Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

કૌશલ્ય છે? ટેલન્ટ છે? બ્રિટન તમને આવકારવા લાલ જાજમ બિછાવવા તૈયારઃ વ્યાપાર – શિક્ષણ – સાંસ્કૃતિક – કૃષિ - ફાયનાન્સમાં સહયોગની ઓફર

બ્રિટનનાં ડેપ્યુટી હાઇ કમીશ્નર (ગુજરાત અને રાજસ્થાન) પીટર કુક 'અકિલા' કાર્યાલયની મુલાકાતેઃ ભારત-બ્રિટન સંબંધો, ટ્રેડ-ઇકોનોમી, ત્રાસવાદ-NRI-ગુજરાતી પ્રજા-વીઝા પોલીસી-સહિતની બાબતો અંગે કિરીટભાઇ ગણાત્રા તથા નિમીષભાઇ ગણાત્રા સાથે લંબાણપૂર્વક ચર્ચાઃ બ્રિટનના આર્થિક વિકાસમાં ગુજરાતી ઉદ્યોગપતિઓનો સિંહફાળો છેઃ બ્રિટીશ કેબિનેટમાં પણ પ્રવાસી ભારતીયોનો સમાવેશઃ ગુજરાત અને બ્રિટન વચ્ચે સહકારની અનેક તકોઃ યુવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે બ્રિટનના દરવાજા ખુલ્લા છેઃ રાજકોટમાં વર્લ્ડ કલાસની કંપનીઓ અસ્તિત્વમાં છેઃ પાર્ટનરશીપની વિપુલ તકોઃ શહેરની પ્રગતિથી બ્રિટન પ્રભાવિતઃ અરસપરસ વ્યાપક સહકાર સાધી શકે છેઃ ઉદ્યોગો સાથે બેઠકો યોજી

પધારો મોંઘેરા મહેમાન પધારો.. આપનું હૃદયપૂર્વક સ્વાગત છેઃ રાજકોટની પોતાની મુલાકાત દરમિયાન અકિલા કાર્યાલય ખાતે પધારેલા ડેપ્યુટી હાઈકમિશ્નર પીટર કુક લેન્ડરોવર ગાડીમાંથી દબદબાભેર ઉતરી અભિવાદનનો સ્વીકાર કર્યો હતો તે પ્રથમ તસ્વીરમાં નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં અકિલાની વેબ એડીશનની વિગતો શ્રી નિમિષભાઈ ગણાત્રા પાસેથી મેળવતા પીટર કુક દેખાય છે. તે પછીની તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે લાક્ષણિક અદામાં ચર્ચા કરતા ડેપ્યુટી હાઈકમિશ્નર પીટર કુક નજરે પડે છે. તે પછી તેમણે શ્રી કિરીટભાઈ ગણાત્રા અને શ્રી નિમિષભાઈ ગણાત્રા સાથે વિવિધ વિષયો ઉપર અકિલાના કોન્ફરન્સ રૂમમા ચર્ચા કરી હતી તે તસ્વીરમાં દેખાય છે. તસ્વીરમાં અકિલા પરિવારના શૈલેષ દવે પણ નજરે પડે છે. અંતિમ તસ્વીરમાં તેમને વિદાય આપવામાં આવી હતી તે નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧ર :.. બ્રિટીશ વડાપ્રધાન બોરીસ જોન્સનના નેતૃત્વ હેઠળની સરકાર ભારત અને ગુજરાત વચ્ચે આર્થિક-સામાજીક-સાંસ્કૃતિક-શૈક્ષણીક સહિતના ક્ષેત્રે સહકાર  સાધવા માટે તત્પર છે. બંને દેશો વચ્ચેના સંબંધો 'રિ-બિલ્ડ' થાય 'રિ-કનેકટ' થાય એ માટે દેશભરમાં આવેલી બ્રિટીશ કચેરીઓ અને તેના ઉચ્ચ અધિકારીઓ હાલ સંપર્ક અભિયાન ચલાવી રહ્યા છે. આ સંપર્ક અભિયાન અંતર્ગત અમદાવાદ સ્થિત બ્રિટીશ ડેપ્યુટી હાઇ કમીશન પીટર કુક કે જેઓ ગુજરાત અને રાજસ્થાનનો હવાલો સંભાળી રહ્યા છે. તેઓ હાલ રાજકોટની મુલાકાતે આવ્યા છે. પોતાની રાજકોટ મુલાકાત દરમ્યાન ડે.હાઇ કમીશ્નર પીટર કુક ગઇકાલે સાંજે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા જે દરમ્યાન તેમણે 'અકિલા' ના મોભી કિરીટભાઇ ગણાત્રા તથા વેબએડીશનનાં એડીટર નીમિશભાઇ ગણાત્રા સાથે ભારત, બ્રિટન સંબંધો, બંને દેશો વચ્ચે વ્યાપારની તકો, આવી રહેલી નવી વિઝા પોલીસી, વૈશ્વીક ઇકોનોમી, ત્રાસવાદ, કોરોના વાયરસ, ગુજરાત, ગુજરાતી લોકો, કલાયમેટ ચેંજ, શિક્ષણ કૃષિ, સાંસ્કૃતિક સહિતની બાબતો અંગે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. 'અકિલા' અખબાર પ્રગતિ, તેની સ્વદેશી પ્રણાલી, વેબ આવૃતિ સહિતની વિગતો જાણી અત્યંત પ્રભાવિત થયા હતાં અને 'અકિલા' સાંધ્ય દૈનિકને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી. અખબારોએ કેવી રીતે તલવારની ધાર ઉપર ચાલવાનું હોય છે તથા સત્ય માટે કઇ રીતે લડત લડવી પડે છે તે અંગે પોતાના અનેરા વિચારો પણ પ્રગટ કર્યા હતાં.

