Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

એર સ્ટ્રાઈક સચોટ રહીઃ મસ્જિદ બચાવી ત્રાસવાદી કેમ્પોનો થયો'તો સફાયો

ભારતીય વાયુદળ અને ઈન્ટેલીજન્સ બ્યુરોનો રીપોર્ટ : સેટેલાઈટ તસ્વીરોને રીપોર્ટમાં સામેલ કરવામાં આવીઃ રીપોર્ટમાં મૃતકોની સંખ્યા અંગે કોઈ બાબત નથીઃ ભારે નુકશાન પહોંચાડયાનો દાવોઃ પાક સૈનિકો કેમ્પ ફરતે સુરક્ષા કરતા'તાઃ તેઓ પણ મર્યા

નવી દિલ્હી, તા. ૧૨ :. ભારતીય વાયુદળે ૨૬ ફેબ્રુઆરીના રોજ જૈશ-એ-મહમદના આતંકી કેમ્પો ઉપર બોમ્બમારો કરી તેને નષ્ટ કરી દીધા હતા. બાલાકોટના જે સ્થળે આ આતંકી કેમ્પ હતા ત્યાં વચ્ચોવચ્ચ એક મસ્જિદ પણ હતી. વાયુદળે એટલી સચોટતાથી પોતાના ટાર્ગેટ હીટ કર્યા હતા કે મસ્જિદને કોઈ નુકશાન નહોતુ થયું. આ વાત સામે આવી છે એક રીપોર્ટથી જેને વાયુદળ અને ગુપ્તચર એજન્સીઓએ તૈયાર કર્યો છે.

આ રીપોર્ટમાં સેટેલાઈટ તસ્વીરોને સામેલ કરવામાં આવ્યા છે. જેનાથી જણાઈ છે કે ભારતીય લડાકુ વિમાનોએ જૈશના એ ટાર્ગેટ નષ્ટ કર્યા હતા જે તેમને મળ્યા હતા, પરંતુ આ રીપોર્ટમાં મૃતકોની સંખ્યા વિશે કશુ કહેવાયુ નથી. રીપોર્ટ અનુસાર જે ટાર્ગેટને નષ્ટ કરવામાં આવ્યા હતા જેમા મસુદ અઝહરનું અતિથિગૃહ, જેમા તેનો ભાઈ અબ્દુલ અને કેટલાક વરિષ્ઠ અધિકારીઓ સામાન્ય કેમ્પ પર આવે તો નિવાસ કરતા હતા. આમા એક હોસ્ટેલ પણ હતી જ્યાં જૈશના આતંકીઓને તાલીમ આપવામાં આવતી હતી. એર સ્ટ્રાઈક એટલી સચોટ હતી કે કેન્દ્રમાં મોજુદ મસ્જિદને કોઈ નુકશાન નહોતુ થયું, કારણ કે ભારત મસ્જિદને તોડવા નહોતુ માંગતું.

એક અધિકારીના કહેવા મુજબ જૈશના આતંકવાદીઓને હથીયારો ચલાવવા અને ટ્રીગરવાળા આઈઈડી બનાવવાની તાલીમ અપાતી હતી. સ્ટ્રાઈકના થોડા દિવસો બાદની સેટેલાઈટ તસ્વીર બતાવે છે કે બે ટાર્ગેટવાળી ઈમારતની મરમ્મત કરવામાં આવી છે. બીજા અધિકારીએ કહ્યુ છે કે પત્રકારોને જૈશના કેમ્પોમાં હજુ સુધી જવા દેવાયા નથી.

રીપોર્ટ અનુસાર લડાકુ વિમાનોએ ૧૬૦ સેકન્ડમાં પોતાની પોઝીશન લીધી હતી, બોમ્બ પાડયા હતા અને પાછા ફરી ગયા હતા. જે ચિત્રો મળ્યા છે તેનાથી જણાય છે કે જ્યાં કેમ્પ ચાલતો હતો, ટ્રેનીંગ દેવાતી હતી ત્યાં સૌથી વધુ નુકશાન થયુ છે.

દરમિયાન અન્ય એક અહેવાલ અનુસાર પાકિસ્તાનનું જુઠાણુ સામે આવ્યુ છે. ઈન્ડીયા ટુડેને કેટલીક ટેપ મળી છે જે સમગ્ર પાકિસ્તાનના જુઠાણાનો પર્દાફાશ કરે છે. એક ટેપમાં મસ્જીદમાંથી મહમદે કહ્યુ હતુ કે હુમલામાં પાકિસ્તાનની સેનાના ૪ થી ૫ લોકો મર્યા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે, કેમ્પ ફરતે પાક સુરક્ષા દળો તૈનાત હતા. એર સ્ટ્રાઈકમાં ભારે નુકશાનની પુષ્ટી થઈ હતી.(૨-૩)

 

(11:39 am IST)