Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

રાજકારણમાં તમે ખરાબ તાકાતો સામે લડવા કે કોઈ સારી ચીજ માટે ઉભા થાવ તો તમારે મરવું પડશે : રાહુલ ગાંધી

સિંગાપુરમાં રાહુલે કહ્યું મારા પિતા રાજીવ ગાંધી અને દાદી ઇન્દિરા ગાંધીની હત્યા એટલા માટે થઇ કારણ કે તેઓ પરિવર્તન ઇચ્છતા હતા

સિંગાપુર: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સિંગાપુરમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તેમણે અને તેમના બહેન પ્રિયંકા ગાંધીએ પોતાના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને માફ કરી દીધા છે. ઘણા વર્ષો સુધી અમે ખૂબ વ્યથિત અને પરેશાન હતા. પરંતુ અમે ખરેખર અમે તેમને માફ કરી દીધા છે.

   રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે મારા પિતા રાજીવ ગાંધી અને દાદી ઇન્દિરા ગાંધીની હત્યા એટલા માટે થઇ કારણ કે તેઓ રાજકારણમાં હતા અને પરિવર્તન ઇચ્છતા હતા. અમારા પરિવારને એ વાતની પહેલેથી શંકા હતી કે મારા પિતા અને દાદીએ પહેલેથી જ કહ્યું હતું કે તેમનું મોત થશે. રાજકારણમાં જ્યારે તમે ખરાબ તાકાતો સામે લડતો છો અને કોઈ સારી ચીજ માટે ઉભા થાવ છો તો તમારે મરવુ પડશે.

   રાહુલ ગાંધીએ કહ્યુ કે વર્ષ 2009માં જ્યારે એલટીટીઇના પ્રભાકરનનું શબ ટીવી પર જોયુ તો મારા મનમાં બે વિચાર આવ્યા. એક તો કે શું એ લોકો આ વ્યક્તિનું આવી રીતે અપમાન કરી રહ્યાં છે અને બીજો ખ્યાલ આવ્યો કે મને પ્રભાકરનના પરિવાર અને તેના બાળકો માટે આ ખૂબ ખરાબ લાગી રહ્યુ હતું. હું ખૂબ ઉંડાણપૂર્વક સમજુ છું કે તે જગ્યાએ હોવાનો શું અર્થ થાય છે.

   રાહુલ ગાંધીએ કહ્યું કે મેં મારી બહેન (પ્રિયંકા ગાંધી) ને ફોન કરી કહ્યુ કે તેણે (પ્રભાકરને) મારા પિતાને માર્યા હતા, મારે ખુશ થવુ જોઈએ કે તે મરી ગયો. પરંતુ હું ખુશ કેમ નથી? ત્યારે પ્રિયંકા ગાંધીએ પણ વળતા જવાબમાં કહ્યું કે હું પણ તારા જેવો જ અનુભવ કરી રહી છું.

(12:00 am IST)