પોતાની રાજકોટની મુલાકાત દરમ્યાન ખાસ સમય ફાળવી 'અકિલા' કાર્યાલય ખાતે પધારેલા બ્રિટનના ડે. હાઇ કમીશ્નરનું ગાંધીજીને જે પ્રિય હતી તે સુતરની આંટીથી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાની આગતા સ્વાગતથી ગદગદ થયેલા બ્રિટનના આ ઉચ્ચ અધિકારીએ કહયું હતું કે હવે હું જયારે પણ રાજકોટ આવીશ તો હું ફરી 'અકિલા' કાર્યાલયની મુલાકાતે આવીશ. બ્રિટનમાં 'અકિલા'ની વેબ એડીશન ખુબ જ લોકપ્રિય છે એ જાણી તેમણે ખુશી વ્યકત કરી હતી. લેસ્ટર-માંચેસ્ટર સહિતના શહેરોમાં ગુજરાતીઓ-સૌરાષ્ટ્રવાસીઓની નોંધપાત્ર હાજરી હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહયું હતું કે, અમારે ત્યાં એક સૌરાષ્ટ્ર રેસ્ટોરન્ટ પણ આવેલ છે જે દર્શાવે છે કે બંને દેશો વચ્ચે કેટલા ગાઢ સંબંધો છે.

ગુજરાત અને રાજસ્થાનનો હવાલો સંભાળતા બ્રિટીશ ડે. હાઇકમીશ્નર પીટર કુક કે જેમનો જન્મ ૧૯૬૩ માં કોલકતામાં થયો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારત અને બ્રિટનના સંબંધો વધુ ગાઢ અને વ્યાપક બને  તથા બંને દેશો વચ્ચે વેપાર-ઉદ્યોગના સંબંધો વધે તે માટે અમારી સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. અને તેના ભાગરૂપે અમે વિવિધ શહેરો, કંપનીઓ, ઉદ્યોગપતિઓ, વ્યાપારી સંગઠનો શૈક્ષણીક સંસ્થાઓની મુલાકાતે જઇ રહ્યા છીએ તેના ભાગરૂપે હું રાજકોટ આવ્યો છું અહીં મે અનેક ઉદ્યોગો નિહાળ્યા, ઉદ્યોગપતિઓ સાથે બેઠકો યોજી છે. આ દરમ્યાન મેં જાણ્યું કે રાજકોટમાં કેટલીક વર્લ્ડ કલાસ કંપનીઓ છે, અદ્યતન ટેકનોલોજી અપનાવી રહ્યું છે, અનેક પ્રોડકટ એવી છે જે ધુમ મચાવે તેવી છે. અમારે એટલે બ્રિટને ગુજરાત-રાજકોટ સાથે બીઝનેસ રિલેશન સ્થાપવા છે જે માટે ઘણી તકો રહેલી છે. રાજકોટની અનેક કંપનીઓમાં અમને રસ છે. અમે ઇચ્છીએ છીએ કે આ કંપનીઓ બ્રિટનમાં આવે અને ત્યાં રોકાણ કરે. વિકાસની ઘણી જ તકો રહેલી છે. આ પ્રકારના આદાન પ્રદાનથી બંને દેશોને ભરપુર લાભ થશે.

