Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

મુંબઈમાં ઉમટ્યા ૪૦,૦૦૦ ખેડૂતો ઠેર-ઠેર ટ્રાફીકજામના દ્રશ્યો

નાસિકથી નીકળેલી ખેડૂતોની પદયાત્રા મુંબઈમાં: સવારથી આઝાદ મેદાનમાં પડાવઃ બપોરે મુખ્યમંત્રીને મળશે પ્રતિનિધિ મંડળઃ સાનુકુળ ઉકેલની આશાઃ ખેડૂતોને શિવસેના, મનસેનું સમર્થનઃ દેવામાફી અને વિજળીમાં રાહતની ખેડૂતોની માંગણીઃ મહામોરચાને નિયંત્રીત કરવા ૪૫૦૦૦ પોલીસ તૈનાત

મુંબઈ, તા. ૧૨ :. અખિલ ભારતીય કિસાન સભાના નેતૃત્વમાં નાસિકથી નિકળેલા આક્રોશિત ખેડૂતોનો વિરાટ મોરચો હવે મુંબઈના આઝાદ મેદાનમાં પહોંચી ગયો છે. સંપૂર્ણ દેવામાફીની માંગણી લઈને ૪૦,૦૦૦ જેટલા ખેડૂતો ૨૦૦ કિ.મી.ની પદયાત્રા કરીમુંબઈ પહોંચ્યા છે. અત્યાર સુધી સરકારે ખેડૂતોની માંગણી ઉપર ધ્યાન નથી આપ્યું. માંગણીઓ ઉપર વિચારણા માટે એક કમિટી બનાવવામાં આવી છે છતા કોઈ નિવેડો આવ્યો નથી. આજે બપોરે ખેડૂતો મુખ્યમંત્રી ફડણવીશને મળવાના છે જે પછી ખેડૂતો ભાવિ નિર્ણય લેશે.

 

૬ઠ્ઠી માર્ચે નાસિકથી નિકળેલા ખેડૂતો મુંબઈ પહોંચ્યા ત્યાં સુધીમાં તેઓની સંખ્યા ૪૦,૦૦૦ની થઈ ગઈ હતી. થાણે પહોંચતા શિવસેનાના નેતા અને સરકારના મંત્રીએ પણ તેઓની મુલાકાત લઈ સમર્થન આપ્યુ હતું, ત્યાંથી ખેડૂતો આગળ વધી રાત્રે ઐતિહાસિક આઝાદ મેદાન પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યુ છે કે, સરકાર તેઓના મુદ્દાઓ ઉકેલશે. અમારૂ મન ખુલ્લુ છે.

 

ખેડૂતોની માંગણી છે કે, સંપૂર્ણ દેવામાફી થાય. વિજળી બીલમાં પણ છૂટ આપવામાં આવે. પાકના યોગ્ય ભાવ નહિ મળતા પણ ખેડૂતો નારાજ છે. ખેડૂતો સ્વામીનાથન પંચની ભલામણો લાગુ કરવાની માગણી કરી રહ્યા છે.

ખેડૂતોનો અગાઉ કાર્યક્રમ હતો કે વિધાનસભા પહોંચી દેખાવો કરવા પરંતુ આજે બાળકોની પરીક્ષાને જોતા મોડેથી ઘેરાવ કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. ખેડૂતોના મોરચાને નિયંત્રીત કરવા માટે ૪૫૦૦૦ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આજે પોલીસે ટ્રાફીકને પણ ઠેર ઠેર ડાયવર્ટ કર્યો છે.

૧૨૦૦૦ ખેડૂતો સાથે આ યાત્રા શરૂ થઈ હતી અને તે ૪૦,૦૦૦ સુધી પહોંચી છે. યાત્રા દરમ્યાન ખેડૂતોનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું. પાંચ દિવસ યાત્રા કર્યા બાદ મુંબઈ પહોંચ્યા છે.(૨-૪)

(11:35 am IST)