Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ગ્રાહક બનશે રાજાઃ ફરીયાદ નોંધવા સરકાર આવશે તમારે દ્વાર

બેન્ક મિત્રની જેમ ઉપભોકતા પ્રતિનિધિની નિમણૂક કરશે સરકારઃ મધ્યસ્થતા થકી ગ્રાહક-કંપની વચ્ચેના વિવાદનો ઉકેલ લાવશેઃ ગ્રાહકને કાનૂની દાવપેચથી બચાવાશેઃ ઈ-કોમર્સ, બેન્કીંગ, એરલાયન્સ, ટેલીકોમ, વિમા, ઈલેકટ્રોનીકસ, પેટ્રોલ-ડીઝલ, દવા, તોલમાપ વગેરેની ફરીયાદો નોંધાશેઃ ગ્રાહકે માત્ર ટોલ ફ્રી નંબર ઉપર કરવાનો મિસ્ડ કોલ

નવી દિલ્હી, તા. ૧૨ :. તમારી ફરીયાદ નોંધવા માટે હવે સરકાર તમારી પાસે આવશે. આ માટે તમારે માત્ર ૧ ટોલ ફ્રી નંબર ઉપર મિસ્ડ કોલ કરવાનો રહેશે અને પ્રતિનિધિ નક્કી કરેલા સમયમાં તમારા ઘરે પહોંચી ફરીયાદ નોંધી અને તેને હલ કરવાનો પ્રયાસ કરશે કે જેથી કંપનીઓના કાનૂની દાવપેચથી પહેલા જ ગ્રાહકોની ફરીયાદો મધ્યસ્થતાથી ઉકેલી શકાય.

ગ્રાહકોની વધતી ફરીયાદો દૂર કરવા માટે સરકાર હવે દરેક જિલ્લામાં ઓછામાં ઓછા એક ઉપભોકતા પ્રતિનિધિ નિયુકત કરવાની તૈયારી કરી રહી છે કે જેથી ગ્રાહક અદાલતના કાનૂની દાવપેચ પહેલા જ મધ્યસ્થતા થકી ફરીયાદોનો નિકાલ લાવી શકાય. આ માટે સરકાર કંપનીઓ ઉપર દબાણ લાવવા માટે પણ પહેલ કરી રહી છે.

ગ્રાહક મંત્રાલયના એક વરીષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે બેંક મિત્રની જેમ જ ઉપભોકતા પ્રતિનિધિ નિયુકત કરવામાં આવશે. આ બધા ઉપભોકતા પ્રતિનિધિઓને એક ડીવાઈસ આપવામાં આવશે જેના થકી તેઓ તરત જ ગ્રાહકોની ફરીયાદ નોંધી શકશે. સાથોસાથ તેઓ સંબંધીત કંપનીઓ સાથે મધ્યસ્થતા કરી ફરીયાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.

કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પાસવાને આ અંગે બુધવારે એક બેઠક બોલાવી છે કે જેથી આ યોજના વહેલી તકે લાગુ થઈ શકે. આ સમગ્ર કવાયતનો હેતુ કાનૂની દાવપેચમા ગુચવવાને બદલે વાતચીત થકી ગ્રાહકોની ફરીયાદોનો ઉકેલ લાવવાનો છે. મંત્રાલયનું કહેવુ છે કે લગભગ બધી કંપનીઓ પાસે વકીલોની એક ટીમ હોય છે. એવામા ફરીયાદ નોંધાવનાર ગ્રાહકને તેઓ કાનૂની દાવપેચમાં ફસાવી દયે છે. મંત્રાલય ઈચ્છે છે કે, પ્રતિનિધિ મધ્યસ્થતા થકી કોઈ ઉકેલ લાવે આ  માટે પ્રતિનિધિને નક્કી કરેલી રકમ સુધીના કેસનો નિપટારો લાવવાનો અધિકાર પણ આપવામાં આવશે.

ઈ-કોમર્સ, બેન્કીંગ, એરલાયન્સ, ટેલીકોમ, વિમા, ઈલેકટ્રોનીકસ, પેટ્રોલ-ડીઝલ, દવા, તોલમાપ વગેરેની ફરીયાદો નોંધાશે. આમા ગ્રાહકે માત્ર ટોલ ફ્રી ઉપર મિસ્ડકોલ કરવાનો રહેશે. ગયા વર્ષે ગ્રાહકો દ્વારા ૩૧૦૨૦૨ ફરીયાદો કરવામાં આવી હતી. જ્યારે તેના અગાઉના વર્ષે ૨૯૪૦૬૯ ફરીયાદો નોંધવામાં આવી હતી.(૨-૨)

(10:27 am IST)