બ્રિટનના ડે. હાઇકમીશ્નર પીટર કુકે કહયું હતું કે, બ્રેકઝીટથી અલગ પડયા બાદ હવે આ સપ્તાહે જ બ્રિટન નવી વીઝા પોલીસી જાહેર કરી રહ્યું છે જે અંતર્ગત કૌશલ્ય પ્રાપ્ત (સ્કીલ્ડ) લોકો માટે બ્રિટન પોતાના દરવાજા ખોલશે. ભારત સહિતના દેશોના કૌશલ્ય ધરાવતી વ્યકિત બ્રિટન આવીને રહી શકશે, કામ કરી શકશે. વિશ્વભરના ટેલન્ટો માટે બ્રિટન લાલ જાજમ પાથરશે. જેનાથી દેશની અર્થ વ્યવસ્થાને અને દેશને ફાયદો થશે. નવી સરકાર સ્ટીલ, ટેકનોલોજી અને ઇનોવેશન ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, પોઇન્ટ બેઇઝડ સીસ્ટમ પણ અમલી બનશે. જે લોકો 'આઉટ સ્ટેન્ડીંગ' શૈક્ષણીક કારકીર્દી ધરાવતા હશે તેમને વધુ પોઇન્ટ અપાશે. આના કારણે આગામી દિવસોમાં તમને બ્રિટનમાં ટોચના ડોકટરો, વૈજ્ઞાનિકો, એન્જીનીયરો જોવા મળશે. જો કેર અને કન્સ્ટ્રકશન સેકટરમાં લો-સ્કીલ્ડ વર્કર્સની અછત વર્તાશે તો અમે ટૂંકાગાળાના વીઝા પણ આપીશું. એક સવાલના જવાબમાં તેમણે કહયું હતું કે ભારતથી - ગુજરાતથી બ્રિટન જનારા વિદ્યાર્થીઓનો ગ્રોથ રેટ ઘણો ઉંચો રહેલો છે.

એક સવાલના જવાબમાં ડે. હાઇ કમીશ્નર પીટર કુકે જણાવ્યું હતું કે, બ્રિટનની સરકાર હાલ તુરત ૩ સેકટરને પ્રાધાન્ય આપી રહી છે અને તેમાં સહકાર સાધવા માંગે છે જેમાં કૃષિ ટેકનોલોજી, ફાયનાન્સીયલ ટેકનોલોજી અને કલાઇમેટ ચેન્જ ક્ષેત્રે, પર્યાવરણની સુરક્ષા માટે પ્રાધાન્ય છે આ માટે ડીસેમ્બરમાં ગ્લોબલ કોન્ફરન્સ પણ યોજાઇ રહી છે. બ્રિટને પર્યાવરણની રક્ષા માટે તાજેતરમાં અમદાવાદ મ્યુ. કોર્પો. સાથે કરાર કર્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત અને બ્રિટન વચ્ચે તમામ ક્ષેત્રે સહકારની વિપુલ તકો રહેલી છે. અમે ઇચ્છીએ છીએ કે અમે વધુને વધુ સ્કોલરશીપ આપીએ કે જેથી ગુજરાતનો ટેલન્ટ વિદ્યાર્થી બ્રિટનની ટોચની યુનિ.માં શિક્ષણ લ્યે અને તેનું ભવિષ્ય બનાવે.  અમે યુવા પેઢીને હિમાલયના શિખરે લઇ જવા માંગીએ છીએ. ધાર્મિક-શિક્ષણ-રમત ગમત ક્ષેત્રે પણ સહયોગ થઇ શકે છે. અમે ગુજરાતને સમૃધ્ધ જોવા માંગીએ છીએ અને તેથી જ દર વાયબ્રન્ટ ગુજરાતમાં અમારી હાજરી હોય છે. ગુજરાત સમૃધ્ધ હશે તો ભારત સમૃધ્ધ થશે.

