Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

અખિલેશને એરપોર્ટ ઉપર રોકી દેવાતા ભારે હોબાળો

સમાજવાદી પાર્ટીના કાર્યકરોના હિંસક દેખાવો : સમાજવાદી પાર્ટી, બસપના યોગી સરકાર ઉપર આક્ષેપો અખિલેશ યુનિવર્સિટી એક કાર્યક્રમમાં ભાગ લેનાર હતા

લખનૌ, તા. ૧૨ : ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને અલ્હાબાદ યુનિવર્સિટી જતા પહેલા લખનૌ વિમાની મથકે રોકી લેવામાં આવ્યા બાદ રાજકીય ઘમસાણની સ્થિતિ જોવા મળી રહ છે. અખિલેશ વિમાનથી પ્રયાગરાજ જવા માટે અમોસી એરપોર્ટ પર પહોંચ્યા હતા પરંતુ વહીવટીતંત્રએ તેમને આગળ વધવાની મંજુરી આપી ન હતી. ત્યારબાદ આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના લોકોએ આની સામે આક્ષેપો કર્યા છે. અખિલેશ યાદવને રોકવામાં આવતા પાર્ટીના લોકોએ જોરદાર દેખાવો કર્યા હતા. અખિલેશને રોકવામાં આવતા પોલીસ, વહીવટીતંત્ર અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. અખિલેશ યાદવે મોડેથી ટ્વિટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી.  અખિલેશના ટ્વિટ બાદ લખનૌ અને અલ્હાબાદમાં ધાંધલ ધમાલ થઇ હતી. સપાના ધારાસભ્યો અને કાર્યકરોએ રાજભવન ઉપર ધરણા કર્યા હતા. અખિલેશના ટ્વિટ બાદ સપાના કાર્યકરો એરપોર્ટ ઉપર પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ વણસી ગયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતુ ંકે, પ્રયાગરાજમાં કોઇપણ પ્રકારની અરાજકતા ન ફેલાય તે હેતુસર અખિલેશને રોકવામાં આવ્યા હતા. અખિલેશને રોકવામાં આવતા અલ્હાબાદ યુનિવર્સિટીમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. વિદ્યાર્થી નેતાઓ વચ્ચે તંગદિલી વધતા પોલીસ ટુકડી તૈનાત કરવામાં આવી હતી. અખિલેશે ટ્વિટ કરીને કહ્યું હતું કે, એક વિદ્યાર્થી નેતાના શપથ ગ્રહણ કાર્યક્રમથી સરકાર ગભરાઈ ગઈ છે. અખિલેશને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અખિલેશે કહ્યું હતું કે તેમને લખનૌ વિમાની મથકે પકડી લેવાયા હતા. તેમને જવાની મંજુરી મળી ન હતી. ટ્વિટર હેન્ડલથી પણ અખિલેશે ઘણા ટ્વિટ કર્યા હતા. અખિલેશને અલ્હાબાદ જતા રોકવામાં આવ્યા બાદ રાજ્યસભાના સાંસદ રામગોપાલ યાદવે હોબાળો મચાવ્યો હતો અને આના માટે યોગીને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અખિલેશ પાસે અલ્હાબાદ જવાની મંજુરી હતી પરંતુ તેમને રોકવામાં આવ્યા હતા. બીજી બાજુ ધાંધલ ધમાલનો દોર આને લઇને શરૂ થઇ ગયો હતો. યોગી સરકારના આરોગ્યમંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું હતું કે, ચૂંટણી આવતાની સાથે જ વિપક્ષની અંદર લોકપ્રિયતા મેળવવા માટેની લડાઈ શરૂ થઇ જાય છે. નાયડુ કદી દિલ્હીમાં ધરણા કરે છે. રાહુલ ગાંધી એક જ ટેપ વારંવાર વગાડી રહ્યા છે. હવે અખિલેશ પણ હોબાળો કરી રહ્યા છે.

(7:44 pm IST)