Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ડોન રવિ પુજારીની ધરપકડ બાદ અન્યોની ટુંકમાં ધરપકડ

ડી ગેંગના કેટલાક કુખ્યાત શખ્સો પર નજર : ડી કંપનીથી અલગ થયેલા કેટલાક મોટા તેમજ ખતરનાક શખ્સો વિદેશમાં બેઠા છે : તપાસ સંસ્થાઓની બાજ નજર

મુંબઇ,તા. ૧૨: ડોન રવિ પુજારીની સેનેગલમાંથી હાલમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે તેને ભારત લાવવા માટેની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.  જુદા જુદા ક્રાઇમ સાથે જોડાયેલા લોકોને ભારત લાવવા માટેના પ્રયાસ હવે થઇ રહ્યા છે. કુખ્યાત શખ્સોને પકડી પાડવા માટે ભારતીય તપાસ સંસ્થાઓએ વિદેશમાં જાળ બિછાવી છે. આ જાળમાં કેટલાક શખ્સોને ફસાવી  લેવામા ંઆવ્યા બાદ હાલના સમયમાં ભારતમાં લાવવામાં આવ્યા છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસના વચેટિયા મિશેલને ભારત લાવવામાં સફળતા મળી ચુકી છે. આ ઉપરાંત અન્ય આરોપી લોકોને પણ ભારત લાવવામાં આવી ચુક્યા છે. જે ડોન વિદેશમાં બેઠા છે તેમાં એક ગુરૂ સાટમ પણ છે.

સાટમ પહેલા છોટા રાજનની સાથે કામ કરતો હતો. ગયા મહિનામાં જ તેના એક ખાસ માણસને મુંબઇ પોલીસે પકડી પાડ્યો હતો. જેની ઓળખ કૃષ્ણ કુમાર તરીકે કરવામાં આવી હતી. જે સાટમના હવાલા કારોબારને સંભાળી રહ્યો હતો. તે હોંગકોંગના રસ્તે આ ડોનને દક્ષિણ આફ્રિકામાં રકમ પહોંચાડી રહ્યો હતો.

જો કે વિદેશમાં ગુરૂ સાટમ કરતા વધારે સક્રિય પ્રસાદ પુજારી છે. અંડરવર્લ્ડની માહિતી ધરાવતા નિવૃત એસીપી પ્રફુલ્લ ભોસલેએ કહ્યુ છે કે પ્રસાદ પુજાર વિક્રોલીનો  છે. તે પહેલા કુમાર પિલ્લે માટે કામ કરતો હતો. ત્યારબાદ તે તેનાથી અલગ થઇ ગયો હતો. તેને પોતાની અલગ ગેંગ ઉભી કરી હતી.

અલગ થયા બાદ તે થોડાક સમય સુધી બંટી પાન્ડે અને રવિ પુજારી માટે કામ કરતો હતો. એજાજ લકડાવાલા પણ અંડરવર્લ્ડમાં લાબા સમયથી છે. તે વિદેશમાં બેસીને મુંબઇમાં વેપારીઓને ધાક ધમકી આપતો રહે છે. રવિ પુજારી પણ પહેલા છોટા રાજનની સાથે કામ કરતો હતો. એ ગાળા દરમિયાન વિજય શેટ્ટી, હેંમંત પુજારી પણ રાજન સાથે જોડાયેલો હતો.

(3:36 pm IST)