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને અહીં મીડિયાકર્મીઓ સહિત કોઈને જવાની મંજૂરી નથી. સમાચાર છે કે પેનલના આ ત્રણ સભ્યો ત્રણ દિવસ માટે અયોધ્યામાં રહેશે. આ ત્રણ દિવસની વાતચીતના આધારે જ આગળનો કાર્યક્રમ નક્કી કરવામાં આવશે.

(12:33 pm IST)