Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

૧૭૦૦થી વધુ સાંસદો - ધારાસભ્યો સામે ૩૦૪૫ જેટલા કેસ

કેન્દ્ર સરકારનો સુપ્રિમ કોર્ટ સમક્ષ ખુલાસોઃ સૌથી વધુ કેસ યુપીમાં: ૨૪૮ જનપ્રતિનિધિઓ કરી રહ્યા છે ટ્રાયલનો સામનોઃ યુપી બાદ તામિલનાડુ, બિહાર અને પ.બંગાળમાં દાગી જનપ્રતિનિધિઓઃ આંધ્ર, કેરળ, તેલંગણાના ૧૦૦ જેટલા સાંસદો - ધારાસભ્યો સામે કેસઃ છેલ્લા ત્રણ વર્ષમાં ૭૭૧ કેસમાં જ ચૂકાદા આવ્યા

નવી દિલ્હી તા. ૧૨ : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને સોંપેલા એક સોગંધનામામાં જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં ૧૭૦૦થી વધુ વર્તમાન સાંસદો અને ધારાસભ્યો સામે લગભગ ૩,૦૪૫ ફોજદારી કેસ પડતર છે. તેમાં સૌથી ઉપરના સ્થાને ઉત્ત્।ર પ્રદેશ છે, અહીના ૨૪૮ સાંસદો અને ધારાસભ્યો સામે કેસ ચાલી રહ્યા છે. તે પછી તમિળનાડુ, બિહાર અને પશ્વિમ બંગાળનો નંબર આવે છે.

સુપ્રીમ કોર્ટમાં સોંપવામાં આવેલાં સોગંદનામામાં જણાવ્યા મુજબ, તામિલનાડુના ૧૭૮, બિહારના ૧૪૪ અને પશ્યિમ બંગાળના ૧૩૯ પ્રતિનિધિ હાલમાં અદાલતનાં ચક્કર કાપી રહ્યા છે. દક્ષિણનાં રાજયોમાં આંધ્ર પ્રદેશ, કેરળ અને તેલંગણાની સ્થિતિ પણ સારી નથી. અહીં અંદાજે ૧૦૦ જનપ્રતિનિધિ અદાલતમાં કેસોનો સામનો કરી રહ્યા છે. સુપ્રીમને સોંપવામાં આવેલાં સોગંદનામામાં જણાવ્યા મુજબ ૨૦૧૪ થી ૨૦૧૭ વચ્ચે ૧૭૬૫ જેટલા સાંસદ-વિધાનસભ્યો ૩૮૧૬ જેટલા ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે. દેશભરની હાઈકોર્ટ પાસેથી પાંચ માર્ચના રોજ માહિતી મગાવીને આ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે.

અત્રે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટ હાલમાં ભાજપ નેતા અશ્વિન ઉપાધ્યાય દ્વારા દાખલ એક જાહેરહિતની સુનાવણી હાથ ધરી રહી છે. ભાજપ નેતાએ દોષિત લોક પ્રતિનિધિઓ સામે ચૂંટણી લડવા સામે આજીવન પ્રતિબંધ લાદવાની માગણી કરી છે.

ખાસ વાત એ છેકે ૩૮૧૬ પૈકી વર્ષભરમાં માત્ર ૧૨૫ કેસમાં ચુકાદો આવ્યો છે. બાકીના કેસ હજી અદાલતમાં ચાલે છે. સુપ્રીમ કોર્ટે આમ તો વર્ષ ૨૦૧૪માં જ જનપ્રતિનિધિઓ સામે ચાલી રહેલા કેસનો ઉકેલ એક વર્ષમાં લાવવા ફરમાવ્યું હતું, પરંતુ તેવું થઈ શકયું નથી. સ્પષ્ટતા થઈ છે કે નીચલી અદાલતો જ સુપ્રીમ કોર્ટનાં ફરમાનની અવગણના કરી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર ૭૭૧ કેસમાં જ ચુકાદા આવી શકયા છે. જયારે હજી ૩૦૪૫ કેસ બાકી છે જેના પર હજી સુનાવણી થવાની બાકી છે.

(10:25 am IST)