Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

સાંસ્કૃતિક નગરીમાં ફરી ઐતિહાસિક ઘડી : નાદેસર પેલેસમાં સોનાની થાળીમાં વડાપ્રધાન મોદી અને મેક્રોન કરશે લંચ

કાશીની કલા-સંગીત, ધાર્મિક પરંપરાના વિવિધ કાર્યક્રમ : નાદેસર પેલેસને નવો આકાર આપી સજાવાયો : આગમનને વધાવવા વારાણસીવાસીઓ આતુર

વારાણસી : સાંસ્કૃતિક નગરી વારાણસી ફરીવાર ઐતિહાસિક ઘડીનું સાક્ષી બનાવ જઈ રહયું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોના આગમનના કારણે વારાણસી ફરી એકવાર બે રાષ્ટ્રધ્યક્ષ અને કેટલાક ઐતિહાસિક નિર્ણયની સાક્ષી બનવા જઈ રહ્યું છે. પીએમ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં માટે નાદેસર પેલેસમાં ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અહીં બન્ને ઇન્ડો-ફ્રેન્ચ ફોરમનું પણ સંબોધન કરશે.
એક અહેવાલ મુજબ 12 માર્ચના દિવસે પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં કાશીની કલા-સંગીત, ધાર્મિક પરંપરાના વિવિધ કાર્યક્રમ પછી નાદેસર પેલેસમાં નરેન્દ્ર મોદી સાથે લંચ કરશે. આ પેલેસને 18મી સદીના અંતમાં મહારાજા બનારસે જેમ્સ પ્રિન્સેપના કહેવાથી મહેમાનો માટે બનાવડાવ્યું હતું. તે સમયે જેમ્સ પ્રિન્સેપ વારાણસીના પ્રાચીન ઈતિહાસ પર કામ કરી રહ્યાં હતાં.
   વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિની વારાણસી યાત્રા યાદગાર બનાવવા માટે નાદેસર પેલેસને સજાવાયો છે. જ્યાં પેલેસમાં સ્વિમિંગ પૂલ, બગીચા અને બહારના ભાગને વિશેષ રીતે સજાવાયો છે. આ ઉપરાંત ઇન્ટિરિયરને પણ નવો આકાર અપાયો છે.
   નક્કી કરેલા પ્રોટોકોલ અનુસાર નાદેસર પેલેસ પહોંચવા માટે કારમાંથી ઉતર્યા પછી વડાપ્રધાન મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ રેડ કાર્પેટ પર પહોંચશે. જ્યાં તેમના પર પુષ્પવર્ષા કરવામાં આવશે. આ પછી પેલેસના હોલમાં બન્ને નેતા આકર્ષક ટેબલ પર સોનાની થાળીમાં રાજાશાહી અંદાજમાં લંચ કરશે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને અનેક બનારસી વાનગીઓ પણ પીરસવામાં આવશે.
  અત્રે નોંધનીય છે કે રાજસી ઠાઠ ધરાવતાં નાદેસર પેલેસમાં 2014માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સર્વેસર્વા મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીના જન્મ દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 2015માં શિંજો આબે પણ આ જ પેલેસમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ વિશિષ્ટ મહેમાનો ઉપરાંત માઉન્ટ બેટનથી લઈને ઈરાન, સાઉદી, અરબ, નેપાલ અને ભૂતાનના રાજા, તિબેટના ધર્મગુરૂ અને પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ પણ અહીંની મહેમાનગતી માણી ચૂક્યાં છે.

(12:00 am IST)