Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ગુર્જર આંદોલન : રેલવે ટ્રેક ખાલી કરવાનો હુકમ જારી

અનામતની માંગને લઇને પાંચમા દિવસે આંદોલન : ગુર્જર નેતા બેનસલાને નોટીસ જારી : મંગળવારના દિવસે વધુ ત્રણ ટ્રેનને રદ કરવાની ફરજ : લોકોને ભારે મુશ્કેલી

જયપુર,તા. ૧૨: પાંચ ટકા અનામતની માંગ સાથે જારી ગુર્જર સમુદાયનુ આંદોલન આજે પાંચમા દિવસે પણ જારી રહેતા તેની માઠી અસર થઇ હતી. બીજી બાજુ હવે જિલ્લા વહીવટીતંત્રે આક્રમક વલણ અપનાવીને રેલવે ટ્રેક ખાલી કરવા માટે ગુર્જર નેતા કિરોડી સિંહ બેનસલાને આદેશ કર્યો છે. આના માટે તેમની સામે નોટીસ જારી કરવામાં આવી છે.રાજસ્થાનમાં પાંચ ટકા અનામતની માંગની સાથે ગુર્જર નેતાઓનું આંદોલન આજે પાંચમા દિવસે પણ જારી રહ્યું હતું.  અનેક જગ્યાઓએ સીઆરપીસીની કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી છે. ધૌલપુરમાં સીઆરપીસીની કલમ હેઠળ પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા છે. કરોલી જિલ્લામાં પણ આવી જ હાલત બનેલી છે. મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવામાં આવી ચુકી છે જેથી જનજીવન ઉપર માઠી અસર થઇ છે. આંદોલનના કારણે અનેકના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.

આના કારણે સામાન્ય લોકો હવે ભારે મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે. કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે. ગુર્જર સમુદાયના લોકો વધારે મક્કમ બનીને આગળ વધી રહ્યા છે. રવિવારના દિવસે હિંસક દેખાવ કરવામાં આવ્યા બાદ હવે તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે.પશ્ચિમ રેલવને અને પશ્ચિમ મધ્ય રેલવે તરફથી ટ્રેનોને માઠી અસર થઈ છે. 

ગુર્જર નેતા કિરોડીસિંહે કહ્યું છે કે આ લડાઈ આરપારની છે. તેમણે આજે પણ કહ્યું હતું કે જ્યાં સુધી ગુર્જર સમુદાયને પાંચ ટકા અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સવાઈમાધોપુરા-બયાના વચ્ચે ગુર્જર આંદોલન જોરદાર રીતે જારી છે. ગુર્જરોના પ્રદર્શનના કારણે પશ્ચિમી મધ્ય રેલવેના કોટા ડિવીઝનની અનેક ટ્રેનોના રૂટ બદલી નાંખવામાં આવ્યા છે. કેટલીક ટ્રેન રદ કરી દેવામાં આવી છે.

કેટલીક ટ્રેનોને અડવચ્ચે સુધી ચાલુ રાખવામાં આવી છે. કોટા ડીઆરએમ દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યુ છે કે કેટલીક ટ્રેનોના રૂટ બદલી દેવામાં આવ્યા છે. દરમિયાન ગુર્જર આંદોલનને ધ્યાનમાં લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વિરોધ પ્રદર્શનના કારણે હજુ સુધી ૪૯થી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી ચુકી છે. ૨૩થી વધુ ટ્રેનોના માર્ગ બદલી દેવામાં આવ્યા છે. પ્રદર્શનના કારણે કેટલીક ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે.

(3:36 pm IST)