ત્રાસવાદ સામેની લડત માટે બ્રિટન વિશ્વ સમુદાયની સાથે જ હોવાનું જણાવતાં તેમણે કહયું હતું કે, ત્રાસવાદને કોઇ જ સ્વરૂપમાં ચલાવી ન લેવાય. કાયદો કોઇ હાથમાં લઇ શકે નહિં. કોઇ કટ્ટરપંથી ફરી બેઠો ન થાય તે માટે સરકાર પ્રયત્નશીલ હોય છે. હિંસાને કોઇ સ્થાન નથી. શાંતિ પૂર્વક દેખાવો થાય તો અમારી સરકાર આડે આવતી નથી પણ જો હિંસા થાય તો સરકાર આકરા પગલા લ્યે છે.

એક સવાલના જવાબમાં તેમણે કહયું હતું કે, હાલ કોરોના વાયરસ ઉપાડો લઇ રહ્યો છે. બીજા દેશની જેમ બ્રિટનની અર્થ વ્યવસ્થાને પણ તે ડંખ મારી રહ્યો છે. અમે તકેદારીના તમામ પગલા લઇ રહ્યા છીએ. આ રોગની વેકસીન બનાવવા અમારા વૈજ્ઞાનિકો દિવસ-રાત એક કરી રહ્યા છે.

રાજકુમાર કોલેજથી બ્રિટનના ડે. હાઇકમીશ્નર ભારે પ્રભાવિત

રાજકોટ : રાજકોટની મુલાકાતે આવેલા બ્રિટનના ડે. હાઇકમીશ્નર પીટર કુકે જણાવ્યું હતું કે, મેં મારી રાજકોટ યાત્રા દરમ્યાન અંગ્રેજોના વખતથી ચાલી આવતી પ્રતિષ્ઠીત રાજકુમાર કોલેજની મુલાકાત લીધી હતીઃ આ કોલેજ, તેની સુવિધા, તેના વિદ્યાર્થીઓ, ત્યાંનું વાતાવરણ વગેરે નિહાળી હું ખુબ પ્રભાવિત થયો હતો. આ કોલેજના વિદ્યાર્થીઓ આત્મ વિશ્વાસ અને તરવરાટથી છલોછલ હતાં: બ્રિટનમાં હું હોઉં તેવું મને લાગ્યું હતું: નીમિષભાઇ ગણાત્રાએ પણ ત્યાં અભ્યાસ કર્યો હોવાનું જાણી તેમણે પ્રસન્નતા વ્યકત કરી હતી.

હવાનું પ્રદુષણ ઘટાડવું જ પડશેઃ ઇલેકટ્રીક વાહનને પ્રાધાન્ય આપવુ પડશેઃ સાયકલ ચલાવવી જ પડશે

બ્રિટીશ ડે. હાઇકમીશ્નર પીટર કુકે કહયું હતું કે હવાના પ્રદુષણે મહાનગરોનો ભરડો લીધો છે ત્યારે આપણે પર્યાવરણ પ્રત્યે જાગૃત થવું જ પડશેઃ હવાનું પ્રદુષણ ગમે તેમ કરીને ઘટાડવુ જ પડશેઃ આપણે ધુમાડો ઓકતા વાહનો છોડી ઇલેકટ્રીક વાહન તરફ આવવું પડશેઃ સાયકલ ચલાવવી જ પડશેઃ બ્રિટન આ બધી બાબતો માટે ઘણુ ગંભીર છે.

રાજકોટ વિશ્વનું સૌથી ઝડપથી આગળ વધતું સાતમુ શહેર છે

રાજકોટ : પીટર કુકે જણાવ્યું હતું કે ઓકસફર્ડ ઇકોનોમિક દ્વારા થયેલા એક અભ્યાસમાં એવું જણાયું છે કે રાજકોટ વિશ્વનું એવું ૭મું શહેર છે જે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છેઃ તેથી બ્રિટનને મજબુત મિત્રતા બાંધવી છે.

સૌરાષ્ટ્ર અને ગુજરાતના MSME સાથે  પાર્ટનર શીપ માટે બ્રિટન ઇચ્છુક છેઃ જો રાજકોટના સ્થાનિક સત્તાધીશો ઇચ્છશે તો રીન્યુએબલ એનર્જી, વેસ્ટ મેનેજમેન્ટ સહિતના ક્ષેત્રે ભાગીદારી કરવા બ્રિટન તૈયાર છે.

(10:56 am IST)