Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

તમિલનાડુની સરકાર BPL પરિવારોને રૂ. 2,000ની વિશેષ સહાય આપશે :60 લાખ પરિવારોને મળશે લાભ :1200 કરોડનો થશે ખર્ચ

 

ચેન્નાઇ :તમિલનાડુના મુખ્યમંત્રી ઇકે પલાનીસ્વામીએ ગાજા ચક્રવાત, દુકાળ અને ઓછા વરસાદથી પ્રભાવિત થયેલા ગરીબી રેખાથી નીચે રહેનાર (બીપીએલ) 60 લાખ પરિવાર માટે બે-બે હજાર રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી છે.

  વિધાનસભામાં તેની જાહેરાત કરતાં પલાનીસ્વામીએ કહ્યું કે વિભિન્ન જિલ્લામાં ગરીબ લોકો ગાજા ચક્રવાત, ઓછા વરસાદ અને દુકાળથી પ્રભાવિત થયા છે. તેને સંજ્ઞાન લેતાં સરકારે વિશેષ સહયોગ તરીકે ગરીબ પરિવારોને બે-બે હજાર રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે તેના માટે 1200 કરોડ રૂપિયા ખર્ચ થશે.

પલાનીસ્વામીએ કહ્યું કે ગામડાઓમાં 35 લાખ પરિવારો અને શહેરોના 25 લાખ પરિવારોને તેનો લાભ મળશે. તેમના અનુસાર આર્થિક સહયોગ ખાસકરીને ખેડૂતો, માછીમારો, ફટાકડા બનાવનાર એકમો, વણકરો, ઝાડ પર ચઢનારાઓ અને અન્યને ખૂબ રાહત પહોંચશે.

 પીએમકેના સંસ્થાપક એસ. રામદાસે પલાનીસ્વામીની જાહેરાતનું સ્વાગત કરતાં કહ્યું કે સરકારને ગરીબી નાબૂદી માટે ગરીબોને દર મહિને 2,000 રૂપિયા આપવાની જાહેરાત કરવી જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે પોંગલ પર્વની ઉજવણી માટે બીપીએલ અને સામાન્ય રાશન કાર્ડ ધારકોને 1,000 રૂપિયાની રોકડ ભેટ અને ગિફ્ટ હેમ્પર આપ્યા છે.

(12:11 am IST)